Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

દિવાળીના તહેવારો દરમિયાન લોકો ખાસ સાવધાની વર્તે : હજુ કોરોનાની અસર ચાલુ છે : એડી. કલેકટરની અપીલ : જનજાગૃતિ રેલી યોજાઇ

કોરોના ગાઇડલાઇનના શપથ લેવાયા : NDRF - NCC - ફાયર - ૧૦૮ના જવાનો પ્લેકાર્ડ સાથે રેલીમાં જોડાયા

ગઇકાલે સાંજે કોરોના સંદર્ભે કલેકટરે કચેરીએથી જનજાગૃતિ રેલી યોજાઇ હતી. એડી. કલેકટરે શપથ લેવડાવ્યા હતા, રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.

રાજકોટ તા. ૬ : દિવાળીના આવનારા તહેવારોમાં કોરોના સંક્ર્મણથી સાવચેતી અર્થે જનહિતાર્થે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ રેલીને અધિક નિવાસી કલેકટરશ્રી પરિમલ પંડ્યાએ લીલી ઝંડી દેખાડી પ્રસ્થાન કરાવી જણાવ્યું હતું કે, હજુ કોરોનાની અસર ચાલુ છે અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે આ દિવસોમાં કોરોનાનું સંક્ર્મણ વધે નહિ તે માટે લોકો સચેત રહે અને કોરોનાથી બચવા જરૂરી સાવધાની વર્તે.

આ રેલી પૂર્વે શ્રી પંડ્યાએ ઉપસ્થિત જવાનોને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર માસ્ક, દો ગજની દુરી, વારંવાર હાથ સાફ કરવા તેમજ ઉકાળા દ્વારા રોગપ્રતિકારક શકિત વધારવાનું પાલન કરવા તેમજ અન્યને પાલન કરાવવાના સપથ લેવડાવ્યા હતાં.

જનજાગૃતિ રેલીમાં  નેશનલ ડિસઝટર રિસ્પોન્સ ફોર્સ (એન.ડી.આર.એફ.) વડોદરા ટીમ, ૨ ગુજરાત બટાલિયન એન.સી.સી. ના કેડેટ્સ, મહાનગર પાલિકાના ફાયર વિભાગના જવાનો તેમજ ૧૦૮ ની ટીમ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ જોડાયા હતાં.

ઓરેન્જ , ખાખી અને બ્લુ કલરમાં સજ્જ જવાનો હાથમાં રંગબેરંગી પ્લે કાર્ડ અને કોરોના જાગૃતિના ગીત સાથે આ રેલી જિલ્લા કલેકટર કચેરીથી પ્રસ્થાન થયા બાદ રેસકોર્સ રિંગ રોડ થઈ ફરી લોકોને સાવચેતીનો મેસેજ પાસ કર્યો હતો. આ પ્રસંગે વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

(2:59 pm IST)