Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

સાગરે રેલવે અધિકારી ઝાલા સાહેબનો સ્વાંગ રચી નકલી ઓર્ડર આપી ૧૬ લાખ રોકડા કરી લીધા'તા

રેલવેમાં નોકરીના બહાને ઠગાઇમાં સુત્રધાર નિરવ અને સાગરીત સાગર સકંજામાં : વિનોદભાઇ ચૌહાણની ફરિયાદ : તાલુકા પોલીસે બેને સકંજામાં લઇ પુછપરછ હાથ ધરી

રાજકોટ,તા. ૬: નોકરીવાચ્છુક યુવકોને રેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી નકલી એપોઇન્ટમેન્ટ લેટર આપી બે પિતરાઇ બંધુ પાસેથી રૂ. ૧૬ લાખ પડાવ્યાના કૌભાંડમાં તાલુકા પોલીસે મુખ્ય સુત્રધાર સહિત બેને સકંજામાં લઇ પુછપરછ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ કુવાડવા રોડ રણછોડદાસ બાપુના આશ્રમ પાસે સિધ્ધી વિનાયક પાર્ક શેરી નં.૩માં રહેતા વિનોદભાઇ ગોરધનભાઇ ચૌહાણ (ઉવ.૪૭)એ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે ઇમીટેશનનો વેપાર કરે છે. પોતાને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. જેમાં નાનો પુત્ર ગૌરવે ધોરણ ૧૨ સુધી અભ્યાસ કર્યો છે. અઢી વર્ષ પહેલા પુત્ર ગૌરવ ૧૫૦ ફુટ રોડ બીગબજારની બાજુમાં ઇસ્કોન મોલ ખાતે કેડવર્લ્ડ કલાસીસમાં એન. એકસ ડીઝાઇનીંગનો કોર્ષ કરવા માટે જતો હતો. ત્યારે ત્યાં બીજા માળે રોયલ કન્સલટન્સી નામની ઓફીસમાં ગૌરવ નોકરી માટે ગયો હતો. ત્યાં અનીલભાઇ પટેલને નોકરી માટે વાત કરી હતી. ત્યારે તેણે બીગ બજારની બાજુામં ઇસ્કોન મોલ ખાતે નીરવ દેવાણીનો સંપક કરવાનું જણાવતા ગૌરવે, નિરવનો સંપર્ક કરતા તેણે જણાવ્યું હતુ કે, 'અમે સરકારી નોકરી અપાવીએ છીએ અને તેનુ પેમેન્ટ રૂ. ૧૦ લાખ જણાવ્યું હતું.અને ત્યારે ગૌરવે પોતાને વાત કરતા પોતે નિરવ દેવાણી સાથે વાત કરી રૂ. ૮ લાખ નકકી કર્યા હતા. તેમાં પોતે નિરવને રૂ. ૬૦ હજાર ટોકન પેટે આપ્યા હતા. ત્યારે તેણે પોતાનું નામ નીરવ યોગેન્દ્રભાઇ દેવાણી (રહે. બાલમુકુંદ-૪ અંબાજી કડવા પ્લોટ, પી.ડી. એમ. કોલેજની પાછળ સાગર એપાર્ટમેન્ટ) જણાવ્યું હતું. ત્યારબાદ પોતે પોતાના ભાઇ પરેશભાઇ ગોરધનભાઇ ચૌહાણના દીકરા વૈભવને પણ સરકારી નોકરી અપાવા માટે વાત નીરવ દેવાણીને કરી હતી. ત્યારબાદ નીરવ દેવાણીએ પોતાને સાગર ચમનભાઇ મકવાણા ઉર્ફે ઝાલા સાહેબ (રહે.કુવાડવા ગામ)ને મળાવ્યા હતા. અને પોતાને જણાવેલ  કે, આ ઝાલા સાહેબ રેલવેમાં નોકરી કરે છે. અને તેનો પગાર રૂ. ૭૦ હજાર છે. તે તમારા દીકરાના ઓર્ડર કઢાવી આપશે. બાદ પોતે નીરવની બીજી ઓફીસ દોઢ સો ફુટ રોડ નાગરીક બેંકની સામે 'જોબ પ્લસ' નામની ઓફીસે લઇ ગયો હતો. ત્યારે પોતે નિરવને રૂ. ૪.૫૦ લાખ આપ્યા હતા. ત્યારે નિરવએ 'છ મહિનામાં રેલવેમાં સરકારી નોકરીઓ ઓર્ડર આવી જશે તેમ વાત કરી હતી. બાદ પોતે જુદી જુદી જગ્યાએ નીરવએ રૂ. ૩.૮૫ લાખ આપ્યા હતા અને રૂ. ૨.૫૦ લાખ બાકી રાખ્યા હતા. બાદ તા. ૨૨/૧૦ ના રોજ નિરવ અને ઝાલા સાહેબે પોતાને ઓફીસે બોલાવીને કહેલ કે 'ગૌરવ અને વૈભવનો જોઇનીંગ લેટર છે. તા.૩૦ના રોજ રેલવે સ્ટેશન ખાતે બાકીના રૂ. ૨.૫૦ લાખ આપીને નોકરીનો ઓર્ડર લઇ જજો તેમ જણાવ્યું હતું. બાદ પોતે અને ભાઇ પરેશભાઇ બંને રેલવે સ્ટેશન ખાતે ગયા ત્યારે નીરવ અને ઝાલાભાઇ મળેલ અને રૂ. ૨.૫૦ પોતાની પાસેથી  લઇ લીધા અને કહેલ કે અહીં ઉભા રહો સાહેબ મીટીંગમાં છે. બાદ પોતાને અને ભાઇ પરેશભાઇને જોઇનીંગ લેટર આપ્યો હતો બાદ બંને ત્યાંથી જતા રહ્યા હતા. ત્યારબાદ પોતે અને ભાઇ પરેશભાઇ બંને નીરવની ઓફીસે ગયા ત્યાં તેની ઓફીસ ન હતી બાદ પોતાને જાણવા મળેલ કે નિરવ અને ઝાલાભાઇએ રેલ્વેમાં નોકરીના ઓર્ડરનું ખોટુ ડોકયુમેન્ટ બનાવી તેમાં તેની ખોટી સહી કરી નકલી ઓર્ડર આપી. રૂ.૧૬ લાખની છેતરપીંડી કર્યાનુ જાણવા મળતા પોતે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. દરમ્યાન તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એન.કે.રાજપુરોહીત તથા જેન્તીભાઇ રાઠોડ સહિતે નીરવ દેવેન્દ્ર દેવાણી અને સાગર મકવાણાને સકંજામાં લઇ પુછપરછ હાથ ધરી છે.

(2:55 pm IST)