Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

રામનાથપરામાં જર્જરીત મકાન તુટી પડયું: ફસાયેલા માનસિક દિવ્‍યાંગને બચાવવા મ્‍યુ. કમિશનર અગ્રવાલે ટીમ દોડાવી

કોઇ પણ ભોગે તુટેલા મકાનમાંથી બહાર નહીં નીકળતોઃ દિવ્‍યાંગ રવિભાઇ સિંધીને અધિકારીઓએ સમજાવી બચાવી લીધા

રાજકોટ,તા.૬: વર્તમાન ચોમાસામાં રાજકોટ શહેરમાં સમયાંતરે વરસતા રહેલા ભારેથી અતિ ભારે વરસાદને પગલે રામનાથપરા વિસ્‍તારમાં આંશિકરીતે તૂટી પડેલા એક મકાનનો હિસ્‍સો ભયજનક બની ગયો હોવાની અને તેમાં રહેતા એક માનસિક દિવ્‍યાંગ નાગરિકની સલામતી જોખમમાં હોવાની રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલને જાણ થતા તેઓએ તાત્‍કાલિક ડેપ્‍યુટી કમિશનર ચેતન નંદાણી, અને ચીફ ફાયર ઓફિસર શ્રી બી. જે. ઠેબા, સુરક્ષા વિભાગના એસ.આર.પી. જવાનો, ફાયર એન્‍ડ ઇમરજન્‍સી વિભાગના કર્મચારીઓ અને એ ડિવિઝન પોલીસ સ્‍ટેશનના સ્‍ટાફની ટીમને રામનાથપરામાં રવાના કરી હતી. ત્‍યાં સ્‍થળ પર આવશ્‍યક કાર્યવાહી સંપન્ન કરાવી અસરગ્રસ્‍ત વ્‍યક્‍તિની સલામતી સુનિશ્ચિત કરાવી હતી. માત્ર એટલું જ નહી, પરંતુ તેમને સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે પણ દાખલ કરાવેલ હતાં.

 

આ ઘટનાક્રમ વિશે વાત કરતા મ્‍યુનિ. કમિશનરશ્રીએ એમ જણાવ્‍યું હતું કે, રામનાથપરા શેરી નં.૩માં સ્‍થિત એક મોટું મકાન વરસાદને કારણે આંશિકરીતે તૂટી ગયેલું છે અને મકાનના બાકીના હિસ્‍સામાં રાજુભાઈ સિંધી અને તેમના પુત્ર શ્રી રવિભાઈ સિંધી રહેતા હતા. પુત્ર રવિભાઈ માનસિક દિવ્‍યાંગ છે. અધિકારીઓની ટીમ સ્‍થળ પહોંચી ત્‍યારે શ્રી રાજુભાઈ તો મકાનમાંથી બહાર આવી ગયા પરંતુ રવિભાઈ કોઈ પણ રીતે મકાનમાંથી બહાર જવા તૈયાર થતા નહી હોવાથી તેમના જીવ ઉપર જોખમ સર્જાયું હતું. સ્‍થળ પર થયેલી કાર્યવાહીના અહેવાલ અનુસાર, આ ભયજનક મકાન ખરેખર ભયજનક જ છે અને તેમાંથી અસરગ્રસ્‍ત પરિવારને બહાર લાવવો જરૂરી બનતા અધિકારીશ્રીઓએ એ અસ્‍વસ્‍થ દિવ્‍યાંગ વ્‍યક્‍તિને સમજાવવાનો ખુબ પ્રયાસ કર્યો હતો. આ કિસ્‍સામાં સૌથી મુશ્‍કેલ બાબત એ હતી કે, માનસિક દિવ્‍યાંગ વ્‍યક્‍તિનું વજન આશરે ૧૨૫ થી ૧૩૫ કિલો જેટલું હતું. અધિકારીશ્રીઓની સમજાવટ સામે તેમણે સતત પ્રતિકાર કરી દ્યરની બહાર નીકળવાનો ઇન્‍કાર કરતા થોડી વાર માટે મૂંઝવણભરી સ્‍થિતિ સર્જાઈ હતી. જોકે સતત બે કલાકની ભારે મહામહેનતને અંતે એ વ્‍યક્‍તિને બહાર લાવવામાં સફળતા મળી હતી.

આ દિવ્‍યાંગ વ્‍યક્‍તિને સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે પણ દાખલ કરાવવામાં આવેલ છે. વિશેષમાં એ ભયજનક મકાનમાં પરિવારની થોડી દ્યરવખરી પડી હોય, તે બહાર કાઢી લેવામાં આવ્‍યા બાદ તુર્ત જ મકાનનો બાકીનો હિસ્‍સો પણ દૂર કરાવવામાં આવશે; જેથી કરીને આજુબાજુના મકાનોને પણ કોઈ નુકસાન ના પહોંચે, તેમ પણ મ્‍યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલે જણાવ્‍યું હતું.

 

(3:37 pm IST)