Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

પાસ અને સરકાર ઇચ્છે તો મધ્યસ્થી બનીશઃ નરેશ પટેલ

પાટીદાર સમાજને અનામત અને ખેડૂતોના દેવા માફ કરવાના આંદોલનમાં : પાટીદાર સંસ્થાના સી.કે. પટેલ સામે ભારે વિરોધ થતા ખોડલધામના નરેશ પટેલનું નામ ઉભર્યુઃ ખોડલધામના દિનેશ કુંભાણી અને ટીમ બંને પક્ષે ચર્ચા કરી રહી છેઃ સામાજિક હિતને ધ્યાને રાખી બંને પક્ષો કહેશે તો મધ્યસ્થી થઇશ

રાજકોટ, તા. ૬ : ખેડૂતોના દેવા માફ કરવા અને પાટીદાર સમાજને અનામત આપવા આમરણાંત ઉપવાસ શરૂ કરનાર હાર્દિક પટેલના ઉપવાસનો આજે ૧૩મો દિવસ છે. સરકાર તરફથી કોઈ સાનુ કૂળ વાટાઘાટોનું વલણ ન અપનાવતા પાટીદાર અનામત આંદોલન સમિતિએ આજથી આંદોલનાત્મક આંદોલનો શરૂ કર્યા છે.

હાર્દિક પટેલે જો ૨૪ કલાકમાં ચર્ચા નહિં થાય તો જળ ત્યાગ કરવાની ચિમકી ઉચ્ચારી છે. દિન પ્રતિદિન સમાધાન કે વાટાઘાટોને બદલે પ્રશ્ન પેચીદો બની રહ્યો છે ત્યારે પાટીદાર સંસ્થાના સી. કે. પટેલ સામે પાટીદારોનો રોષ વ્યાપ્યો છે. આ વચ્ચે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ હાર્દિક-પાસ તેમજ સરકાર વચ્ચે મધ્યસ્થી બને તેવી શકયતા ઉભરી છે ત્યારે નરેશભાઇ પટેલે અકિલાને જણાવ્યું હતું કે, અમારા ટ્રસ્ટી દિનેશ કુંભાણી અને તેમની ટીમ બંને પક્ષે ચર્ચા કરી રહી છે. સરકાર અને પાસ મારી મધ્યસ્થી ઇચ્છશે તો હું સામાજિક હિતને ધ્યાને રાખી મધ્યસ્થી બનીશ.

(3:42 pm IST)