Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

કાલે મોજથી મેચ માણજો : વરસાદની શકયતા નહિવત

આજે મોડીરાત્રે કે વ્હેલી સવારે રાજુલા (જાફરાબાદ) વિસ્તારમાં વાવાઝોડુ લેન્ડ કરશે, જો કે તિવ્રતા ગુમાવી દેશે : ભાવનગર-ખંભાત-જાફરાબાદ-રાજુલામાં વરસાદની સંભાવના જયારે રાજકોટ-સુરેન્દ્રનગર-દ્વારકા-પોરબંદર-જામનગર જિલ્લામાં કોઈ શકયતા નથી : હવામાન ખાતુ

રાજકોટ, તા. ૬ : રાજકોટના ક્રિકેટરસીયાઓ માટે સારા સમાચાર છે. રાજકોટમાં આવતીકાલે વરસાદની કોઈ શકયતા નથી જેથી મોજથી મેચ માણી શકાશે. વાવાઝોડાની અસર જોવા નહિં મળે. હવામાન ખાતાના સૂત્રોએ જણાવ્યુ છે કે 'મહા' વાવાઝોડુ આજે મોડી રાત્રે અથવા વ્હેલી સવારે રાજુલાના જાફરાબાદમાં લેન્ડફોલ કરશે.

જો કે આ વાવાઝોડુ લેન્ડ થશે ત્યારે તેની તિવ્રતા એકદમ ઘટી જશે.

વાવાઝોડુ લેન્ડ થશે ત્યારે રાજુલા, જાફરાબાદ, ભાવનગર, ખંભાત જેવા દરિયાઈ વિસ્તારોમાં પવનના જોર સાથે વરસાદ પડશે. જયારે રાજકોટ, સુરેન્દ્રનગર, દ્વારકા, પોરબંદર, જામનગર જિલ્લામાં વરસાદની કોઈ શકયતા નથી.

ઉલ્લેખનીય છે કે રાજકોટ - જામનગર હાઈવે ઉપર ખંઢેરીના મેદાનમાં આવતીકાલે ભારત - બાંગ્લાદેશ વચ્ચે ટી-૨૦ મેચ રમાનાર છે. વાવાઝોડાના પગલે વરસાદ પડે તો મેચ ધોવાઈ જાય તેવી ક્રિકેટપ્રેમીઓમાં ચિંતા પ્રસરી ગઈ હતી. જો કે હવામાન વિભાગે કહ્યુ છે કે રાજકોટમાં વરસાદની સંભાવના નહિવત છે. જેથી ક્રિકેટપ્રેમીઓ આનંદથી મેચની મજા માણી શકશે.

(1:18 pm IST)