Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

સમગ્ર રાજકોટ ક્રિકેટમયઃ કાલે ટી-૨૦ જંગ

ખંઢેરી સ્ટેડીયમમાં રનોનું રમખાણ સર્જાવાની શકયતાઃ રોહિત શર્મા મેચોની સદી પુરી કરશે

રાજકોટ તા.૬: રંગીલુ રાજકોટ ક્રિકેટના ફીવરમાં ઝકડાયુ છે. આવતીકાલે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટી-૨૦ શ્રેણીનો બીજો મેચ જામનગર રોડ પર આવેલા ખંઢેરી સ્ટેડીયમ ખાતે રમાવાનો હોવાથી જબરો રોમાંચ ફેલાયો છે. રાજકોટના આંગણે ઇન્ટરનેશનલ ક્રિકેટરો પધારતા ક્રિકેટ રસિયાઓમાં ભારે ઉત્સાહ ફેલાયો છે. વર્તમાન શ્રેણીમાં ભારત પ્રથમ મેચ હારી ગયુ હોવાથી આ મેચ ભારતીય ટીમ જીતવા ભરપૂર પ્રયાસ કરશે. રનથી ભરપૂર એવી પીચ ઉપર ભારતીય બેટ્સમેનો સટાસટી બોલાવશે તેમાં કોઇ શંકા નથી.

આવતીકાલે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા ટી-૨૦ ઇન્ટરનેશનલ કેરિયરની ૧૦૦મી મેચ રમશે. આ પહેલા પાકિસ્તાનના ઓલરાઉન્ડર શોએબ મલિક જ આવું કરી ચૂકયો છે. તેના નામે હાલ ૧૧૧ મેચ છે.

સૌની નજર આવતીકાલે ધવન, રોહિત શર્મા, ઐયર, પંત ઉપર કેન્દ્રીત રહેશે. આવતીકાલના મેચમાં સ્ટાર ખેલાડીઓ રમવાના નથી પરંતુ ક્રિકેટના ચાહકોમાં રોમાંચ જરા પણ ઓછો થયો નથી. દરમિયાન આજે પણ બંને ટીમોએ સખત નેટ પ્રેકટીસ કરી હતી. બંને ટીમ મેચ જીતવા આશાવાદી છે.

કાલના મેચને લઇને સુરક્ષા વ્યવસ્થા પણ સંગીન બનાવવામાં આવી છે. સ્ટેડિયમમાં અનેક વસ્તુઓ લઇ જવા ઉપર મનાઇ ફરમાવવામાં આવી છે.

(3:45 pm IST)