Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

સામા કાંઠાના ઇમિટેશનના ધંધાર્થી હિતેષ ગમઢાનો ચોૈધરી હાઇસ્કૂલ નજીક ફૂટપાથ પર ઝેર પી આપઘાત

બપોરે બે વાગ્યે ઘરેથી નીકળી ગયો'તોઃ આર્થિક ભીંસ કારણભુત હોવાની શકયતાઃ માસુમ પુત્રીએ પિતાનું છત્ર ગુમાવતાં પટેલ પરિવારમાં શોક

રાજકોટ તા. ૬: આર્થિક સંકડામણને કારણે વધુ એક યુવાને જિંદગીથી છેડો ફાડ્યો છે. સામા કાંઠે સંત કબીર રોડ પર રહેતાં ઇમિટેશનના ધંધાર્થી પટેલ યુવાને ચોૈધરી હાઇસ્કૂલ નજીક ફૂટપાથ પર ઝેર પી  લેતાં મોત નિપજ્યું છે.

જાણવા મળ્યા મુજબ સંત કબીર રોડ નંદૂબાગમાં રહેતાં હિતેષભાઇ બેચરભાઇ ગમઢા (ઉ.૨૮) નામના પટેલ યુવાને સાંજે સિવિલ હોસ્પિટલ નજીક ચોૈધરી હાઇસ્કૂલ સામે સ્ટાફ કવાટર્સન નજીકની ફૂટપાથ પર ઝેરી દવા પી લેતાં તેને કોઇએ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અહિથી તેના મોબાઇલ ફોનમાંથી તેના સ્વજનોને જાણ કરવામાં આવતાં બધા પહોંચ્યા હતાં. વધુ સારવાર માટે તેને ખાનગી હોસ્પિટલમાં લઇ જવા તજવીજ કરી હતી. પરંતુ રસ્તામાં બેભાન થઇ જતાં ફરીથી સિવિલમાં લાવવામાં આવ્યો હતો. પરંતુ અહિ દમ તોડી દીધાનું તબિબે જાહેર કરતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો.આપઘાત કરનાર હિતેષભાઇ બે ભાઇમાં મોટો હતો. તેના પત્નિનું નામ સુમિતાબેન છે. સંતાનમાં એક પુત્રી છે. જેણે પિતાનું છત્ર ગુમાવ્યું છે. હિતેષભાઇ ઇમિટેશનનું કામ કરતો હતો અને માતા-પિતા સહિતના પરિવારજનો સાથે રહેતો હતો. મુળ વતન કાલાવડનું વડાળા છે. ગઇકાલે બપોરે બે વાગ્યા આસપાસ તે કામ સબબ બહાર નીકળ્યો હતો. એ પછી તેણે સાંજે ઝેર પી લીધાની સ્વજનોને ખબર પડી હતી. આર્થિક સંકડામણ કારણભુત હોવાની  શકયતા સ્વજનોએ જણાવી હતી. પ્ર.નગરના હેડકોન્સ. વી.આર. જાડેજા અને રવિરાજભાઇએ વિશેષ તપાસ હાથ ધરી છે.

(12:02 pm IST)