Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

અબોલ જીવને માલીકનો અનહદ અહંગરો

ગૌપ્રેમી એસઆરપી મેન હીરાભાઈ બાબરીયાનું અવસાન થતા તેમની માનીતી ગાય અંતિમયાત્રામાં છેક સુધી સાથે રહીઃ રોજ મૃતકના ફોટા સામે આવીને બેસી જાય છેઃ ૧૧ દિવસ સુધી કંઈ ખાધા વગર શોક રાખ્યો

રાજકોટ,તા.૫: એક કહેવત છે કે વ્યકિત કરતાં પ્રાણીઓમાં પ્રેમભાવના વધુ હોય છે. આવો જ એક કિસ્સો રાજકોટમાં બન્યો છે. જે ગૌમાતાની સેવાચાકરી કરતાં હતાં તેનું જ અકાળે દુઃખદ અવસાન થતાં આ ગૌમાતા સદ્દગતની અંતિમયાત્રામાં છેક સુધી જોડાયા હતા. ૧૧ દિવસ સુધી કંઈ પાછા વગર શોક રાખ્યો હતો.

આ બનાવ અંગે સદ્દગતના ભાઈ એસઆરપીમેન રામભાઈ બાબરીયા (મો.૯૯૭૯૧ ૦૦૬૬૬)એ જણાવ્યું હતું કે મારા ભાઈ અને ઘંટેશ્વર એસ.આર.પી.ગ્રુપ- ૧૩માં ફરજ બજાવતા ગૌપ્રેમી હીરાભાઈ ભાણાભાઈ બાબરીયા (ઉ.વ.૪૬)નું અવસાન થતાં આ ગાય સ્મશાનયાત્રામાં પણ જોડાઈ હતી અને ત્યારબાદના દિવસોમાં યોજાએલ વિધિના કાર્યક્રમમાં પણ સતત ગૌમાતા હાજરી આપતા હતા.

તેઓએ જણાવેલ કે હીરાભાઈ નાનપણથી જ ગૌમાતા અને શ્વાનપ્રેમી હતા. તેઓ નિયમીતપણે ગાયો અને શ્વાનોની સેવા ચાકરી કરતા હતા. તેઓને કિડનીની બિમારી હતી. બન્ને કિડનીઓ ફેઈલ હતી. તેમના સાળા કિડનીનું દાન આપવાના હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તેમના ઓપરેશનની તારીખ પણ જાહેર થઈ ગઈ હતી. હીરાભાઈની અંતિમયાત્રામાં ગૌમાતા પણ અગ્નિદાહ અપાયો વિધી પુરી થઈ ત્યાં સુધી હાજર રહી હતી.

ત્યારબાદ પણ નિયમીતપણે નિવાસસ્થાને ગૌમાતા આવીને ઉભા રહી જતાં બેસણામાં પણ હીરાભાઈના ફોટા પાસે આવીને બેસી જાય. સદ્દગતની આત્માની શાંતિ અર્થે ગુરૂપારાયણ રાખવામાં આવેલ. ત્યાં પણ આવીને બેસે અને આંખોમાંથી અશ્રુઓની ધારા વહેતી જાય. ગૌમાતાને રોટલી કે ઘાસ આપવામાં આવે તો પણ ગૌમાતા તેને ગ્રહણ કરતાં ન હતા.

(11:56 am IST)