Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

કાલે બેટીંગમાં નહિં પણ બોલીંગમાં ફેરફાર કરશુ : રોહિત

મારા માટે દેશ સૌથી પહેલા, કોઈપણ ફોર્મેટમાં મારૂ બેસ્ટ આપવાના પ્રયત્ન કરૂ છું : રાજકોટની પીચ સારી, ટીમમાં અનુભવ નથી પણ યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓ છે : બેટીંગ - બોલીંગમાં જોરદાર દેખાવ કરશુ

રાજકોટ, તા. ૬ : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આવતીકાલે ટી-૨૦ મુકાબલો રમાનાર છે ત્યારે ભારતીય ટીમે આજે પણ સતત બીજા દિવસે નેટપ્રેકટીસ કરી મેદાન ઉપર પરસેવો પાડ્યો હતો. ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ જણાવ્યુ હતું કે આવતીકાલનો રાજકોટનો મેચ અમારા માટે ખૂબ જ મહત્વનો છે. કાલના મેચમાં બેટીંગમાં નહિં પણ બોલીંગ લાઈનમાં જરૂર ફેરફાર કરીશુ.

રોહિતે જણાવ્યુ હતું કે, રાજકોટની વિકેટ હંમેશા સારી રહી છે. ટોસ બાદ અમે અમારો ગેમપ્લાન નક્કી કરીશુ. તેણે જણાવેલ કે દિલ્હીની વિકેટમાં ઘણુ ડયુ ફેકટર હતું. જેથી અમે મોટો સ્કોર નોંધાવવામાં નિષ્ફળ ગયા હતા. બોલીંગમાં પણ બોલરો ખર્ચાળ સાબિત થયા હતા. રોહિતે જણાવેલ કે હાલની ટીમમાં અનુભવી ખેલાડીઓ નથી પણ યુવા અને ટેલેન્ટેડ ખેલાડીઓ છે. આવા ખેલાડીઓને પ્રથમ ટી-૨૦માં તક આપવામાં આવતી હોય છે. ત્યારબાદ વન-ડે અને ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવતુ હોય છે.

એક પ્રશ્નના જવાબમાં રોહિતે જણાવેલ કે મારા માટે દેશ સૌથી વધુ મહત્વનો છે. કરોડો લોકો વચ્ચે મને ટીમમાં સ્થાન મળ્યુ છે. તેથી કોઈપણ ફોર્મેટ હોય હું મારૂ બેસ્ટ આપવાના પ્રયત્નો કરીશ. આવતીકાલના મેચમાં બેટસમેનો અને બોલરો શાનદાર  દેખાવ કરશે અને અમને જરૂર જીત મળશે એવી આશા છે. તસ્વીર : અશોક બગથરીયા

(3:25 pm IST)