Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

રેલનગરના રહેણાંકમાં અને પોલીસની એમ.ટી. ઓફીસમાં થયેલી ચોરીનો ભેદ ખુલ્યોઃ બે પકડાયા

પ્રનગર પોલીસ મથકના એએસઆઇ સુરેશભાઇ જોગરાણા અને બાબુલાલ ખરાડીએ કિશોર ખત્રીને અને ડીસ્ટાફના પીએસઆઇ બી.વી. બોરીસાગરની ટીમે રોહીત રાઠોડને દબોચ્યા

રાજકોટ તા. ૬ : શહેરના રેલનગરમાં રહેતી મહિલાના મકાનમાં અને પોપટપરા સેન્ટ્રલ જેલની પાછળ પોલીસની એમ.ટી.ઓફીસમાં થયેલી ચોરીનો પ્રનગર પોલીસે ભેદ ઉકેલી નેપાળી અને દેવીપુજક શખ્સોને પકડી લીધા છે.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર ખુર્શીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી પી.કે. દીયોરાની સુચનાથી પ્રનગર પોલીસ મથકના પીઆઇ બી. એમ. કાતરીયાના માર્ગદર્શન હેઠળ એએસઆઇ સુરેશભાઇ જોગરાણા અને કોન્સ. બાબુલાલ ખરાડી પેટ્રોલીંગમાં હતા ત્યારે બંનેને મળેલી બાતમીના આધારે રેલનગર શિવાલય ચોકમાં  રહેતા કિશોર ચંદ્રાભાઇ ખત્રી (નેપાળી) (ઉ.ર૭) ને પકડી તેના રહેણાંક મકાનની તલાસી લેતા મકાનમાંથી રૂ. ૯૮,૮૦૦ રોકડ અને બે લેડીઝ પર્સ મળી આવતા તેની પુછપરછ કરતા તેણે પરમ દિવસે શિવાલય ચોક રેલનગરમાં દેવદાનભાઇ મિયાત્રાના મકાનમાં ભાડે રહેતા યોગીતાબેન ગીણોયાના ઘરમાંથી ચોરી કર્યાની કબુલાત આપતા તેની ધરપકડ કરી હતી.

જયારે બીજા બનાવમાં ડી સ્ટાફના પીએસઆઇ બી. વી. બોરીસાગર, હેડ કોન્સ. અરવિંદભાઇ મકવાણા, જનકભાઇ, વિરદેવસિંહ, યુવરાજસિંહ, શકિતસિંહ, અશોકભાઇ, ધર્મરાજસિંહ તથા ધર્મેન્દ્રસિંહ અને જયેન્દ્રસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે રોહીત નટવરભાઇ રાઠોડ (ઉ.ર૦) (રહે. પોપટપરા સેન્ટ્રલ જેલની પાછળ રૂખડીયાપરાની બાજુમાં પી. સી. એમ. ટી. ઓફીસની સામે ખાડામાં) ને પકડી લઇ પુછપરછ કરતા થોડા દિવસ પહેલા સેન્ટ્રલ જેલની પાછળ પોલીસના એમ. ટી. ઓફીસમાંથી કોમ્પ્યુટર સેટની ચોરી કર્યાની કબુલાત આપતા તેની ધરપકડ કરી હતી.

(4:01 pm IST)