Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

રાજકોટનાં ગોરસ લોકમેળામાં છેલ્લા બે દિ' માનવ મહેરામણ ઉમટયોઃ વેપારીઓ રાજીના રેડ

છઠ્ઠ અને સાતમે વરસાદને કારણે મેળાનાં મેદાનમાં ગારો-કિચડથી લોકો ત્રાહીમામઃ આઠ્ઠમ-નોમનાં દિવસે લાખો લોકો ઉમટયાઃ આઇસ્ક્રીમ-ફજતફાળકા-રાઇર્ડસ વાળાઓને તડાકો પડયોઃ કેટલાક વેપારીઓએ ગીર્દીનો ગેરલાભ ઉઠાવી મનફાવે તેમ લોકોને લુંટયાઃ વધારે ભાવથી આઇસ્ક્રીમ વેચતાં ૧૧ વેપારીને ઝડપી લેવાયા

ઙ્ગજયાં જુઓ ત્યાં માણાહ... માણાહ... : રેસકોર્ષ મેદાન ખાતે કલેકટર તંત્ર દ્વારા પાંચ દિવસનો ગોરસ લોકમેળો યોજાયો હતો, ગઇકાલે રાત્રે ૧૨ વાવ્યે તેની પુર્ણાહુતિ થઇ હતી, તસ્વીરમાં લોકમેળામાં ઉમટી પડેલો માનવ મહેરામણ નજરે પડે છે, છેલ્લા ર દિ'માં મેળામાં ૫ લાખ લોકો ઉમટી પડયા હતા, ફુલ ૧૦ લાખથી વધુ લોકોએ મેળાને મહાલ્યો હતો.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૬: અત્રેના રેસકોર્ષ મેદાન ખાતે કલેકટરતંત્ર દ્વારા આયોજીત ગોરસ લોકમેળામાં છેલ્લા બે દિવસ માનવ મહેરામણ ઉમટી પડતા મેળાનાં વેપારીઓ રાજીના રેડ થઇ ગયા હતા. કેમકે તેઓની કમાણી વધી હતી અને મેળામાં અંદાજે ૧II થી ર કરોડનું ટર્નઓવર થયાનો અંદાજ છે.

આ અંગેની વિગતો મુજબ રેસકોર્ષ મેદાનમાં જિલ્લા કલેકટર દ્વારા જન્માષ્ટમી પર્વનો પાંચ દિવસનાં લોકમેળાનંુ ગત શનિવારને રાંધણ છઠ્ઠથી ગઇકાલે દસમ સુધીનું આયોજન કરાયું હતું.

આ મેળા દરમિયાન પ્રથમ બે દિવસે એટલે કે છઠ્ઠ અને સાતમનાં દિવસે સતત વરસાદી ઝાપટાથી મેળામાં ગંદકી-કાદવ-કિચડનું સામ્રાજય ફેલાતાં લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા હતા. પરિણામે મેળામાં મુલાકાતીઓનું પ્રમાણ ઓછું જોવાા મળતાં વેપારીઓમાં નિરાશા છવાઇ હતી.

જો કે બાદમાં આઠમના વરાપ નિકળતાં છેલ્લાા બે દિવસો દરમિયાન લાખો લોકો ગોરસ મેળામાં ઉમટી પડયા હતાં આથી આઇસ્ક્રીમ ફજત ફાળકા, રાઇડસ, ચકરડી, ખાણી-પીણીનાં ધંધાર્થીઓને તડાકો પડયો હતો અને વેપારીઓને કમાણી થવા લાગી હતી. જો કે કેટલાક વેપારીઓએ મેળાની ગીર્દીનો ગેરફાયદો ઉઠાવી અને લોકો પાસે વધુ પૈસા પડાવતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. અને તંત્ર વાહકોએ બજાર કિંમતથી વધુ રૂપિયા પડાવતાં આઇસ્ક્રીમના ૧૧ ધંધાર્થીઓને ઝડપી લીધા હતા.

આમ આ વર્ષે જન્માષ્ટમીનો મેળો રંગે-ચંગે હેમખેમ અને હર્ષોલ્લાસ સાથે પુર્ણ થતાં  પોલીસ-કલેકટર સહિતના તંત્ર વાહકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને રંગીલા રાજકોટવાસીઓએ ગોરસ લોકમેળામાં ભરપુર આનંદ ઉઠાવ્યો હતો.

સીમાદર્શન, સેલ્ફી પોઇન્ટે આકર્ષણ જમાવ્યું

રાજકોટ : આ વર્ષે ગોરસ લોકમેળામાં રાજય સરકાર દ્વારા ખાસ નવાં આકર્ષણ રૂપે સીમાદર્શન સેલ્ફી પોઇન્ટનું આયોજન કરાયેલ જેમાં સરહદી વિસ્તારનાં સૈનિકો સાથે નાગરિકોનો ફોટો પાડી દઇને તેઓને ફોટો કોપી પણ આપવામાં આવતી હતી. આ સેલ્ફી પોઇન્ટ પર લોકો ઉમટી પડતા હતા.

(3:59 pm IST)