Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

'તું ગમતી નથી જોઇતી નથી' કહી, સીમાબેન ભરડવાને વડોદરામાં પતિ-સાસરીયાનો ત્રાસ

વડોદરાના પતિ મુકેશ, સાસુ દયાબેન, સસરા છગનભાઇ અને અમદાવાદના જેઠ કેતન, જેઠાણી ગીતા સામે ગુનો

રાજકોટ, તા., ૬: શહેરના જલારામ શ્રી કોલોની સોસાયટીમાં માવતર ધરાવતી મહિલાને 'તું ગમતી નથી, જોઇતી નથી' અને ઘરકામ બાબતે મેણા ટોણા મારી વડોદરામાં પતિ, સાસુ, સસરા, જેઠ અને જેઠાણી ત્રાસ આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ જલારામ શ્રી કોલોની સોસાયટી શેરી નં. ૩માં માવતરના ઘરે રહેતા સીમાબેન મુકેશભાઇ ભરડવા (ઉ.વ.૩૬) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં વડોદરાના વાસના ભાઇલી મેઇન રોડ સાંગાની સ્કાઇ ઇ-૧૦૦૪માં રહેતા પતિ મુકેશ ભરડવા, સાસુ દયાબેન ભરડવા, સસરા છગનભાઇ પ્રેમજીભાઇ ભરડવા અને અમદાવાદ ન્યુ નરોડામાં ક્રોસ રોડ, શ્રીજી એવન્યુ બી-૩ માં રહેતા જેઠ કેતન ભરડવા, જેઠાણી ગીતાબેન ભરડવાના નામ આપ્યા છે. સીમાબેને ફરીયાદમાં જણાવ્યું છે કે પોતાના ૨૦૦૭માં કેશોદ ખાતે લગ્ન થયા હતા. લગ્ન બાદ પોતે અમદાવાદમાં પતિ, સાસુ, સસરા સાથે સંયુકત પરિવારમાં રહેતા લગ્નના થોડો સમય સાસરીયાઓએ સારી રીતે રાખ્યા બાદ છ મહિના પછી તું ગમતી નથી, જોઇતી નથી તેમ મેણાટોણા મારી પતિ ત્રાસ આપતા હતા અને રાત્રે ઉંઘમાંથી ઉઠાડીને પતિ પોતાની સાથે ઝઘડો કરતો તેમજ સાસુ, ઘરકામ જેવી નાની-નાની બાબતે ઝઘડો કરી મારકુટ કરતા હતા. બાદ પતિને ર૦૧૦માં વડોદરા ખાતે નોકરી મળતા પતિ વડોદરા જતા રહયા હતા અને પોતાને વડોદરા પણ જવા દેતા ન હતા. થોડો દિવસો બાદ સાસુ, સસરા સાથે વડોદરા રહેવા ગયા હતા. ત્યાં પણ પતિ સાસુ, સસરા નાની-નાની બાબતે ઝઘડો કરી મારકુટ કરતા અને અમદાવાદ ન્યુ નરોડામાં રહેતા જેઠ અને જેઠાણી પતિને ચઢામણી કરતા પતિ પોતાની સાથે ઝઘડો કરતા હતા અને અવાર નવાર પૈસાની માંગણી કરી શારીરીક-માનસીક ત્રાસ આપતા પોતે રાજકોટ માવતરના ઘરે આવ્યા બાદ મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા એએસઆઇ એ.કે.સાંગાણીએ તપાસ હાથ ધરી છે.

(2:51 pm IST)