Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

નીકળ્યો હતો એન્જીનીયર બનવા અને બની ગયો એકટર : આર. જે. રૂહાન

'બસ ચા સુધી' ગુજરાતી વેબ સીરીઝે મારા નશીબ ઉઘાડી દીધા : આગામી દિવસોમાં વધુ બે વેબ સીરીઝ 'આવુય થાય' અને 'ગીત' આવી રહી છે : હવે તો એકટીંગ એજ મારૂ પેશન બની રહ્યુ છે

રાજકોટ તા. ૬ : 'હું અભિનયનો જ માણસ છુ અને અભિનય એ જ મારૂ પેશન છે. શરૂઆત ભલે મેં ગમે ત્યાંથી કરી હોય પણ આગામી દિવસોમાં પડદા પરના કલાકાર તરીકે છવાય જવુ એ મારૂ સ્વપ્ન છે' તેમ આર. જે. રૂહાને અકિલા સાથેની મુલાકાતમાં જણાવ્યુ હતુ.

તેઓએ જણાવેલ કે આમ તો મેં શરૂઆત થીએટરથી જ કરેલ અને બાદમાં રેડયો માધ્યમાં પ્રવેશ કરેલ. રેડીયો મીર્ચીના મારા શો વેબસીરીઝના રાઇટર સંદીપ દવે સાંભળતા હતા અને તેમણે 'બસ ચા સુધી' વેબ સીરીઝ લખી અને અભિનય માટે મને પસંદ કર્યો. ત્યારથી મારી તો નીકળી પડી. એ રીતે બસ ચા સુધી વેબ સીરીઝ-ર પણ આવી અને મને લોકોનો ભરપુર પ્રતિસાદ મળતો રહ્યો.

આમ ગણો તો આ વેબ સીરીઝ ટી પોષ્ટ સ્પોન્સર છે. હજુ આગામી સમયમાં બે નવી વેબ સીરીઝ 'આવુય થાય' અને 'ગીત' આવી રહી છે. 'આવુય થાય' માં મારી સાથે રેવા ફિલ્મ ફેઇમ મોનલ ગજજર અને 'ગીત' માં એવોર્ડ વિજેતા ફિલ્મ હેલ્લારો ફેઇમ શ્રધ્ધા ડાંગર કામ કરી રહ્યા છે.

સાચી વાત કરૂ તો મારો પરિવાર મને એન્જીનીયર બનાવવા માંગતો હતો. ધો. ૧૦ પુરૂ કરતા જ મને ડીપ્લોમાં એન્જીનીયરમાં એડમીશન અપાવવામાં આવ્યુ. પરંતુ મારૂ મન નહીં લાગતા દોઢેક વર્ષ પછી પિતાશ્રીને મે ઇચ્છા જણાવી કે  મને એન્જીનીયરીંગ ભણવું ગમતુ નથી. મારે આર્ટસમાં જવુ છે.

બધાની સહમતી મળતા મેં અમદાવાદમાં સી.એન.માં ધો.૧૧ અને ૧૨ આર્ટસ કર્યુ. પછી ઝેવીયર્સમાં જઇ બેચલર કર્યુ અને એમ.એસ. યુનિ.માં ઇંગ્લીશ લીટરેચરમાં માસ્ટર કરવા વડોદરા ગયો. તે દરમિયાન રેડ એફ.એમ.માં ઇન્ટરશીપ શરૂ કરી એ દરમિયાન રેડીયો મીર્ચીમાં ઇન્ટરવ્યુ આપ્યો અને સફળ આર.જે. તરીકે કારકીર્દીની શરૂઆત થઇ.

અહીં એ ઉલ્લેખનીય છે કે હું રેડીયો પહેલા પણ થીએટર કરતો જ હતો અને રેડીયો કર્યા પછી ફરીથી વેબ સીરીઝના માધ્યમથી થીએટર કરવાની તક મળી. પણ હવે એકટીંગ જ મારૂ પેશન બની રહ્યુ છે. આર્જવ ત્રિવેદી સાથે નાટક કરવાનો સારો મહાવરો મેળવ્યો છે. યશ સોની સાથે પણ ઘણા બધા નાટકો કરી ચુકયો છુ. લોકોનો આવોને આવો જ પ્રેમ મળતો રહેશે તો હું એક સારા અભિનેતા બનવાના મારા લક્ષ્ય સુધી ઝડપી પહોંચી જઇશ. તેમ આર.જે. રૂહાન આલમે જણાવ્યુ હતુ. તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા આર. જે. રૂહાન આલમ (ડાબેથી પહેલા) અને તેમની સાથે કર્મા ઇવેન્ટસના આકાશ શુકલા  (મો.૯૭૨૪૦ ૪૧૫૧૭) નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:14 pm IST)