Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

સનસનાટીઃ રોયલ પાર્કમાં ૧૪ વર્ષના જશને બાંધી ૩૫ લાખની લૂંટઃ નેપાળી ચોકીદાર જ લૂંટારો બન્‍યો

ઇન્‍દિરા સર્કલ પાસેની સોસાયટીમાં ‘માતોશ્રી' બંગલામાં બનાવઃ જમીન-મકાન-બાંધકામના ધંધાર્થી પ્રભાતભાઇ સિંધવ (આહિર) તેમની પુત્રી લંડન ભણવા જતી હોઇ તેને અમદાવાદ એરપોર્ટ પર મુકવા પત્‍નિને સાથે લઇને ગયા હોઇ ઘરે પુત્ર જશ અને વૃધ્‍ધ પિતા દેવાયતભાઇ એકલા હતાં: સવારે સવા છ પછી બનાવ : પાર્કિંગમાં જ રહેતાં નેપાળી ચોકીદાર અનિલ ઉર્ફ રામે બીજા બે નેપાળીને બોલાવી જશને ત્રીજા માળે તેના જ રૂમમાં બાંધી દીધા બાદ ૧૦ લાખ રોકડા અને ૨૫ લાખના સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવીઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્‍યોઃ ભેદ ઉકેલવા પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી

ચોકીદાર જ લૂંટારૂ બન્‍યોઃ ઇન્‍દિરા સર્કલ પાસેના રોયલ પાર્કમાં રહેતાં આહિર પ્રભાતભાઇ સિંધવના બંગલામાં ચોકીદારી કરતાં નેપાળી શખ્‍સે જ તેના સાગ્રીતો સાથે મળી આજે સવારે ઘરમાં એકલા રહેલા પ્રભાતભાઇના ૧૪ વર્ષના પુત્ર જશને છરી બતાવી બાંધી દઇ, મોઢે ટેપ લગાવી કબાટોમાંથી રોકડ-દાગીના મળી પાંત્રીસ લાખની લૂંટ ચલાવતાં સનસનાાટી મચી ગઇ હતી. જ્‍યાં ઘટના બની એ બંગલો, જેને બાંધી દેવાયો હતો તે ૧૪ વર્ષના જશ પાસેથી વિગતો મેળવતાં ડીસીપી સુધીરકુમાર દેસાઇ, રૂમમાં તપાસ કરી રહેલ પોલીસ કર્મચારી,  વિગતો જણાવતાં પ્રભાતભાઇના બનેવી,  તેમના પિતા દેવાયતભાઇ તેમજ યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એ. બી. જાડેજા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી જે. એસ. ગેડમ, વેર વિખેર બેડરૂમ અને કબાટો, એસઓજી પીઆઇ જે. ડી. ઝાલા, ભોગ બનેલા જશ (ઉ.૧૪) પાસેથી વિગતો મેળવી રહેલા ડી. સ્‍ટાફના હેડકોન્‍સ. સિધ્‍ધરાજસિંહ જાડેજા તેમજ અન્‍ય તસ્‍વીરમાં પ્રભાતભાઇના ભાઇ જયેશભાઇ સિંધવ પાસેથી માહિતી મેળવી રહેલા પોલીસ કર્મચારી નજરે પડે છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

 

રાજકોટ તા. ૬: શહેરના ઇન્‍દિરા સર્કલ પાસેના રોયલ પાર્કમાં સવારના પ્‍હોરમાં લૂંટની સનસનાટીભરી ઘટના બની છે. જેમાં જમીન મકાન અને બાંધકામના જાણીતા ધંધાર્થી આહિર પ્રભાતભાઇ સિંધવના ઘરમાં તેમના ૧૪ વર્ષના પુત્ર જશને તેના જ ત્રીજા માળના રૂમમાં ઓશીકાના કવરના લીરાથી બાંધી દઇ છરી બતાવી ધમકાવી મોઢા પર ટેપ મારી દીધા બાદ પ્રભાતભાઇ અને તેના પત્‍નિના રૂમમાંથી લાખોની રોકડ-દાગીનાની લૂંટ ચલાવવામાં આવી છે. પ્રભાતભાઇ અને તેમના પત્‍નિ ડિમ્‍પલબેન પોતાની દિકરી લંડન ભણવા જતી હોઇ તેને મુકવા અમદાવાદ એરપોર્ટ પર ગયા હોઇ ઘેર એકલા જશને તેના જ બંગલાના નેપાળી ચોકીદારે પોતાના કાવત્રાનો ભોગ બનાવ્‍યો હતો. જશના દાદા પણ હાજર હતાં. પરંતુ તેઓ પાર્કિંગવાળા રૂમમાં સુતા હોઇ સમગ્ર ઘટનાથી અજાણ હતાં. નેપાળી ચોકીદાર, તેના બે સાગ્રીતો અને તેની કહેવાતી પત્‍નિ પાંત્રીસ લાખની માલમત્તા લૂંટીને ભાગી જતાં પોલીસે તેને શોધી કાઢવા દોડધામ આદરી છે.

સનસનાટીભરી લૂંટની આ ઘટનાની વિગતો એવી છે કે ઇન્‍દિરા સર્કલ નજીક આવેલા  રોયલ પાર્ક-૪/૭ના ખુણે ‘માતોશ્રી' નામના બંગલોમાં રહેતાં જમીન મકાન બાંધકામના ધંધાર્થી પ્રભાતભાઇ દેવાયતભાઇ સિંધવ (આહિર)ને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. જેમાં એક પુત્રી જેસીકા લંડન અભ્‍યાસ કરવા માટે જતી હોઇ ગઇકાલે પ્રભાતભાઇ તેમના પત્‍નિ ડિમ્‍પલબેનને સાથે લઇ દિકરી જેસીકાને અમદાવાદ એરપોર્ટ ખાતે મુકવા ગયા હતાં. આજે સવારે તેઓ રાજકોટ પરત આવવા નીકળવાના હતાં. ઘરે તેમનો ૧૪ વર્ષનો દિકરો જશ અને વૃધ્‍ધ પિતા ૭૨ વર્ષિય દેવાયતભાઇ સિંધવ એકલા હતાં. દેવાયતભાઇ વયોવૃધ્‍ધ હોઇ અને બહુ હલનચલન કરી શકતાં ન હોઇ તેમજ વધુ સાંભળી શકતાં ન હોઇ તેઓ પાર્કિંગમાં જ આવેલા ખાસ તેમના માટે બનાવાયેલા રૂમમાં જ રહે છે. જમવા માટે તેઓ ઉપર આવ જા કરતાં રહે છે.  પાર્કિંગમાં ચોકીદારનો રૂમ પણ છે.

આ રૂમમાં નેપાળી ચોકીદાર રામ ઉર્ફ અનિલ તેની પત્‍નિ સાથે પચ્‍ચીસેક દિવસથી રહેતો હતો. આજે સવારે દેવાયતભાઇ જાગ્‍યા પછી મોડે સુધી પોૈત્ર જશ નીચે ન આવતાં તે ચોકીદારના રૂમ તરફ ગયા હતાં. ચોકીદાર અને તેની પત્‍નિ રૂમમાં ન હોઇ કંઇક અજુગતુ બન્‍યાની શંકાએ તેઓ ઉપરના માળે જતાં દરવાજો ખુલ્લો હતો . જશના નામની બૂમો પાડવા છતાં કોઇ હા હોકારો ન થતાં તેઓ જશના ત્રીજા માળે આવેલા રૂમ સુધી પહોંચતા ત્‍યાંનું દ્રશ્‍ય જોઇ હેબતાઇ ગયા હતાં. પોૈત્ર જશને ઓશીકુ ફાડીને બનાવાયેલા લીરાથી હાથ પગ બાંધેલી હાલતમાં અને મોઢે ટેપ ચોંટાડેલી હાલતમાં જોતાં તેમણે પોૈત્રને બંધનમુક્‍ત કરાવ્‍યો હતો અને બાદમાં પોતાના નાના પુત્ર જયેશભાઇ સિંધવને તથા મોટા દિકરા પ્રભાતભાઇને ફોન કરી જાણ કરી હતી.

જશની આવી હાલત કોણે કરી? તે અંગે દેવાયતભાઇએ પુછતાં જશે બંગલાના નેપાળી ચોકીદાર અનિલ ઉર્ફ રામ અને બીજા બે નેપાળી શખ્‍સોએ સવારે સવા છ પછી ઉપર રૂમમાં આવી પોતાને છરી બતાવી ડરાવી, હાથ-પગ બાંધી દઇ તેમજ મોઢે ટેપ ચોટાડી દઇ મમ્‍મી-પપ્‍પાના રૂમમાંથી લૂંટ કર્યાનું જણાવ્‍યું હતું. પોલીસને ઘટનાની જાણ થતાં જ યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એ. બી. જાડેજા, લક્ષમણભાઇ મકવાણા, ગિરીરાજસિંહ જાડેજા, હેડકોન્‍સ. સિધ્‍ધરાજસિંહ જાડેજા, વિજયભાઇ બાલસ, અનુજભાઇ ડાંગર સહિતનો કાફલો, ડી. સ્‍ટાફની ટીમો, ગાંધીગ્રામ ડી.સ્‍ટાફના જે. જી. રાણા, માલવીયાનગર ડી. સ્‍ટાફની ટીમનો કાફલો પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી છે.

ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી જે. એસ.ગેડમ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયા, ક્રાઇમ બ્રાંચ પીઆઇ વાય. બી. જાડેજા, એસઓજી પીઆઇ જે. ડી. ઝાલા સહિતના અધિકારીઓ પણ પહોંચ્‍યા હતાં. ડોગ સ્‍ક્‍વોડ અને એફએસએલની ટીમોએ પણ પહોંચીની કાર્યવાહી હાથ ધરી હતી.

સમગ્ર ઘટના કઇ રીતે બની તે અંગે પ્રભાતભાઇના પુત્ર જશ (ઉ.વ.૧૪)એ જણાવ્‍યું હતું કે રાતે પોતાની સાથે મિત્ર પણ સુતો હતો અને સવારે છએક વાગ્‍યે તે સ્‍કૂલે જવાનું હોવાથી નીકળી ગયો હતો. એ પછી અમારા જ બંગલાનો ચોકીદાર અનિલ તેમજ બીજા બે જણાએ ઉપર મારા રૂમમાં આવી મને જગાડી છરી બતવી લોકરની ચાવીઓ માંગી હતી. એ પછી મને ઓશીકુ ફાડી તેના લીરાથી બાંધી દીધો હતો અને મોઢે ટેપ ચોટાડી દીધી હતી. ત્‍યારબાદ ત્રણેય મમ્‍મી-પપ્‍પાના રૂમમાં ગયા હતાં અને લૂંટ કરી રોકડ-દાગીના થેલામાં ભરી ભાગી ગયા હતાં. નેપાળી ચોકીદાર અને તેની સાથેની મહિલા તથા બીજા બે નેપાળી મળી ચારેય જણા દસ લાખની રોકડ તથા પચ્‍ચીસ લાખના દાગીના મળી પાંત્રીસ લાખની મત્તા લૂંટી ગયા હોઇ તેને શોધી કાઢવા પોલીસની ટીમો કામે લાગી છે.

 

પચ્‍ચીસ દિવસ પહેલા જ નેપાળીને નોકરીમાં રાખ્‍યો'તો

પ્રભાતભાઇ સિંધવ પરિવારે પોતાના માતોશ્રી બંગલોમાં નેપાળી ચોકીદાર અનિલ ઉર્ફ રામને પચ્‍ચીસ દિવસ પહેલા જ નોકરી પર રાખ્‍યો હતો. આ નેપાળી સાથે એક મહિલા પણ હતી જે પોતાની પત્‍નિ હોવાની તેણે ઓળખ આપી હતી. અગાઉ પણ અનેક આવી ઘટનાઓમાં નેપાળી ચોકીદારો ચોરી કે લૂંટને અંજામ આપી ગયાના બનાવો બની ચુક્‍યા છે. વધુ એક વખત નેપાળી ચોકીદારે જ પોતે જ્‍યાં ચોકીદારી કરતો હતો ત્‍યાં કાવત્રાને અંજામ આપી લાખોની લૂંટ ચલાવતાં સનસનાટી મચી ગઇ છે. 

 

લૂંટારૂઓને શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવાઇ

પ્રભાતભાઇ સિંધવ-આહિરના બંગલોમાં તેના પુત્રને બાંધી દઇ નેપાળી ચોકીદાર અને તેના સાગ્રીતો લાખોની લૂંટ કરી ભાગી ગયાની ઘટનામાં આ તમામને દબોચી લેવા માટે શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની રાહબરીમાં ડીસીપી સુધીરકુમાર દેસાઇ, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમોની રચના કરી તમામને તપાસમાં જોડી દેવામાં આવ્‍યા છે. યુનિવર્સિટી પોલીસ, ડીસીબી, એસઓજી, પેરોલ ફરલો, તમામ ડિવીઝનના ડી. સ્‍ટાફના ચુનંદા જવાનોને ટીમોમાં સામેલ કરી તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્‍યો છે.

 

સીસીટીવી ફૂટેજ ચેક કરાયા, નાકાબંધી કરવામાં આવીઃ ચારેય રિક્ષામાં ભાગ્‍યા

જમીન મકાન અને બાંધકામના ધંધાર્થી આહિર પ્રભાતભાઇ સિંધવના બંગલામાં લૂંટ ચલાવી નેપાળી શખ્‍સો નાસી છૂટતા તેને શોધી કાઢવા પોલીસની ટીમો અલગ અલગ દિશામાં દોડી ગઇ છે. આ લૂંટારાઓને શોધવા બંગલો આસપાસના સીસીટીવી કેમેરા તથા આસપાસના બહાર જવાના રસ્‍તાઓ પરના કેમેરા ચેક કરવામાં આવ્‍યા છે. લૂંટારા બહાર નીકળ્‍યા પછી એક રિક્ષા ભાડે કરીને કાલાવડ રોડ તરફ ભાગ્‍યા હતાં. ત્રણ નેપાળી શખ્‍સ અને એક મહિલા મળી ચારેયને શોધી કાઢવા પોલીસે દોડધામ યથાવત રાખી છે. તેમજ શહેરથી બહાર નીકળતાં રસ્‍તાઓ પર નાકાબંધી કરવા સુચના આપવામાં આવી હતી.

 

પોૈત્ર નીચે ન આવતાં દાદા ઉપર જોવા ગયા ત્‍યારે તેણે જશને બાંધેલો જોયો

લૂંટની જ્‍યાં ઘટના બની એ બંગલાના માલિક પ્રભાતભાઇ તેમના પત્‍નિને સાથે લઇ દિકરીને અમદાવાદ મુકવા ગયા હતાં. તેમના પિતા દેવાયતભાઇ અને પોૈત્ર જશ એકલા હતાં. મોડી સવાર સુધી દેવાયતભાઇ કે જે બંગલાના પાર્કિંગવાળા રૂમમાં હતાં તેણે પોૈત્ર જશને ન જોતાં તે સ્‍કૂલે ગયો કે નહિ તેની તપાસ કરવા તેઓ ઉપર ગયા ત્‍યારે દરવાજો ખુલ્લો જોયો હતો અને જશના નામની બૂમ પાડી હતી. પરંતુ તેનો જવાબ ન મળતાં જશનો રૂમ ત્રીજા માળે હોઇ ત્‍યાં જઇ તપાસ કરતાં તે બાંધેલી હાલતમાં જોવા મળતાં તેઓ હેબતાઇ ગયા હતાં. તેણે જશને મુક્‍ત કરી વિગતો જાણી બાદમાં નાના દિકરા જયેશભાઇને જાણ કરી હતી.

ઓગષ્‍ટમાં ચિત્રકુટધામમાં એસઓજીએ લૂંટની ઘટના નિષ્‍ફળ બનાવી હતી

શહેરમાં અમીન માર્ગ પર ચિત્રકુટધામ સોસાયટીમાં પણ ગત ૬ ઓગષ્‍ટની રાતે પટેલ રાજેશભાઇ ઠાકરશીભાઇ પરસાણાના બંગલામાં ચડ્ડી બનીયાનધારી ટોળકી ઘુસી ગઇ હતી. બરાબર એ વખતે જ શહેર એસઓજીની ટીમ ત્‍યાં પહોંચી ગઇ હતી અને પોલીસ તથા લૂંટારૂ વચ્‍ચે ફિલ્‍મી ઢબે ધબધબાટી બોલી જતાં અને સામ સામા ફાયરીંગ થતાં બે લૂંટારૂ અને એક પીએસઆઇ ઘાયલ થયા હતાં. આ લૂંટારૂઓ ખોફનાક કાવત્રાને પાર પાડવાની તૈયારી સાથે આવ્‍યા હતાં. પણ શહેર પોલીસની એસઓજીની ટીમે આ કાવત્રાને નિષ્‍ફળ બનાવ્‍યું હતું. આજે બનેલી ઘટનામાં ખુદ ચોકીદાર જ લૂંટનું કાવત્રુ પાર પડી ગયાનું સામે આવ્‍યું હોઇ તેને શોધી કાઢવા દોડધામ શરૂ થઇ છે.

 

બસ માર્ગે અમદાવાદ તરફ ભાગ્‍યાની પ્રાથમિક માહિતી

લૂંટ કર્યા બાદ લૂંટારા રિક્ષા મારફત રવાના થયા હતાં. એ પછી વિશેષ તપાસ થતાં આ લૂંટારા બસ માર્ગે અમદાવાદ તરફ ભાગી ગયાની પ્રાથમિક માહિતી સામે આવી હોઇ તે અંગે તપાસ શરૂ થઇ છે.

 

(5:11 pm IST)