Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

લાયબ્રેરીમાં ઓળખાણ થઇ...હોટેલમાં લઇ જઇ બળજબરીઃ બિભત્સ ફોટા પાડી બ્લેકમેલ કરી વારંવાર દૂષ્કર્મઃ લગ્ન કર્યા પણ છેલ્લે તરછોડી દીધી

તારી સાથે લગ્ન કરતાં મને મારા કુટુંબીજનોએ નાત બહાર મુકી દીધો છે...તું મારા કરતાં મોટી છો, કાળી છો...તું તારી જિંદગી જીવી લે કહી પતિ મુકીને જતો રહ્યોઃસાસુ-સસરા-કાકાજી-કાકીજીએ પણ ત્રાસ ગુજારી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાની ફરિયાદ

રાજકોટ તા. ૬: શહેરમાં રહેતી ભણેલી ગણેલી એક યુવતિ લાયબ્રેરીમાં નોકરી કરતી હતી ત્યારે ત્યાં બૂક વાંચવા આવતાં એક યુવાને તેણી સાથે ઓળખાણ કેળવી બાદમાં એક દિવસ તેણીના ભાઇને મારી નાંખવાની ધમકી આપી ઢેબર રોડ પરની હોટેલમાં લઇ જઇ બળજબરી આચરી તેમજ તેણીની જાણ બહાર બિભત્સ ફોટા પાડી લઇ બાદમાં એ ફોટા-વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અલગ-અલગ હોટેલોમાં લઇ જઇ બ્લેકમેલ કરી વારંવાર દૂષ્કર્મ આચરી છેલ્લે આંતરજ્ઞાતિય લગ્ન કર્યા પછી તરછોડી દેતાં ન્યાય માટે આ યુવતિએ પોલીસનો આશરો લીધો છે. લગ્ન બાદ તેણીને સાસુ-સસરા-કાકાજી-કાકીજીએ પણ જ્ઞાતિ પ્રત્યે સતત અપમાનીત કરી ત્રાસ ગુજાર્યાનો આરોપ ફરિયાદમાં મુકાયો છે.

ફરિયાદી યુવતિએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે ગયા જુલાઇ મહિનાથી હું શહેરના એક વિસ્તારમાં મારા કુટુંબ સાથે રહુ છું. પરિવારમાં માતા, પિતા, ભાઇઓ છે. મેં ઉચ્ચ અભ્યાસ કર્યો છે. અગાઉ હું  લાયબ્રેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કોન્ટ્રાકટ બેઝ પર નોકરી કરતી હતી. ૨૦૧૭માં હું નોકરી પર હતી ત્યારે ત્યાં વાંચન માટે હાર્દિક નામનો યુવાન આવ્યો હતો. તે અવાર-નવાર બૂક જમા કરાવવા આવતો-જતો હોઇ જેથી ઓળખાણ થઇ હતી. જેથી મારા મોબાઇલ નંબર તેણે મેળવ્યા હતાં. ત્યારબાદ ફેસબૂક-વ્હોટ્સએપ પર વાતચીત કરતો હતો. તે શારદાબાગ પાસેની  બેંકમાં નોકરી કરતો હોવાનું તે વખતે તેણે કહ્યું હતું. ૩૦/૧૨/૧૭ના રોજ હું મારી નોકરીથી કલાસીસમાં જવા નીકળી ત્યારે શારદાબાગ પાસે સાંજના આશરે સાડા ચારેક વાગ્યે હાર્દિક ઉભો હોઇ તેણે વાતચીત કરવી છે તેમ કહેતાં મં ના પાડી હતી.આથી તેણે જો વાત નહિ કર તો તારા ભાઇને મારી નાંખીશ તેવી ધમકી આપતાં હું ગભરાઇ ગઇ હતી.

એ પછી મને મારું ટુવ્હીલર ત્યાં જ રાખી દેવાનું કહી તેના વાહનમાં બેસાડી ઢેબર રોડ આર.એમ.સી. કચેરી સામે આવેલી  હોટેલમાં લઇગયો હતો. ત્યાં રૂમ ભાડે રાખી બળજબરીથી શારીરિક સંબંધ બાંધી લઇ મારી જાણ બહાર મારા અશ્લિલ ફોટા પાડી લીધા હતાં. ત્યાં સાંજના સાડા પાંચથી સાડા સાત સુધી અમે રોકાયા હતાં. એ પછી ૧૫/૧/૧૮ના ફરી વખત હું નોકરીથી છુટી ત્યારે હાર્દિકે મને ફોન કરી બોલાવેલ અને કહેલુ કે આપણે હોટેલમાં ગયા ત્યારના ફોટા અને વિડીયો છે, જો તું સાથે નહિ આવ તો હું ફેસબૂક-ઇન્ટરનેટમાં ફોટા વાયરલ કરી નાંખીશ તેવી ધમકી આપી ફરી જેએમસી હોટેલમાં લઇ જઇ મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધી લીધો હતો. આ રીતે અવાર-નવાર ધમકી આપી આ હોટેલ તેમજ ગોંડલ રોડ પરની હોટેલ,  જામનગર રોડ પરની હોટેલમાં લઇ જઇ મરજી વિરૂધ્ધ સંબંધ બાંધી ધમકી આપી હતી.

એ પછી તેણે હું તારી સાથે લગ્ન કરવાનો છું, તું તારા ડોકયુમેન્ટ આપ તેમ કહેતાં તેણે મારા અશ્લિલ ફોટા-વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હોઇ સમાજમાં આબરૂ ન જાય તેથી મેં લગ્નની સંમતિ આપતાં ૧૭/૬/૧૯ના રોજ ધોરાજી તરફ લઇ જઇ લગ્ન નોંધણી કરાવી હતી. ત્યારબાદ મેં મારા માતા-પિતાનું ઘર છોડી દીધું હતું. ત્યારે હાર્દિકે તું થોડા દિવસ રહેવાની વ્યવસ્થા કરી લે તેમ કહેતાં હું મારી બહેનપણીના ઘરે ચાર-પાંચ દિવસ રોકાઇ હતી. એ પછી હાર્દિક મને તેના ઘરે લઇ ગયો હતો. ત્યાં સાસુ, સસરા, કાકાજી, કાકજી સહિતના સાથે રહેતાં હોઇ આ તમામે અવાર-નવાર મને કરિયાવરમાં તું કઇ લાવી નથી, અમારા ઘરને લાયક નથી. તને અમારો સમાજ નહિ સ્વીકારે, તું તારી ઘરે ભાગી જાય...છુટાછેડા આપી દે...તેમ કહી મને જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી હતી અને મેણાટોણા મારી ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું.

આ ત્રાસ બાબતે મેં પતિ હાર્દિકને વાત કરતાં તેણે પણ તારે આ સહન કરવું પડશે તેમ જણાવી દીધુ હતું અને તે પણ ઝઘડા કરવા માંડ્યો હતો. એ પછી મેં મારા માતા-પિતાને ત્રાસની વાત કરતાં તેમણે મારા મામાને વાત કરી હતી. મારા મામાએ મારા સસરાને ફોન કરી ઝઘડો ન થાય અને દુઃખત્રાસ ન થાય તે બાબતે વાત કરી હતી. જેથી મારા પતિ, સાસરિયાને સારું ન લાગતાં મને ઢીકા-પાટુનો માર મારી ગાળો દઇ મારી જ્ઞાતિ વિરૂધ્ધ ગાળો દીધી હતી અને મારી નાંખવાની ધમકી આપી હતી.

એ પછી હું અને પતિ હાર્દિક જામનગર રોડ પર અલગ ફલેટ ભાડે રાખી રહેવા જતા રહ્યા હતાં. એ પછી હાર્દિકે એવું વારંવાર કહ્યું હતું કે મેં તારી સાથે લગ્ન કરતાં અમારા કુટુંબના સભ્યોએ મને નાત બહાર મુકી દીધો છે, મારી સાથે કોઇ વ્યવહાર રાખતું નથી તેમ કહી ઝઘડા શરૂ કર્યા હતાં. ત્યારબાદ ૧૮/૭/૧૯ના રોજ સાંજે પતિ હું જ્યા નોકરી કરતી હતી ત્યાં મુકવા આવેલ અને  'હવે તું તારી રીતે જિંદગી જીવી લેજે, મેં તારી સાથે લગ્ન કર્યા તેથી મારા કુટુંબને નીચું જોવુ પડ્યું છે...તું મારા કરતાં ચાર વર્ષ મોટી છો, તું કાળી છો...' તેમ કહી મને મુકીને જતો રહ્યો હતો. એ પછી હું મહિલા પોલીસ સ્ટેશને ગઇ હતી. ત્યાં મારા માતા-પિતાને બોલાવી અરજી આપી તેમના ઘરે રહેવા જતી રહી હતી. ત્યારથી એમની સાથે રહુ છું અને હવે પતિ, સાસુ, સસરા, કાકાજી-કાકીજી વિરૂધ્ધ ફરિયાદ કરી છે.

એસસીએસટી સેલના એસીપીશ્રીની રાહબરીમાં થોરાળા પોલીસ મથકમાં આ મામલે આઇપીસી ૩૭૬ (એન), ૫૦૬ (૨), ૪૯૮ (ક), ૩૨૩, ૧૧૪, એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. 

(4:04 pm IST)