Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

રાજકોટ જેલમાં રોગચાળાનો ભરડો....અગાઉ એક કેદીને ડંગ્યુ ભરખી ગયો, હવે ત્રણ કેદીને મેલેરિયા!

ત્રણ કેદીઓને જેલમાંથી સારવાર માટે સિવિલ હોસ્પિટલના પ્રિઝનર વોર્ડમાં ખસેડવા પડ્યાઃ આરોગ્ય વિભાગની ટીમો, જેલતંત્રમાં દોડધામ

રાજકોટ તા. ૫: થોડા દિવસ પહેલા રાજકોટ જેલમાં રખાયેલા મુળ મુંબઇના અને પોરબંદરના કરોડોના માદક પદાર્થનના ગુનાના આરોપી કેદીને ડેંગ્યુ લાગુ પડ્યા બાદ તેનું મોત નિપજ્યું હતું. ત્યાં હવે અન્ય ત્રણ કેદીઓને મેલેરિયાની અસર તળે સારવાર માટે જેલમાંથી સિવિલ હોસ્પિટલના પ્રિઝનર વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. જેલમાં રોગચાળો વકરી રહ્યો હોઇ આરોગ્ય તંત્ર અને જેલ તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

જાણવા મળ્યા મુજબ ત્રણ કેદીઓ રવિ ઉર્ફ ભીમો બાબુભાઇ (ઉ.વ.૩૦), હબિબ મામદનઝીર (ઉ.વ.૨૫) તથા અતુલ રમેશભાઇ (ઉ.વ.૨)ને આજે જેલમાંથી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતાં પ્રાથમિક નિદાનમાં મેલેરિયાની અસર જણાતાં પ્રિઝનર વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે તબિબે એમએલસી કેસ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસ મથકમાં એન્ટ્રી નોંધાવી છે.

નોંધનીય છે કે થોડા દિવસ પહેલા એક કેદીનું ડેંગ્યુથી મોત નિપજ્યું હતું. તે વખતે શહેરનું આરોગ્ય તંત્ર દોડી ગયું હતુ અને જેલમાંથી મચ્છરોને ભગાડવા જરૂરી કામગીરી કરી હતી. ત્યાં હવે વધુ ત્રણ કેદીને મેલેરિયાની અસર થતાં દોડધામ મચી ગઇ છે.

(3:38 pm IST)