Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

૧પ દિ'માં N.O.C. મેળવીલ્યોઃ શાળા સંચાલકોને તાકિદ

શહેર-જીલ્લાની ૧૧૯૪ શાળા પાસે એન.ઓ.સી. નથીઃ ર૯૧ શાળા દ્વારા એન.ઓ.સી. મેળવવા કાર્યવાહી

રાજકોટ તા. ર :.. રાજય સરકારે શાળા-કોલેજનાં બિલ્ડીંગમાં અગ્નિશમન સાધનોની સંપૂર્ણ નિયમ મુજબની વ્યવસ્થા રાખી અને સ્થાનીક ફાયર બ્રિગેડનું નો-ઓબ્જેકશન સર્ટી ફરજીયાત મેળવવાનાં નિયમની કડક અમલવારી શરૂ કરાવતાં આ બાબતે શહેરનાં શાળા-કોલેજ સંચાલકોમાં દોડધામ મચી છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ રાજય સરકારે આર. ટી. ઇ. હેઠળ શૈક્ષણીક વ્યવસ્થા સહિતની બાબતોએ શાળા - કોલેજનાં બિલ્ડીંગમાં અગ્નિશમન સાધનો જેવા કે પાણીનો ટાંકો, ફાયર નોઝલ, પાઇપ લાઇન, ફાયર એકસટીમ્બ્યુઝર જેવા સાધનો લગાવી અને સ્થાનિક ફાયર બ્રિગેડ તંત્રનું એન. ઓ. સી. રજૂ કરવાનાં નિયમની કડક અમલવારી કરાવતો આદેશ બહાર પાડયો છે.

આ આદેશનાં અનુસંધાને શાળા - કોલેજોનાં સંચાલકો ફાયર બ્રીગેડમાં એન. ઓ. સી. માટે અરજી કરવા સતત ઇન્કવાયરી કરી રહ્યા છે.

પરંતુ અધિકારીઓએ સ્પષ્ટ વલણ અપનાવ્યું છે કે સૌ પ્રથમ શાળા - કોલેજના બિલ્ડીંગમાં અગ્નિશમન સાધનોની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે ત્યાર પછી જ એન. ઓ. સી. માટે અરજી સ્વીકારાશે. અને અરજી મળ્યા બાદ રૂબરૂ સ્થળ પર જઇને તપાસ કર્યા બાદ જ એન. ઓ. સી. આપવામાં આવશે.

દરમિયાન જીલ્લા શિક્ષણાધિકારીએ શહેર - જીલ્લાની ૧૧૯૪ જેટલી શાળાના સંચાલકોને ૧પ દિવસમાં ફાયર એન. ઓ. સી. મેળવી લેવા તાકિદ કરી છે. જે અનુસંધાને ર૯૧ શાળા દ્વારા એન.ઓ.સી. મેળવવા કામગીરી શરૂ કરી દેવાઇ છે.

(3:51 pm IST)