Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

યુનિવર્સિટી રોડ ઉપર થયેલા ફાયરીંગના કેસમાં બિલ્ડર કમલેશ રામાણીને જામીન પર છોડવા આદેશ

રાજકોટ તા ૬  :  સોૈરાષ્ટ્રભરમાં ચકચાર જગાવનાર બીલ્ડર કમલેશ રામાણી સામે યુનીવર્સીટી રોડ પર પેટ્રોલ પંપ પાસે ફાયરીંગ કરી ખુનની કોશીષ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરવાના આરોપસર પકડાયેલ કમલેશ રામાણીને રાજકોટના એડી. સેશન્સ જજે જામીન પર  મુકત કરતો હુકમ ફરમાવેલ છે.

કેસની હકીકત જોઇએ તો ફરીયાદી ચેતન હસમુખભાઇ રાઠોડ, કમલેશ રામાણીના ડા્રઇવર તરીકે નોકરી કરતો તે પગારના રૂપીયા પાંચ લાખ લેવાના હોય, જેની માંગણી કરતા ફોન ઉપર બોલાચાલી કરી કમલેશ રામાણીએ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળાગાળી કરી, જ્ઞાતી પ્રત્યે હડધુત કરી, પતાવી દેવાની ધમકી આપી, બાદ ફરીયાદીએ ફરી રકમની માગણી કરતા કમલેશ રામાણીએ યુનીવર્સીટી રોડ પર એચ.પી. ના પેટ્રોલ પંપે બોલાવતા ફરીયાદી તથા સાહેદ એકટીવા લઇ ત્યાં પહોંચતા કમલેશ રામાણી તથા તેની સાથેના બે અજાણ્યા માણસો ક્રેટા કાર લઇ આવી ફરીયાદી તથા સાહેદને મારી નાખવાના ઇરાદે હથીયાર પીસ્તોલ કે રીવોલ્વરથી ફાયરીંગ કરી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો આચરતા તેસબંધે યુનીવર્સીટી પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવેલ, પરંતુ સદર ગુન્હાના કામે કમલેશ રામાણીને અટક ન કરી પાસા કરી બરોડા જેલ હવાલે કરવામાં આવેલ અને પાસામાં અટકાયત હતા તે દરમ્યાન જ કમલેશ રામાણીને બરોડા જેલથી તા. ૦૯/૧૦/૧૯ ના  આ ગુન્હાના કામે અટક કરતા, બાદ કમલેશ રામાણીએ સદર ગુન્હાના કામે જામીન અરજી દાખલ કરેલ હતી.

કમલેશ રામાણીએ જામીન પર મુકત થવા એડવોકેટ સુરેશ ફળદુ મારફત જામીન અરજી કરી રજુઆત કરેલ કે, અરજદારને પોલીસ અધીકારી સાથે જમીન સબંધે ચાલતી તકરારના કારણે ગુન્હાના કામે ખોટી રીત સંડોવી દેવામાં આવેલ છે, અને આજ હકીકતે આજ ફરીયાદીએ કમલેશ રામાણીને પોલીસ સાથે ચાલતી તકરારની હકીકતોને ભકિતનગર પોલીસ સ્ટેશનના ગુન્હાના કામે સમર્થન કરેલ છે. સી.સી.ટી.વી. કેમેરામાં ફાયરીંગ કરનારનું ચીત્ર સ્પષ્ટ નથી.સ્થાનીક જગ્યાએથી ફાયરીંગના અવશેષ મળેલ નથી, કેમેરામાં હવામાં ફાયરીંગ થતું હોવાનું જણાય છે અને ફરીયાદીએ તેઓની સામે જાનથી મારી નાખવાના ઇરાદે ફાયરીંગ કરેલનું જણાવેલ છે તે હકીકત ખોટી ઠરે છે, જેથી ઇન્ટેન્શન અનેઇજા નથી વિગેરે લંબાણપૂર્વકની રજુઆતો સાથે અનેક દસ્તાવેજી પુરાવાઓ સાથે હાઇકોર્ટો તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ રજુ કરી જામીન પર મુકત કરવા અરજ ગુજારેલ.

બંને પક્ષની રજુઆતો તથા અધિકારીનું સોગંદનામુ તથા પોલીસ પેપર્સ સાથે જામીન સબંધે એપેક્ષ કોર્ટે પ્રતિપાદીત કરેલ સિધ્ધાંતો લક્ષે લેતા, અરજદાર રાજકોટના રહીશ હોય, જેથી અરજદારને જામીન પર મુકત કરવા અંતર્ગત સત્તાઓ ઉપયોગ કરવાનું મુનાસીફ માની અરજદારને જામીન પર મુકત કરતોહુકમ ફરમાવવામાં આવેલ હતો.

બીલ્ડર કમલેશ રામાણી વતી રાજકોટના નામાંકીત એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, તથા ચેતન ચોવટીયા રોકાયેલ હતા.

(4:06 pm IST)