Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

રીલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીએ મેડી કલેઇમની ચુકવણી નહિ કરતા ગ્રાહક પંચમાં ફરિયાદ

રાજકોટ તા. ૬: રીલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીએ મેડીકલેઇમ ચુકવણી કરવા સબબ બેદરકારી, ગ્રોસ નેગ્લીજન્સી દાખવેલ હોવાથી રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચ સમક્ષ ફરિયાદ થયેલ છે.

રાજકોટમાં ૩૪-ન્યુ જાગનાથ પ્લોટમાં રહેતા જાણીતા વેપારી તથા સીનીયર સીટીઝન સુરેશભાઇ શાંતિલાલ માણેક કે જેઓએ રીલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી મેડીકલેઇમ લીધેલ. અને તે અંગેનું પ્રિમીયમ નિયમીતપણે ચુકવેલ અને ઇન્સ્યોરન્સ પોલીસીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશનની તમામ પ્રક્રિયાનું પાલન કરેલ અને વર્તન કરેલ. તેમજ પોલીસીની સમય મર્યાદામાં જ તા. ર૩/૦૭/ર૦ર૦ ના રોજ ડાબી આંખનું મોતિયાનું ઓપરેશન રાજકોટના પ્રખ્યાત આઇ સર્જનશ્રી બાવીસી દ્વારા કરવામાં આવેલ અને તે અંગેનું બીલ મુજબ મેડીકલેઇમ રૂ. ૪૧,૬૬૬/-નો કલેઇમ રજુ કરેલ. પરંતુ રીલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીએ, પોલીસીની શરતો વિરૂધ્ધ જઇને, ખોટા અને માની ન શકાય તેવા બહાના બતાવીને, રેકર્ડ ઉપર રજુ થયેલ સચોટ પુરાવાઓનું ખોટું અર્થઘટન કરીને, અગાઉની પોલીસીઓ ત્રણ રજુ કરેલ છતાં પણ તે ધ્યાને લીધા વગર કલેઇમ રીજેકટ કરેલ.

આમ રીલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીએ ફરજમાં બેદરકારી તથા ગ્રોસ નેગ્લીજન્સી કરેલ હોય તે અંગે નોટીસ આપવા છતાં પણ તને ધ્યાને લીધેલ નહીં કે કોઇ જવાબ આપેલ નહીં, તેમજ છેવટે સામાવાળી કંપનીની સુચના મુજબ ઇ-મેઇલ દ્વારા પણ જાણ કરતી નોટીસ આપવા છતાં પણ કલેઇમ રીજેકટ કરેલ. જેથી છેવટે ન્યાય મેળવવા તથા રકમ મેળવવા ફરિયાદી સુરેશભાઇ માણેકે રાજકોટના ગ્રાહક તકરાર નિવારણ પંચ સમક્ષ રૂ. ૪૧,૬૬૬/- તથા રૂ. ૧૦,૦૦૦/- માનસિક ત્રાસ તથા ધંધામાં થયેલ નુકશાનીના રૂ. ૭,પ૦૦/-, આમ કુલ રકમ રૂ. પ૯,૧૬૬/- રકમ વસુલાત અપાવવા તથા ૧૮% લેખે વ્યાજ સહિતની રકમ અપાવવા દાદ માંગતી ફરિયાદ દાખલ કરેલ છે. જેથી ગ્રાહક ફોરમે સામાવાળા રીલાયન્સ જનરલ સન્સ્યોરન્સ વિરૂધ્ધ હાજર થવા સબબ નોટીસ કાઢેલ છે.

આ કામમાં ફરીયાદી-સુરેશભાઇ શાંતિલાલ માણેક વતી રાજકોટના જાણીતા વિદ્વાન ધારાશાસ્ત્રીઓ વિરેન્દ્રકુમાર સી. દોશી, શ્રી હર્ષદકુમાર એસ. માણેક, મનીષભાઇ બી. ચૌહાણ, સોનલબેન ગોંડલીયા, જાગૃતિબેન કેલૈયા રોકાયેલ છે.

(2:56 pm IST)