Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

શિક્ષક તરીકે બાળકનું ઘડતર કરી શકશો તો તેના જેવુ કોઈ પૂણ્ય નથી : પૂ.જયશ્રીદીદી

ગીતા રસ્તો બતાવે છે, માર્ગદર્શન આપે છે, ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ છે... : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શિક્ષણ વિદ્યાશાખા દ્વારા શિક્ષક દિનની વિશેષ ઉજવણી : ભાવિ શિક્ષકો અને તાલીમાર્થીઓને પૂ.જયશ્રીદીદીના આર્શીવચન

રાજકોટ, તા. ૯ : તમે શિક્ષક તરીકે એક બાળકને પણ ઘડતર કરી શકશો તેના જેવું બીજું કોઈ પુણ્ય નથી અને જેનામાં હિંમત હોય તે જ શિક્ષક બની શકે આ શબ્દો છે પૂ.જયશ્રી દીદીના કે જેઓ ગઈકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ઉપક્રમે યોજાયેલા શિક્ષક દિવસના કાર્યક્રમમાં ભાવિ શિક્ષકો અને તાલીમાર્થીઓને આશીર્વચન પાઠવી રહ્યાં હતા. તા. ૫ સપ્ટેમ્બર - શિક્ષક દિવસ - રાધાકૃષ્ણનજી ના જન્મદિવસ નિમિતે પૂજય જયશ્રી દીદીએ રાધાકૃષ્ણનજી યાદ કરતાં કહ્યું કે, દાદાજી સાથે રાધાકૃષ્ણનજી નો ખુબ નજીકનો સંબંધ રહ્યો. દાદાજીએ ઉભી કરેલ સૌપ્રથમ શિક્ષણ સંસ્થા તત્વજ્ઞાન વિદ્યાપીઠનું ફોર્મલ ઉદ્ઘઘાટન રાધાકૃષ્ણનજીના શુભ હસ્તે જ થયું, અને જીવનના છેલ્લા સમય સુધી તેમણે દાદાજીના કાર્ય પર પ્રેમ રાખ્યો, કાળજી કરી.  આ વિશેષ પ્રસંગે પૂજય જયશ્રી દીદીની સાથે રાજય સરકારના કેબિનેટ મંત્રી કુવંરજીભાઈ બાવળીયા, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી, ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેસાણી, કાર્યક્રમના મુખ્ય આયોજકો ડો. નિદતભાઈ બારોટ, ડો. જનકભાઈ મકવાણા, સિન્ડિકેટ મેમ્બર્સ ડો.ભરતભાઈ રામાનુજ, ડો. હરદેવસિંહ જાડેજા, ડો. ગિરીશભાઈ ભીમાણી ઉપસ્થિત રહ્યાં હતા.

પૂજય જયશ્રી દીદીએ એમ પણ જણાવ્યું હતું કે, ગીતામાંથી નિષ્પન્ન થતા શિક્ષણના મૂલ્યો અને શિક્ષકત્વ આ વિષયની જયારે વિચારણા કરીએ ત્યારે ધ્યાનમાં આવે કે, ગીતા રસ્તો બતાવે છે, માર્ગદર્શન આપે છે, ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ છે. ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને શું કરવું એ નહિ, પણ કેવી રીતે કરવું એ કીધું છે.  માનવને કેન્દ્રમાં રાખીને કહેવાયેલું વિશ્વનું એકમાત્ર તત્વજ્ઞાન શ્રીમદ્દભગવદ્દગીતા જ છે. ગીતા શબ્દ આવે કે ઉત્સાહ આવે, ચૈતન્ય આવે પણ ગીતા પોતાને શિક્ષક માનતી નથી. કેમ કે, શિક્ષકનો હંમેશા આગ્રહ હોય જે તે વાત માટે પણ ગીતા તો માર્ગદર્શન કરે છે. ગીતાએ કયાંય આગ્રહ રાખ્યો જ નથી. આજે શિક્ષણ વિદ્યાર્થીને નક્કી નથી કરાવી શકતું કે, ભવિષ્યમાં તેને શું બનવાનું છે? માત્ર જે તે લાઈનની પ્રતિષ્ઠા જોઈને જ બાળકનું ભણવાનું નક્કી થાય છે. જો શિક્ષણ નાનપણથી જ એવું આપવામાં આવે કે, બાળક નક્કી કરી લે કે, તેણે શું થવાનું, બનવાનું છે.  માણસ, એ સમાજનો યુનિટ છે અને માણસ બગડ્યો છે એટલે શિક્ષણ બગડ્યું છે. આજે મને ગૌરવ છે કે, ૯.૫ લાખ વનવાસી ભાઈઓ સુધી આ વર્ષે ત્રિકાળ સંધ્યા પહોંચી તેની સાથે ૭૫,૦૦૦ વનવાસી ભાઈઓ સુધી અક્ષરજ્ઞાન સ્વાધ્યાયી લોકો લઇ ગયા છે.  તમે શિક્ષક તરીકે એક બાળકને પણ વ્યવસ્થિત કરી શકશો તેના જેવું બીજું કોઈ પુણ્ય નથી. જેનામાં હિંમત હોય તે જ શિક્ષક બની શકે.

રાજય સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુવંરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, જે રીતે માટીમાંથી ઘડતરથી ઘડૂલો બને છે તે જ રીતે તમે બાળકોને ઘાટ આપવાનું કામ કરો છો. કુદરતે શિક્ષકોને આ કામ કરવાની તક આપી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી એ જણાવ્યું હતું કે, મને મળેલા કર્તૃત્વમાં ઈશ્વરની કૃપા છે. હૃદયથી કામ કરે તે જ સાચો શિક્ષક. શ્રી નિદતભાઈ બારોટે પૂજય જયશ્રી દીદીને મળેલ લોકશિક્ષક પુરસ્કાર અને સરસ્વતી પુરસ્કારની વાત સાથે પૂજનીય દીદીજીની વિશેષ આંતરરાષ્ટ્રીય ઓળખ આપી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના શિક્ષણ વિદ્યાશાખાના ડીન ડો.નીદત  બારોટે કાર્યક્રમનું મહત્વ સમજાવતા અને મહેમાનોને આવકાર આપતા જણાવ્યું હતું કે આજનો આ કાર્યક્રમ એટલા માટે વિશેષ મહત્વનો છે કે ડાયસ પરનાં મુખ્ય મહેમાનો તેમના હોદાની રીતે નહિ પરંતુ એક શિક્ષક તરીકે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. પૂજય જયશ્રી દીદી સ્વાધ્યાય પરિવારના મોભી હોવા ઉપરાંત મુંબઈ ની પ્રતિષ્ઠિત એલ્ફીનસ્ટેઈન કોલેજ માં અધ્યાપક તરીકે સેવા આપતા હતા. તેઓએ દેશ વિદેશમાં અનેક જગ્યાઓએ કાર્યક્રમોમાં નેતૃત્વ કરેલ છે. તેઓના વ્યાખ્યાન જાપાન, બ્રિટન, જર્મની જેવા દુનિયાના અનેક વિસ્તારોમાં યોજાયેલા છે. તત્વજ્ઞાન વિષયના અનુસ્નાતક, તત્વજ્ઞાન વિષયના અધ્યાપક પૂજય દીદી તત્વજ્ઞાન વિષયના જ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસે ઉપસ્થિત છે તે સંયોગ પણ શિક્ષણ વિદ્યાશાખાએ નિમંત્રણ આપતા પહેલા વિચાર્યો હતો. શ્રી કુંવરજીભાઈ બાવળિયા રાજકોટની જ શાળાના શિક્ષક હતા માટે આજે તેઓ મંત્રી તરીકે જ નહિ પરંતુ તે શૈક્ષણીક પરિવારના સભ્ય તરીકે ઉપસ્થિત રહ્યા છે. ડો. નીતિનભાઈ પેથાણી પણ અધ્યાપક અને આચાર્ય ના નાતે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. આ વાત સમજાવતા શિક્ષણ વિદ્યાશાખાના ડીન ડો. નીદત બારોટે સૌ મહેમાનોને ઉપસ્થિત રહેવા બદલ કૃતજ્ઞતાની લાગણી વ્યકત કરી હતી.

કાર્યક્રમમાં કુલપતિએ વિદ્યાર્થીઓને શિખ આપતા જણાવ્યું હતું કે તમે જે જગ્યાએ છો તે જગ્યાએ ઉત્તમ કામ કરો, નિષ્ઠા અને પ્રમાણિકતાથી કામ કરો, આ રાષ્ટ્રને આગળ લઇ જવામાં તમારા લોકોનો સૌથી વધુ ફાળો રહેનાર છે. કાર્યક્રમ વખતે ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીએ જણાવ્યું હતું કે સ્વાધ્યાય પ્રવૃત્તિ અને પૂજય દાદાનો ઘનિષ્ઠ નાતો તેમનો રહ્યો છે. વધુમાં જણાવ્યું હતું કે દાદાએ કરેલા સફળ પ્રયોગો સમાજમાં સામાન્ય લોકોને એક બનીને રાખવામાં ખુબ મહત્વના સાબિત થયા છે. કાર્યક્રમનું સંચાલન ઈંગ્લીશ લેંગ્વેજ ટીચિંગ બી. એડ. કોલેજના પ્રાધ્યાપક ડો. જીતેન ઉધાસે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન શિક્ષણ વિદ્યાશાખાના ડીન ડો. નીદત બારોટના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું.

(3:55 pm IST)