Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

મુંજકાના વળાંકમાં કારની ઠોકરે બાઇક ચડતાં માણાવદરના ઘડીયાના મયુર કાબાનું મોતઃ રાજકોટના પ્રકાશને ઇજા

કોલેજના એડમિશનની તપાસ કરી પરત આવતી વખતે બનાવ : મયુર વડવાજડી રહી નોકરી કરતો હતોઃ એમએસડબલ્યુનો અભ્યાસ ચાલુ કરવાનો હતોઃ પરિવારજનોમાં કલ્પાંત

રાજકોટ તા. ૬: મુંજકા નજીક વળાંકમાં કારની ઠોકરે બાઇક ચડી જતાં મુળ માણાવદરના ઘડીયા ગામના અને હાલ વડવાજડી રહી પ્રાઇવેટ નોકરી કરતાં મયુર શાંતિલાલ કાબા (ઉ.વ.૨૨) નામના યુવાનનું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે. તેની સાથે બાઇકમાં બેઠેલા રાણીટાવર પાછળ આવાસ કવાર્ટરમાં રહેતાં પ્રકાશ દિનેશભાઇ મકવાણા (ઉ.વ.૨૫)નો ઇજાઓ સાથે બચાવ થયો હતો.

મયુર કાબા અને પ્રકાશ મકવાણા ગઇકાલે હરિવંદના કોલેજ ખાતે એમએમસડબલ્યુના અભ્યાસ ક્રમમાં એડમિશન લેવું હોઇ તેની તપાસ કરવા બાઇક લઇને ગયા હતાં. ત્યાંથી પરત આવતી વખતે મુંજકાના વળાંકમાં પહોંચ્યા ત્યારે ફોરવ્હીલરની ઠોકરે ચડી જતાં ચાલક મયુર અને પાછળ બેઠેલો પ્રકાશ એમ બંને ફંગોળાઇ જતાં ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ રાત્રીના મયુરે દમ તોડી દેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. મયુર મુળ માણાવદરના ઘડીયા ગામનો વતની હતો. વડવાજડી રહી કંપનીમાં નોકરી કરતો હતો. તેને અને પ્રકાશને અભ્યાસ ચાલુ કરવો હોઇ તે અંગે તપાસ કરીને પરત આવતી વખતે અકસ્માત નડ્યો હતો. મયુર બે ભાઇમાં મોટો હતો. તેના પિતા મજુરી કરે છે. યુવાન દિકરાના મૃત્યુથી સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં. પોલીસે કાર ચાલક સામે કાર્યવાહી કરવા તજવીજ કરી હતી.

(11:22 am IST)