Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

પત્‍નિ અને પાટલાસાસુને હથોડીના ઘા ફટકારનારા વૃધ્‍ધે આપઘાત કરી લીધો

ગાંધીગ્રામ જીવંતિકાનગરમાં ગઇકાલે બનેલી ઘટનામાં પોલીસ આરોપી અરવિંદ વાઢેરને શોધતી હતી પણ તેણે ઘરમાં જ ગળાફાંસો ખાઇ મોત મેળવી લીધાનું ખુલ્‍યું : બપોર બાદ પણ રૂમ અંદરથી બંધ હોઇ પડોશીઓને શંકા ઉપજતાં પોલીસને જાણ કરીઃ દરવાજો તોડીને જોતાં વૃધ્‍ધ લટકતાં મળ્‍યા

રાજકોટ તા. ૫: ગાંધીગ્રામ જીવંતીકાનગર શેરી નં. ૬માં રહેતાં અરવિંદભાઇ મુળજીભાઇ વાઢેર (ઉ.વ.૬૫) નામના વૃધ્‍ધે ગઇકાલે વેહલી સવારે ઉંઘી રહેલા પોતાના પત્‍નિ ઉષાબેન અરવિંદભાઇ વાઢેર (મોચી) (ઉ.વ.૪૮) તથા જામનગરથી આવેલા પોતાના પાટલાસાસુ હકુબેન બચુભાઇ પરમાર (ઉ.વ.૬૦) ઉપર ભરઉંઘમાં હથોડીથી હુમલો કરી બંનેના માથા રંગી નાંખ્‍યા હતાં અને ઘરમાંથી ભાગી ગયા હતા. બંને બહેનોને લોહીલુહાણ હાલતમાં હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. એ પછી પોલીસે ઉષાબેનની ફરિયાદ પરથી તેણીના પતિ અરવિંદભાઇ વિરૂધ્‍ધ ગુનો નોંધી શોધખોળ આદરી હતી. પરંતુ આ વૃધ્‍ધે કોઇપણ સમયે ઘરમાં જઇ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

ઉષાબેને ગઇકાલે પોલીસને જણાવ્‍યું હતું કે તેમના લગ્ન પંદર વર્ષ પહેલા અરવિંદ વાઢેર સાથે થયા હતા. અરવિંદ વાઢેર અગાઉ સતરેક વર્ષ આફ્રિકા રહી ચુક્‍યા હતાં. હાલમાં મારા બહેન હકુબેન પરમાર કે જે જામનગર લીમડા લાઇનમાં રહે છે તેમનું અમદાવાદ ખાતે હૃદયનું ઓપરેશન કરાવાયું હોઇ બે ત્રણ દિવસથી તેઓ મારા ઘરે આરામ કરવા આવ્‍યા હતાં. પરમ દિવસે ભાઇ કાનજી બચુભાઇ પરમાર પણ ખબર કાઢવા આવ્‍યા હોઇ અને સાંજે પરોઠા શાક જમ્‍યા હતાં. રસોઇમાં પરોઠા ઓછા પડયા હોઇ તે બાબતે પતિ અરવિંદ વાઢેર સાથે માથાકુટ થઇ હતી.  આ કારણે ખાર રાખી  પતિએ પોતાના પર હથોડીથી હુમલો કર્યો હતો. દેકારો થતાં મોટા બહેન હકુબેન બચાવવા આવતાં તેના ઉપર પણ હથોડીના ઘા કર્યા હતાં.

ગાંધીગ્રામ પોલીસે આ માલે ગુનો નોંધી અરવિંદભાઇની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ તે મળ્‍યા નહોતાં. એ પછી બપોર બાદ પડોશીઓએ ઘરનો દરવાજો અંદરથી બંધ જોતાં અને ખખડાવવા છતાં નહિ ખોલાતાં પોલીસને જાણ કરી હતી. પોલીસે પહોંચી દરવાજો તોડીને જોતાં અરવિંદભાઇ વાઢેર કપડાના ગાળીયામાં લટકતાં જોવા મળતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. પોતે પત્‍નિ અને પાટલાસાસુ પર હુમલો કર્યો હોઇ એ કારણે ગભરાઇ ગયા હોઇ આ પગલુ ભરી લીધાનું પોલીસનું અનુમાન છે.

(10:54 am IST)