Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

૪૦૦ શાળાનાં વિદ્યાર્થીઓ 'કલીનેથોન' યોજશેઃ કચરો એકત્રીત કરવા 'સ્વચ્છતાનું પાકિટ'

'સ્વચ્છતા' માટે કોર્પોરેશનની ઝુંબેશ

રાજકોટ તા. ૬ : મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરમાં સ્વચ્છતા માટે વિવિધ ઝુંબેશના આયોજનો થયા છે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા કલીનેથોન તથા 'સ્વચ્છતાનું પાકિટ'ના આયોજનો થયાનું કોર્પોરેશનની સેનીટેશન સમિતિના ચેરમેન અશ્વિન ભોરણીયાએ એક યાદીમાં જણાવ્યું છે.

આ અંગે અશ્વિનભાઇએ જણાવ્યું છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટના શહેરીજનો માટે સ્વચ્છતા વધારવાના નવીન પગલાં તરીકે 'સ્વચ્છતાનું પાકીટ' નક્કી કરેલ છે. જેનો હેતુ  મુસાફરી દરમ્યાન ચાલુ વાહને રસ્તા ઉપર મુસાફરો દ્વારા નાખવામાં આવતા કચરામાં ઘટાડો કરવાનો છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ  ટેક્ષી, ઓટો રીક્ષા, આર.એમ.ટી.એસ. અને બી.આર.ટી.એસ. બસ તથા ટુ વ્હીલર વાહનોના ઉપયોગ કરતા નાગરીકોને 'સ્વચ્છતાનું પાકીટ' વાહનમાં રાખવા અનુરોધ કરાશે. નાગરીકોમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ ફેલાવવામાં આવશે.

આ ઉપરાંત કલીનેથોનનું આયોજન થશે. જેમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સફાઇ/સ્વચ્છતા અને કચરાના વ્યવસ્થાપનની મહત્વતા ઉપર એક વ્યાપક અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવેલ છે.

ધોરણ ૫ કે તેથી ઉપરના અંદાજે ૪૦૦ જેટલી શાળા તથા કોલેજના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ સાથેનું પુસ્તક આપવામાં આવશે. જેના થકી બહોળી સંખ્યામાં લોક ભાગીદારી દ્વારા સ્વચ્છતા વિશે નાગરીકોમાં સામાજીક સંદેશ, જાગૃતિ અને સ્વચ્છતાની જવાબદારીનો ફેલાવો થવા પામશે.

૫૦ માસ્ટર ટ્રેનર્સને તાલીમ આપી દરેક શાળામાં વર્કશોપ કરવાનું અયોજન થશે. ૧૦મી ડીસેમ્બરે દરેક શાળા તથા કોલોજોમાં એક સાથે ૩૦ મીનીટની નાની પરીક્ષા હાથ ધરવામાં આવશે. જેમાં આશરે ૫૦,૦૦૦ વિધાર્થીઓ આવરી લેવામાં આવશે.(૨૧.૩૪)

(4:18 pm IST)