Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

સતિષ વિઠ્ઠલાણી અને જીતુભાઇ લાલના નામો મોખરે છે ત્યારે

લોહાણા મહાપરિષદના પ્રમુખપદ માટે નિમાબેન આચાર્ય તથા હરીશ લાખાણીના નામો ચર્ચામાંં

સમાજમાંથી ભયંકર પ્રેશર તથા પરાણે પ્રમુખ બનવા બાબતે તડાપીટ બોલતા પ્રવિણભાઇ કોટકે રાજીનામુ આપ્યું: સાથે-સાથે સતીષભાઇ વિઠ્ઠલાણીને પ્રમુખ બનાવવા ખેલ પણ નાખી દીધાની ચર્ચા

રાજકોટ તા. ૬ :.. સમગ્ર વિશ્વમાં પથરાયેલ લોહાણા સમાજની વૈશ્વિક માતૃસંસ્થા લોહાણા મહાપરિષદ તથા તેનું પ્રમુખપદ છેલ્લા ઘણાં સમયથી વિવાદમાં આવી ગયેલ છે. ખમીરવંતી અને સાહસિક ગણાતી લોહાણા જ્ઞાતિની માતૃસંસ્થાની આબરૂ સતત ધૂળધાણી થઇ રહી છે. બે દિવસ પહેલાં જ લોહાણા મહાપરિષદના સતત બીજી ટર્મના (ર૦ર૦-ર૦રપ) પ્રમુખપદ માટે અસંમતિ તથા રાજીનામુ આપનાર પ્રવિણભાઇ કોટક ઉપર સમાજમાંથી અને પરિવારમાંથી ભયંકર પ્રેશર હોવાની ચર્ચા થઇ રહી છે. સાથે - સાથે બીજી ટર્મ માટે પરાણે પ્રમુખ બનવાના વિવાદ  સંદર્ભે તથા મહાપરિષદના પૂર્વ પ્રમુખ અને પ્રખ્યાત ધારાશાસ્ત્રીશ્રી યોગેશભાઇ લાખાણી સાથેના ભારે મનદુઃખ સંદર્ભે પણ પ્રવિણભાઇ કોટક ઉપર જ્ઞાતિશ્રેષ્ઠીઓએ તડાપીટ બોલાવી હોવાનું સંભળાઇ રહ્યું છે. હેલ્થ ઇસ્યુ, વજનમાં મોટો ઘટાડો, વ્યવસાયિક ક્ષેત્રે મોટો તનાવ આ બધા કારણોની પણ (રાજીનામા પાછળ) ભારે ચર્ચા છે.

આ તમામ બાબતોને લઇને પ્રવિણભાઇ કોટક દ્વારા હાલના સમયમાં પોતાના અંગત તથા કહ્યાગરા ગણાતા સતીષભાઇ વિઠ્ઠલાણીને પ્રમુખ બનાવવા માટે ખેલ નાખ્યાનું વિશ્વના લોહાણા અગ્રણીઓ વચ્ચે ચર્ચા ચાલી રહી છે.

દરમ્યાન એવું પણ જાણવા મળે છે કે ગઇકાલે શ્રી ભુજ લોહાણા મહાજનના પ્રમુખ, ઉપપ્રમુખ તથા મંત્રીની સહી સાથેના લેટરપેડ ઉપર ભુજ વિસ્તારના ધારાસભ્ય નિમાબેન આચાર્યને લોહાણા મહાપરિષદના પ્રમુખ બનાવવા પ્રવિણભાઇ કોટેક  પાસે લાગણી વ્યકત કરવામાં આવી છે. લેટરમાં એવું પણ જણાવાયું છે કે પ્રવિણભાઇ કોટક દ્વારા મંગળવારે રાત્રે ૧૧.૩૦ વાગ્યે નિમાબેન આચાર્યને ફોન કરીને મહાપરિષદનું પ્રમુખપદ સ્વિકારવા દરખાસ્ત કરવામાં આવેલ. નિમાબેન આચાર્ય તથા તેઓનો પરિવાર વર્ષોથી સમાજ સેવા સાથે સંકળાયેલ હોવાનો પણ ઉલ્લેખ છે.

આ ઉપરાંત રાજકોટના લોહાણા સમાજના અગ્રણી અને લોહાણા મહાજનના કારોબારી સભ્ય શ્રી હરીશભાઇ લાખાણી (ડી. એમ. એલ. ગ્રુપ) એ પણ લોહાણા મહાપરીષદના પ્રમુખ બનવાની તૈયારી બતાવી છે. સાથે - સાથે જ્ઞાતિની સેવા માટે વર્ષે કદાચ એકથી બે કરોડ ખર્ચ કરવો પડે તો પણ પોતે તૈયાર હોવાનું જણાવી રહ્યા છે.થોડા સમય પહેલા પોતે મહાપરિષદના પ્રમુખની રેસમાં ન હોવાનું કહેનાર શ્રી હરીશભાઇ લાખાણીએ જણાવ્યું હતું કે જયારે મહાપરીષદના પ્રમુખ તરીકે પ્રવિણભાઇ કોટકનું નામ નિશ્ચિત મનાતું હતું ત્યારે જ્ઞાતિમાં ખોટા વિવાદો ઉભા ન થાય અને જ્ઞાતિની ગરીમા જળવાઇ રહે તે માટે હું પ્રમુખપદની રેસમાંથી નિકળી ગયો હતો. પરંતુ હવે જયારે લોહાણા મહાપરિષદના પ્રમુખપદની વરણી નવેસરથી જ થઇ રહી છે ત્યારે પોતે તન, મન, ધનથી જ્ઞાતિની સેવા કરવા માટે તત્પર હોવાનું હરીશભાઇ લાખાણીએ અકિલાને જણાવ્યું હતું.

(12:45 pm IST)