Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

જનધન ખાતામાં રૂપીયા જમા કરાવવા જતા

ગ્રાહકો પાસે ખોટી સ્લીપ ભરાવી છેતરપીંડી કરવાના ગુનામાં મહિલા આરોપીના જામીન મંજુર

રાજકોટ, તા., ૬: એસબી આઇ બેંક જનધન ખાતામાં જમા કરાવવા જતા ગ્રાહકોની પાસે ખોટી સ્લીપ ભરાવી ૭૬ ગ્રાહકો સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડીના ગુનામાં મહિલા આરોપી માધુરીબેન નીતીનભાઇ ઝીંઝુવાડીયાને જામીન ઉપર છોડવા એડી. ડીસ્ટ્રી. એન્ડ સેસન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

એન.આઇ.ટી.સી. ટેકનોલોજી પ્રા.લી. ના આસીસ્ટમેન્ટ મેનેજર યશભાઇ વીરાટભાઇ પંડયાએ ભકિતનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ લાખાવી જણાવેલ કે અમારી એન.આઇ.ટી.સી. કંપનીએ એસ.બી.આઇ. બેંક સાથે કરાર કરી ગ્રાહક સુવિધા કેન્દ્ર આખા ગુજરાતમાં ચાલુ કરેલ છે અને તેનું એક કેન્દ્ર ગાયત્રીનગર મેઇન રોડ, ભકિતનગર સર્કલ, રાજકોટ ખાતે ગૌરવભાઇ સતીષભાઇ પંડયા રહે. લક્ષ્મીનગર શેરી નં. ૧૮ વાળાએ ચાલુ કરેલ હતું તેમાં માધુરીબેન નીતીનભાઇ ઝીંઝુવાડીયા તથા રેવતીબેન જાદવ નોકરીયાત હતા.

તેમાં અમુક ગ્રાહકોને આ સુવિધા કેન્દ્રમાંથી એવા ફોન કરવામાં આવતા કે તમારૂ કેવાયસી પુરૂ થઇ ગયેલ છે. રૂબરુ આવીને તમારા કેવાયસીની કાર્યવાહી કરી જાવ. જયારે ગ્રાહકો ત્યાં આવે ત્યારે તેને એવો વિશ્વાસ આપવામાં આવતો કે  એસબીઆઇ બેંકના બદલે ક્રેટા ફીનસર્વ પ્રા.લી. કંપનીમાં તમો રોકાણ કરશો તો તમને વધુ વ્યાજ આપશે અને આ કંપની એસબીઆઇ બેંક સાથે જોડાયેલ છે. આવો વિશ્વાસ આપવામાં આવતો અને તે ગ્રાહકોના અંગુઠાનું નિશાન કે.વાઇ.સી.ના ઉપર લેવામાં આવતા ગ્રાહક અંગુઠાનું નિશાન આપે ત્યારે તુરંત ગ્રાહકોના ખાતામાંથી રૂપીયા ઉપડી તે રૂપીયા આરોપી ગૌરવ સતીષભાઇ પંડયાના ખાતામાં જમા થતા તથા ફરીયાદીએ વધુમાં એવુ જણાવેલ છે કે મુખ્ય આરોપી ગૌરવ પંડયાના ખાતામાંથી રૂ. ૧ર,૬૬,૦૦૦-૦૦ માધુરીબેન નીતીનભાઇ ઝીંઝુવાડીયા ડો./ઓ વ્રજેશભાઇ આડેસરાના આઇસીઆઇસીઆઇ બેંકના ખાતામાં જમા થયેલ છે. આ રીતે માધુરીબેન ઝીંઝુવાડીયાએ મદદગારી કરેલ છે. તથા એસબીઆઇ બેંકની ખોટી સ્લીપ બનાવી ગ્રાહકો પાસે ખોટી સહીઓ કરાવી કુલ ૭૬ ગ્રાહકો સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કરીને કુલ રકમ રૂ. રર,૮૧,૧૯૬ રૂપીયાની છેતરપીંડી અને વિશ્વાસઘાત તથા દસ્તાવેજો બનાવવાના ગુન્હામાં ભકતીનગર પોલીસએ માધુરીબેન નીતીનભાઇ ઝીંઝુવાડીયાની આઇપીસીની કલમ ૪૦૬, ૪ર૦, ૪૧૭, ૪૬૭, ૪૬૮, ૪૭૧ ના ગુન્હામાં ધરપકડ કરેલી અને નામદાર ચીફ કોર્ટે આરોપી માધુરીબેનને જેલ હવાલે કરવાનો હુકમ ફરમાવેલ છે.

ત્યાર બાદ માધુરીબેન ઝીંઝુવાડીયાએ રાજકોટના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની સમક્ષ જામીન અરજી ગુજારાતા નામદાર કોર્ટે બંન્ને પક્ષોને રજુઆત ધ્યાને લઇને માધુરીબેને ઝીંઝુવાડીયાને શરતોને આધીન રૂ. રપ,૦૦૦ના જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસ અમા આરોપી  માધુરીબેન ઝીંઝુવાડીયા વતી રાજકોટના એડવોકેટ શ્રી સંજયભાઇ એચ.પંડયા તેમજ મનીષભાઇ એચ.પંડયા, નિલેશ ગણાત્રા, રવીભાઇ ધ્રુવ, ભુપેન્દ્રસિંહ જાડેજા, ઇર્શાદ શેરસીયા, વિજયસિંહ જાડેજા અને જયદેવસિંહ ચૌહાણ રોકાયેલ હતા.

(2:53 pm IST)