Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

રાજકોટમાં પાંચ વર્ષની કુમળી બાળકી ઉપર બળાત્કાર ગુજારનાર બિહારી પ્રૌઢને આજીવન કેદ

આરોપીએ કોઠારીયા વિસ્તારની કુમળી બાળા ઉપર દારૂ પીને બળાત્કાર ગુજાર્યો હતોઃ સરકારી વકીલ એસ.કે. વોરાની દલીલો માન્ય રાખતી કોર્ટઃ ભોગ બનનારને દંડ અને વળતરની રકમ ચૂકવવા આદેશ

રાજકોટ, તા. ૬ :. રાજકોટની સ્પેશ્યલ પોકસો કોર્ટે ૬૦ વર્ષના આધેડને પાંચ વર્ષની માસુમ બાળકી ઉપર બળાત્કાર ગુજારવા બદલ આજીવન કેદની સજા તથા રૂ. ૫,૦૦૦નો દંડ ફરમાવેલ છે તેમજ સરકારશ્રીની ખાસ સ્કીમ હેઠળ આ ભોગ બનનારને ધારાધોરણ મુજબ વળતર ચુકવવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભલામણ કરેલ છે.

આ કેસની હકિકત એવા પ્રકારની છે કે, મૂળ બિહારના વતની સુદામા લુરૂખ ચૌધરી (ઉ.વ. ૬૦) રાજકોટના કોઠારીયા સોલવન્ટ પાસે મજુરી કામ કરતો અને જે જગ્યાએ રહેતો હતો તે જગ્યાએ ભોગ બનનાર બાળકી પોતાના માતા-પિતા પાસે બાજુની ખોલીમાં રહેતી હતી. બનાવના દિવસે આ સુદામાએ દારૂ પીધેલ હતો અને ભોગ બનનારને પોતાની ઓરડીમાં લઈ ગયેલ અને ભોગ બનનાર ઉપર બળાત્કાર કરેલ.

આ સમયે ભોગ બનનારની માતા ઘરે હતી ત્યારે તેણીના પાડોશીએ માતાને જાણ કરેલ કે સુદામા તારી દિકરીને પોતાના રૂમમાં લઈ ગયેલ છે. આ સાંભળી ભોગ બનનારની માતા દોડીને આરોપી સુદામાના રૂમ ઉપર ગયેલ ત્યારે બારીમાંથી જોયુ તો આરોપી સુદામા પાંચ વર્ષની બાળકી સાથે બળાત્કાર કરી રહેલ હતો. આ જોઈને ભોગ બનનારની માતાએ રાડારાડી કરી મુકેલ અને દરવાજો ખોલવાનું કહેલ જેથી ત્યાં માણસો ભેગા થઈ ગયેલ અને આરોપી સુદામાએ દરવાજો ખોલી ભાગવાની કોશિષ કરેલ. આ સમયે ત્યાં હાજર આડોશ-પાડોશના તમામ લોકોએ સુદામાને પકડી લીધેલ અને ત્યાં લોકોએ તેને માર મારેલ, ત્યાર બાદ રાત્રીના મોડેથી ભોગ બનનારની માતાએ તેના પતિ ઘરે આવતા બનાવ અંગે જાણ કરેલ.

આ સમયે ભોગ બનનારને ગુપ્ત ભાગે બહુ જ દુઃખાવો થતો હતો અને ખૂબ જ લોહી નિકળતુ હતુ તેથી બીજા દિવસે સવારે ભોગ બનનારને ડોકટર પાસે લઈ જવામાં આવેલ. ડોકટરે પરિસ્થિતિની ગંભીરતા સમજી પોલીસને બોલાવી લીધેલ અને આરોપી વિરૂદ્ધ ફરીયાદ નોંધાવેલ. આ પહેલા આરોપી સુદામા પોતાના રૂમેથી ભાગી ગયેલ હતો આ ફરીયાદની તપાસ મહિલા પોલીસ સ્ટેશનને સોંપાતા તપાસનિશ અમલદારે આરોપીને પકડી પાડેલ તેમજ ભોગ બનનારની સંપૂર્ણ મેડીકલની તપાસણી કરાવેલ. આ તપાસણી દરમ્યાન ભોગ બનનાર સાથે બળાત્કાર થયેલ હોવાનું જણાઈ આવતુ હતું. બનાવ અંગે તપાસનિશ અમલદારે આરોપીની પુછપરછ કરતા આરોપી સુદામાએ આ કૃત્ય નશાની હાલતમાં કરેલ હોવાનું જણાવેલ હતું.

સરકાર તરફે જિલ્લા સરકારી વકીલશ્રી સંજયભાઈ કે. વોરાએ સમગ્ર કેસ ચલાવી આખરી સુનવણી વખતે રજૂઆત કરેલ હતી કે ભોગ બનનારને તેના પિતાએ સાઈકલ ઉપર બેસાડવાથી તેણીના ગુપ્ત ભાગમાં આ પ્રકારની ઈજાઓ થયાનો આરોપી તરફેનો બચાવ કાયદા મુજબ માન્ય નથી. વધુમાં આરોપી સુદામાને બનાવ સ્થળે આડોશ-પાડોશના લોકોએ જે રીતે માર મારેલ છે તે અંગે આરોપીએ પોલીસ સમક્ષ કોઈપણ પ્રકારની ફરીયાદ કરેલ નથી તે જ જણાવે છે કે આરોપીને પાડોશીઓએ આ ગુના સબબ જ મારેલ હતો. વધુમાં આરોપી સુદામા બિહારનો વતની હોય અને રાજકોટમાં એકલો રહેતો હોય તે સંજોગોમાં પોતાની શારીરીક ભૂખ સંતોષવા માટે કોઈપણ પ્રકારનું કૃત્ય કરે તે શકય છે.

શ્રી સરકાર તરફેની આ તમામ દલીલોને ધ્યાનમાં લઈ સ્પે. પોકસો કોર્ટના જજશ્રી ડી.ડી. ઠક્કરે આરોપી સુદામા લુરૂખ ચૌધરીને આજીવન કેદની સજા અને રૂ. ૫૦૦૦નો દંડ ફરમાવેલ છે. આ કેસમાં શ્રી સરકાર તરફે જિલ્લા સરકારી વકિલશ્રી સંજયભાઈ કે. વોરા રોકાયેલા હતા.

(3:33 pm IST)