Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

યમનોત્રી, ગંગોત્રી દર્શન પુરા કર્યા'તાઃ કેદારનાથની યાત્રા શરૂ કરે એ પહેલા ૮ને 'કાળ' ભેટી ગયોઃ કડીયા પરિવારોમાં કાળો કલ્પાંત

૧૫ યાત્રીકો ૨ ઓકટોબરે ટ્રેનથી 'હરિદ્વાર' પહોંચ્યા અને તેમાંથી ૭ યાત્રીકોનું ૫ ઓકટોબરે 'પરલોકગમન': પાંચ મુસાફરો બસમાંથી ફેંકાઇ જતાં બચી ગયાઃ ઉત્તરાખંડના અકસ્માતની કરૂણાંતિકાઃ ઢાળ પર યાત્રિકોની ટેમ્પો ટ્રાવેલર્સ ગાડી હતી ત્યારે રિક્ષાવાળો સામેથી અચાનક આવતાં ડ્રાઇવરે કાબુ ગુમાવતાં ટેમ્પો ખીણમાં ખાબકયાની શકયતાઃ યાત્રીકો અને બસના ચાલક અને પુનાના વૃધ્ધ મુસાફર સહિત કુલ ૯ મોતઃ અકસ્માત બાદ ભારે વરસાદ શરૂ થતાં બચાવ કાર્યમાં અડચણ પડી : રામેશ્વર પાર્ક, ભવનાથ પાર્ક, ગાયત્રીનગર અને વિવેકાનંદ સોસાયટીના કડીયા પરિવારના સભ્યો ઉંડા આઘાતમાં ગરકઃ ડેપ્યુટી કલેકટર પટેલ અને ડીઝાસ્ટર મામલતદાર ચાવડા તથા મૃતકોના સ્વજનો સવારે દિલ્હીથી ઉત્તરાખંડ જવા રવાનાઃ હવાઇ માર્ગે મૃતદેહો સાંજે રાજકોટ પહોંચશેઃ વોર્ડ નં. ૧૭ના યુવા ભાજપના કાર્યકર, કારોબારી સભ્ય વિરેન કાચાએ સાસુ ભાનુબેન, સસરા દેવજીભાઇ ટાંક, કોૈટુંબીક કાકા ભગવાનજીભાઇ રાઠોડ અને કાકી ગોદાવરીબેન સહિતના સ્વજનો ગુમાવ્યાઃ પાંચ પરિવારોના માળા પિંખાયા

શોકની કાલીમાઃ ચારધામની યાત્રાએ ગયેલા રાજકોટના કડીયા પરિવારોના ૭  યાત્રી અકસ્માતમાં કાળનો કોળીયો બની જતાં પરિવારો-સ્વજનોમાં શોકની કાલીમા છવાઇ ગઇ છે. પ્રથમ તસ્વીરમાં દેવજીભાઇ ટાંક તથા તેમના પત્નિ ભાનુબેન ટાંકનો ફાઇલ ફોટો, બીજી તસ્વીરમાં ભગવાનજીભાઇ રાઠોડ અને તેમના પત્નિ ગોદાવરીબેન રાઠોડનો ફાઇલ ફોટો તથા બાજુમાં મગનભાઇ સાપરીયા અને ચંદુભાઇ ટાંકની ફાઇલ તસ્વીરો જોઇ શકાય છે. નીચેની તસ્વીરોમાં ઇજાગ્રસ્તો અને મૃતકોના ઘરે ઉમટી પડેલા શોકમય સ્વજનો જોઇ શકાય છે . સાતમા મૃતક હેમરાજભાઇ રામપરીયાના ઘરે આજે સવાર સુધી બનાવની જાણ કરવામાં આવી નહોતી. બીજી તરફ હેમરાજભાઇના પત્નિ કંચનબેને પણ આજે સવારે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૬: 'જિંદગી કા સફર હૈ યે કૈસા સફર કોઇ સમજા નહિ કોઇ જાના નહિ'...ગીતની આ પંકિત મુજબ જ રાજકોટના ગાયત્રીનગર, ન્યુ રામેશ્વર પાર્ક, રામેશ્વર પાર્ક, વિવેકાનંદ સોસાયટીના કડીયા પરિવારના ૮ યાત્રિકો સાથે બની ગયું છે. રાજકોટથી ૩૦મીએ ૧૩  લોકો ચારધામની યાત્રા માટે નીકળ્યા હતાં. તેઓ ૧ ઓકટોબરે અમદાવાદથી ટ્રેનમાં બેસી ૨ ઓકટોબરે હરિદ્વાર પહોંચ્યા હતાં. યમનોત્રી અને ગંગોત્રી યાત્રા દર્શન પુરા કરી લીધા હતાં અને આજે શનિવારે સવારે કેદારનાથની યાત્રા શરૂ કરવાના હતાં. પણ એ પહેલા એક સાથે ૮ને કાળ ભેટી જતાં કલ્પાંત સર્જાયો છે. ગઇકાલે ૫મી ઓકટોબરે યાત્રીકો સાંજે સાડા ચારેક વાગ્યે ગંગોત્રી દર્શન કરી પરત આવી રહ્યા હતાં ત્યારે ટેમ્પો ટ્રાવેલર્સ (મીની બસ) ખીણમાં ખાબકી હતી અને બસના ચાલક, કલીનર તથા પંદર પૈકી સાત યાત્રીકોની યાત્રા અંતિમયાત્રા બની ગઇ હતી. જ્યારે વધુ એક મહિલાનું આજે સવારે મોત નિપજતાં રાજકોટના યાત્રિકોનો મૃત્યુઆંક ૮ થયો છે.  જેમાં ત્રણ દંપતિઓનો પણ સમાવેશ થાય છે. આજે સાંજે વાયુસેનાના ચોપર મારફત મૃતદેહો રાજકોટ પહોંચે તેવી શકયતા છે.

ગોઝારા અકસ્માતમાં જે લોકો કાળનો કોળીયો બન્યા છે તેમાં ગાયત્રીનગરમાં રહેતાં વોર્ડ નં. ૧૭ના યુવા ભાજપ કાર્યકર અને કારોબારી સભ્ય વિરેનભાઇ કાચાના સસરા ગાયત્રીનગર-૪/૧૧ના ખુણે શિવકૃપા ખાતે રહેતાં દેવજીભાઇ હિરજીભાઇ ટાંક (ઉ.૬૨), સાસુ ભાનુબેન દેવજીભાઇ ટાંક (ઉ.૫૫), કોૈટુંબીક કાકા રામેશ્વર સોસાયટી ચામુંડા કૃપા ખાતે રહેતાં ભગવાનજીભાઇ ભવાનભાઇ રાઠોડ (ઉ.૫૮), કાકી ગોદાવરીબેન ભગવાનજીભાઇ રાઠોડ (ઉ.૫૫) તથા દેવજીભાઇ અને ભગવાનજીભાઇના મિત્રો વિવેકાનંદન સોસાયટીમાં રહેતાં મગનભાઇ શામજીભાઇ સાપરીયા (ઉ.૬૨), રામેશ્વર સોસાયટીમાં રહેતાં હેમરજભાઇ બેચરભાઇ રામપરીયા (ઉ.૫૫) તથા રામેશ્વરમાં જ રહેતાં ચંદુભાઇ તુલસીભાઇ ટાંક (ઉ.૬૨)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત મીની બસના ચાલક ઉત્તરપ્રદેશના મુકરબાના દિનેશ જયપાલ (ઉ.૪૮) અને તેની સાથેના પુના તલેગાંવના બેચર ભાઇ રામજીભાઇ બેગડ (ઉ.૬૭)ના પણ મોત નિપજ્યા હતાં.

જ્યારે અન્ય યાત્રીકોમાં રાજકોટના દયાલભાઇ તુલસીભાઇ જાદવ, પુષ્પાબેન દયાલભાઇ જાદવ, કંચનબેન હેમરાજભાઇ રામપરીયા, લીલાબેન ચંદુલાલ, મુકતાબેન બેચરભાઇ બેગડ (પુના)નો બચાવ થયો હતો. સારવાર દરમિયાન કંચનબેન હેમરાજભાઇ રામપરીયાએ આજે સવારે દમ તોડી દેતાં મૃત્યુઆંક ૮ થયો હતો. કંચનબેનના પતિ હેમરાજભાઇનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

અકસ્માત સર્જા્યો ત્યારે જ આઇટીબીપીના જવાનો ત્યાંથી પસાર થતાં હોઇ તેણે બસ નદીમાં ખાબકેલી જોતાં જ સ્થાનિક પોલીસને જાણ કરતાં તુર્ત જ અધિકારીઓ અને બચાવ ટુકડીઓ પહોંચી ગઇ હતી. પરંતુ તે વખતે જ ભારે વરસાદ શરૂ થઇ જતાં બચાવ કામગીરીમાં ભારે અડચણ ઉભી થઇ હતી.  ઉત્તરકાશીના મુખ્ય મથકથી ૪૩ કિ.મી. દૂર આવેલા ગંગોત્રી હાઇવે પર આ અકસ્માત સર્જાયો હતો. ભારે ઉબડખાબડવાળો રસ્તો અને મોટા ગાબડાને કારણે અચાનક સામેથી બીજુ વાહન આવી જતાં ટેમ્પો ટ્રાવેલર્સના ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ભારત-તિબેટ બોર્ડના જવાનોએ સ્થાનિક બચાવ તંત્ર પહોંચે એ પહેલા બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. પરંતુ બસમાંથી ૯ મૃતદેહ મળ્યા હતાં. જ્યારે પાંચ ઘાયલોને દેહરાદૂન હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

બચી ગયેલા પૈકીના દયાળજીભાઇ તુલસીભાઇ જાદવે જણાવ્યું હતું કે અમે પહેલી તારીખે રાજકોટથી અમદાવાદ ટ્રેનમાં અને ત્યાંથી હરિદ્વાર જવા માટે રવાના થયા હતાં. બીજી તારીખે હરિદ્વાર પહોંચ્યા હતાં અને ત્યાં જ ઘાટ, આરતી દર્શન કર્યા હતાં. એ પછી યમનોત્રીની યાત્રા પુરી કરી લીધી હતી. શુક્રવારે ૫મીએ ગંગોત્રી દર્શને ગયા હતાં. સાંજે સાડા ચારેક વાગ્યે પાછા આવી રહ્યા હતાં. શુક્રવારે રાત્રે આરામ કર્યા બાદ શનિવારે સવારે કેદારનાથની યાત્રા શરૂ કરવાનું નક્કી કર્યુ હતું. પણ એ પહેલા ગંગોત્રીથી પરત આવતી વખતે જ અકસ્માત નડ્યો હતો અને તેમાં આઠનો ભોગ લેવાયો હતો.

રાજકોટ કલેકટર તંત્ર તરફથી જાણવા મળ્યા મુજબ રાજકોટથી ડે. કલેકટરશ્રી એ.ટી. પટેલ, ડીઝાસ્ટર મામલતદાર શ્રી અર્જુન ચાવડા અને ત્રણ મૃતકોના સ્વજનો  દેહરાદૂન જવા નીકળી ગયા છે. આજે સવારે આ બધા દિલ્હી પહોંચ્યા હતાં. ત્યાંથી બપોર સુધીમાં દેહરાદૂન પહોંચશે અને વિધી પતાવ્યા બાદ મૃતદેહોને સીધા એરફોર્સના વિમાનમાં રાજકોટ લાવવામાં આવશે. લગભગ સાંજ સુધીમાં મૃતદેહો રાજકોટ પહોંચી જશે.

આઠ-આઠ યાત્રીઓના એક સાથે મોતથી કડીયા પરિવારોમાં શોકની કાલીમા છવાઇ ગઇ છે. તમામ મૃતકો કડીયા પરિવારોના હોઇ આ પરિવારોના હર્યાભર્યા માળા પિંખાઇ ગયા છે. ગત સાંજે દેહરાદૂનથી રાજકોટ તંત્રને ફેકસથી માહિતી મળતાં કલેકટરશ્રી રાહુલ ગુપ્તા, ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્રિયાંકસિંહે તાબડતોબ મૃતકોના સ્વજનોને જાણ કરી હતી અને મૃતદેહોને રાજકોટ પહોંચાડવા માટે વ્યવસ્થા શરૂ કરી દીધી હતી. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મૃતદેહોને રાજકોટ પહોંચાડવા માટે સરકાર દ્વારા તમામ વ્યવસ્થા પુરી પાડવા આદેશો આપ્યા હતાં. તે મુજબ કલેકટર તંત્રના બે અધિકારી અને મૃતકોના ત્રણ સ્વજનો આજે સવારે વિમાન મારફત દિલ્હી પહોંચી ગયા હતાં. ત્યાંથી દેહરાદૂન પહોંચી સાંજ સુધીમાં મૃતદેહો લઇ રાજકોટ પરત આવશે તેમ જાણવા મળ્યું છે.

ટાંક, રાઠોડ અને રામપરીયા પરિવારના સંતાનોએ એક સાથે માતા-પિતા ગુમાવ્યા

. કાળમુખા અકસ્માતમાં રાજકોટના કુલ ૮ યાત્રીઓના મોત થયા છે. જેમાં ત્રણ તો દંપતિ છે. ગાયત્રીનગરના દેવજીભાઇ ટાંક, તેમના પત્નિ ભાનુબેન ટાંક, ભવનાથ પાર્કના હેમરાજભાઇ રામપરીયા તેમના પત્નિ કંચનબેન રામપરીયા તથા રામેશ્વર પાર્કના ભગવાનજીભાઇ રાઠોડ અને તેના પત્નિ ગોદાવરીબેન રાઠોડના મોતથી આ ત્રણેય દંપતિના સંતાનો એક સાથે માતા-પિતા વિહોણા થઇ જતાં અરેરાટી વ્યાપી ગઇ છે. વડિલોની છત્રછાંયા ગુમાવનારા સંતાનો ઉંડા આઘાતમાં ગરક થઇ ગયા છે.

દેવજીભાઇ ટાંકે અને તેમના પત્નિ ભાનુબેને ગઇકાલે બપોરે જ દિકરા સંજયભાઇ સાથે વાત કરી અને સાંજે બંનેના મૃત્યુના વાવડ આવ્યા

. હતભાગી મૃતકો પૈકી ગાયત્રીનગરના દેવજીભાઇ ટાંક અને તેમના પત્નિ ભાનુબેન ટાંકે ગઇકાલે બપોરે જ દિકરા સંજયભાઇ સાથે હસીખુશીથી વાતચીત કરી હતી અને યાત્રામાં સોૈને ખુબ મજા આવી રહ્યાનું કહ્યું હતું. તેમજ છોકરાઓનું ધ્યાન રાખવા પણ આ બંનેએ કહ્યું હતું. પણ ત્યાં જ સાંજે બંને આ દુનિયામાં હયાત નહિ રહ્યાના વાવડ મળતાં સંજયભાઇ ટાંક સહિતના સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં. દેવજીભાઇ ટાંકને સંતાનમાં બે પુત્રી શિલ્પાબેન વિરેનભાઇ કાચા અને શ્રધ્ધાબેન તથા એક પુત્ર સંજયભાઇ છે. સંજયભાઇ ટાઇલ્સનું કામ કરે છે. જ્યારે તેમની સાથે મૃત્યુ પામનાર ભગવાનજીભાઇ ભવાનભાઇ રાઠોડ અને ગોદાવરીબેન ભગવાનજભાઇ રાઠોડને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. અન્ય હતભાગી મૃતકોમાં હેમરાજભાઇ રામપરીયા, કંચનબેન રામપરીયા, મગનભાઇ સાપરીયા અને ચંદુભાઇ તુલસીભાઇ ટાંકના સ્વજનો પણ ઉંડા આઘાતમાં ગરક થઇ ગયા છે.

પહેલી જ વખત ધાર્મિકયાત્રાએ ગયા હતાં

. અકસ્માતનો ભોગ બનેલા કડીયા પરિવારના સભ્યો પહેલી જ વખત ધાર્મિકયાત્રાએ નીકળ્યા હતાં. પણ કોઇને કયાં ખબર હતી કે આ યાત્રિકોમાંથી ૭ યાત્રીકો માટે ચારધામની આ સફર અંતિમસફર બની જશે!?

તમામ મૃતદેહ દેહરાદૂન એરપોર્ટથી સીધા રાજકોટ વાયુસેનાના વિમાનમાં લાવવામાં આવશે

. ચારધામની યાત્રા દરમિયાન પરલોકગમને ચાલી નીકળેલા ૮ હતભાગી યાત્રીકોના મૃતદેહો મોડી રાત્રે જ ઘટના સ્થળેની કાર્યવાહી પુરી કરાયા બાદ દેહરાદૂન એરપોર્ટ ખાતે પહોંચાડી દેવામાં આવ્યાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારી શ્રી પ્રિયાંકસિંઘે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આજે સવારે રાજકોટથી ડે. કલેકટર તથા મામલતદાર તેમજ મૃતકોના ત્રણ સ્વજનો દિલ્હી પહોંચી ગયા હતાં. ત્યાંથી તેઓ બાય રોડ દેહરાદૂન જવા નીકળ્યા છે. બપોરે લગભગ એકાદ વાગ્યે આ તમામ ત્યાં પહોંચશે અને ત્યાં જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહો સંભાળશે અને ત્યાંથી વાયુસેનાના ખાસ વિમાન મારફત સીધા રાજકોટ એરપોર્ટ ખાતે મૃતદેહો પહોંચી જશે.

બચી ગયેલા દયાલભાઇ જાદવની 'અકિલા' સાથે વાતચીતઃ ૪૦ હજારમાં ટેમ્પો ભાડે કરી'તી

ત્રણ મહિના પહેલા હેમરાજભાઇના ઘરે વાસ્તુ પ્રસંગમાં મિત્રો ભેગા થયા ત્યારે 'ચારધામ યાત્રા'નું આયોજન કરી ટિકીટો લઇ લીધી'તી...પણ કોઇને કયાં ખબર હતી કે આ યાત્રા અંતિમયાત્રા બની જશે!?

. ગંગોત્રીમાં મીની બસ (ટેમ્પો ટ્રાવેલર્સ) ખીણમાં ખાબકતાં રાજકોટના કડીયા પરિવારના બે દંપતિ સહિત ૮ યાત્રીકો કાળનો કોળીયો બની જતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો છે. કોણ કોને સાંત્વના પાઠવે એ જ સ્વજનોને ખબર પડતી નથી. આ અકસ્માતમાં બચી ગયેલા પૈકીના દયાલભાઇ તુલસીભાઇ જાદવે આજે સવારે 'અકિલા' સાથે ટેલિફોનિક વાતચીત કરી સમગ્ર વિગતો જણાવી હતી. શ્રી દયાલભાઇએ કહ્યું હતું કે મેં મારા પાંચ મિત્રો હેમરાજભાઇ, મગનભાઇ, ભગવાનજીભાઇ, ચંદુભાઇ અને દેવજીભાઇને ગુમાવ્યા છે. ત્રણેક મહિના પહેલા અમે હેમરાજભાઇ રામપરીયાના મકાનના વાસ્તુ પ્રસંગે બધા મિત્રો ભેગા થયા હતાં ત્યારે વાત-વાતમાં હવે ચારધામની યાત્રા કરવી જોઇએ તેવી ચર્ચા કરી હતી અને બધા મિત્રો આ માટે તૈયાર થઇ જતાં ત્યારે જ હરિદ્વાર જવા માટે ટ્રેનની ટિકીટો લઇ લીધી હતી. રાજકોટથી સીધી ટ્રેન ન હોઇ અમદાવાદથી તા.૧ ઓકટોબરની ટિકીટો લઇ લીધી હતી. અમે ૩૦મીએ રાત્રે રાજકોટથી ટ્રેનમાં બેસી તા.૧ના સવારે અમદાવાદ પહોંચી ગયા હતાં અને ત્યાંથી હરિદ્વારથી ટ્રેન પકડી હતી. બીજા દિવસે હરિદ્વાર પહોંચી ત્યાં દર્શન કર્યા હતાં. સાંજે આરતીમાં જોડાયા હતાં. એ પછી યમનોત્રીની યાત્રા પુરી કરી હતી અને શુકવારે ૫મીએ ગંગોત્રી જવા નીકળ્યા હતાં. અમે ચારધામની યાત્રા માટે ૪૦ હજારમાં ટેમ્પો ટ્રાવેલર્સ ભાડે કરી હતી. પુનાનું વૃધ્ધ દંપતિ પણ અમારી આ બસમાં હતું. ગઇકાલે ગંગોત્રી દર્શન કર્યા બાદ સાંજે ત્યાંથી પરત ફરતી વખતે રસ્તામાં જમવા રોકાયા હતાં. જમીને નીકળ્યા અને એકાદ કલાક બસ ચાલી હતી ત્યાં અકસ્માત સર્જાયો હતો.

દયાલભાઇએ કહ્યું હતું કે હું તથા બચી ગયેલા બીજા બધા પાછળની સીટોમાં બેઠા હતાં. બસ નદીમાં ખાબકી ત્યારે મારા સહિતના પાંચ બહાર ફેંકાઇ જતાં બચી ગયા હતાં. બાકીના ૯ બસમાં દબાઇ જતાં મોત નિપજ્યા હતાં. અકસ્માત સર્જાયો ત્યાં જ ભારે વરસાદ ચાલુ થઇ ગયો હતો. સામેથી કોઇ વાહન આવતાં બસના ચાલકે કાબુ ગુમાવ્યો કે પછી અન્ય કંઇ થયું? તે અંગે મને ખાસ ખબર નથી. પાંચ મિત્રોને ગુમાવનાર દયાલભાઇ વિગતો જણાવતી વખતે ભાવુક થઇ ગયા હતાં. (૧૪.૭)

(3:51 pm IST)