Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

રણછોડનગરમાં લુખ્ખાગીરી...પરિણીતાની કારમાં બેઠેલા ચાર શખ્સોએ છેડતી કરી

જોરથી કારના હોર્ન વગાડ્યાઃ પરિણીતાએ ફોન કરતાં પતિ આવી જતાં છેડતી કરનારા ગાળો ભાંડી જીજે૧૩એમ-૯૬૩૩ નંબરની કાર મુકી ભાગી ગયા

રાજકોટ તા. ૬: રણછોડનગરમાં સમી સાંજે પગપાળા જઇ રહેલી એક પરિણીતાની કારમાં બેઠેલા ચાર શખ્સોએ જોર જોરથી હોર્ન વગાડી બૂમો પાડી છેડતી કરતાં આ પરિણીતાએ તેના પતિને ફોન કરીને બોલાવતાં લુખ્ખાઓ તેણીના પતિને ગાળો ભાંડી કાર મુકી ભાગી ગયા હતાં. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે રણછોડનગરમાં રહેતી ૨૭ વર્ષની પરિણીતાની ફરિયાદ પરથી જીજે૧૩એમ-૯૬૩૩ નંબરની કારમાં આવેલા ચાર શખ્સો સામે આઇપીસી ૩૫૪ (ડી),  ૫૦૪, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે. સાંજે પરિણીતા પોતાના ઘરેથી ચાલીને પાછળની શેરીમાં રહેતાં દાદીમાના ઘરે જઇ રહી હતી ત્યારે શેરી નં. ૪માં એક કાર પાછળ આવી હતી. તેમાં બેઠેલા ચાર શખ્સોએ તેણીની પાછળ જોર જોરથી હોર્ન વગાડ્યા હતાં અને બૂમાબૂમ કરી હતી. ઓય...ઓયની બૂમો પાડી છેડતી કરતાં આ પરિણીતા ડઘાઇ ગઇ હતી.

તેણીએ તુર્ત જ પોતાના પતિને ફોન કરતાં પતિ નજીકમાં જ હોઇ તે આવી જતાં તેણે ઠપકો આપતાં ચારેય શખ્સો તેની સાથે પણ ઝઘડો કરી ગાળો દઇ કાર મુકી ભાગી ગયા હતાં. બી-ડિવીઝનમાં જાણ થતાં પીએસઆઇ સાકરીયા અને કેતનભાઇ પટેલે ફરિયાદ નોંધી હતી. ડી. સ્ટાફના પીએસઆઇ એમ. એફ. ડામોર અને ટીમે વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૧૦)

(4:31 pm IST)