Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

રૂા. ૨૫ લાખના ચેક રિટર્નના કેસમાં આરોપીને હાજર થવા કોર્ટનું સમન્‍સ

રાજકોટ,તા. ૬ : જામનગર તાલુકાના રહે. મુ.મોટી નાગાજાર, તા.કાલાવડ, જી. જામનગર ગામે રહેતા આરોપી મનસુખભાઇ દેવશીભાઇ ધાડીયાએ હાથ ઉછીની લીધેલ રકમ ટોટેલ રૂા. ૨૫,૦૦,૦૦૦ પરત કરવા ફરીયાદી ભરતભાઇ ભગવાનજીભાઇ ડવની તરફેણમાં કરી આપેલ ચેક રીટર્ન થતા અદાલતમાં ફરીયાદ દાખલ કરવામાં આવતા આરોપી મનસુખભાઇ દેવશીભાઇ ધાડીયાને અદાલતમાં હાજર થવા સમન્‍સ ઇસ્‍યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ છે.

આ કેસની હકીકત જોઇએ તો મુ. મોટી નાગાજાર, તા.કાલાવડ, જી.જામનગર ગામે રહેતા આરોપી મનસુખભાઇ દેવશીભાઇ ધાડીયાને નાણાની જરૂરિયાત ઉપસ્‍થિત થતા મિત્રતાના સંબંધના નાતે રાજકોટમાં ‘દેવકીનંદન' નાલંદા સોસાયટી શેરી નં. ૫ કાલાવડ રોડ, કોટેચા ચોક રાજકોટમાં રહેતા ફરીયાદી ભરતભાઇ ભગવાનજીભાઇ ડવ પાસેથી રૂા. ૨૫,૦૦,૦૦૦ મેળવી ત્‍હોમતદારે લીધેલ રકમ પરત કરવા વચન, વિશ્વાસ અને ખાત્રી આપી સ્‍વીકાર કરેલ રકમ પરત કરવા ત્‍હોમતદારે તેની બેંકનો રૂા. ૧૨,૫૦,૦૦૦ અને રૂા. ૧૨,૫૦,૦૦૦ એમ કુલ બે ચેક ફરીયાદી જોગ ઇસ્‍યુ કરી આપેલ હતો. ફરીયાદીએ સ્‍વીકારેલ ચેક બેંકમાં રજુ કરતા બેંક દ્વારા ચેક સ્‍વીકારાયેલ નહીં ચેક રીટર્ન થતા ફરીયાદીનું લેણુ ડુબાડવાનો બદઇરાદો ધારણ કરી આરોપી ધ નેગોશીએબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટની કલમ ૧૩૮ મુજબ ગંભીર પ્રકારનો ગુનો કરેલ હોય આરોપી વિરૂધ્‍ધ ચેક રીટર્ન સંબંધે અદાલતમાં ફરીયાદ દાખલ કરી રજુઆત કરવામાં આવેલ કે રેકર્ડ પરની હકીકતોથી સ્‍પષ્‍ટ ફલીત થાય છે કે આરોપીને ફરીયાદી પાસેથી લીધેલી રકમ પરત કરવા ચેક આપી તે પાસ થવા ન દઇ આરોપીએ ધ  નેગોશીએબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટની કલમ ૧૩૮ મુજબ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે. જે રજુઆતો ધ્‍યાને લઇ આરોપી મનસુખભાઇ દેવશીભાઇ ધાડીયાને અદાલતમાં હાજર થવા સમન્‍સ ઇસ્‍યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ છે.

 ઉપરોકત કામમાં ફરીયાદી ભરતભાઇ ભગવાનજીભાઇ ડવ વતી રાજકોટના એડવોકેટ મોહિત વી. ઠાકર રોકાયેલ હતા.

(4:41 pm IST)