Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

લોકદરબારમાં વ્યાંજકવાદ, સ્કીમોમાં છેતરપીંડી અને લેન્ડગ્રેબીંગના ૯૫ અરજદારોએ વ્યથાનો ઢગલો કર્યો

ચામડા તોડ વ્યાજ વસુલનારાઓ સામે રોષ ઠાલવાયો-અનેક અરજદારો હીબકે ચડી ગયા : પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં તમામ એસીપી અને તમામ પીઆઇએ અરજદારોને સાંભળી સ્થળ પર જ પ્રશ્નોના નિકાલ માટે પ્રયાસો કર્યાઃ અમુકને પોલીસ મથકે બોલાવાયા

વ્યાજખોરી, લેન્ડગ્રેબીંગ અને સ્કીમો દ્વારા થતી છેતરપીંડીના પ્રશ્નોના નિવારણ માટે શહેર પોલીસે યોજેલા લોકદરબારના દ્રશ્યો જોઇ શકાય છે. પોલીસ કમિશનશ્રી મનોજ અગ્રવાલે દિપ પ્રાગટ્ય કરી લોકદરબારનો આરંભ કરાવ્યો હતો. બંને ડીસીપી, તમામ એસીપી, તમામ પીઆઇ અને અન્ય સ્ટાફે નેવુથી વધુ અરજદારોએ આ લોક દરબારમાં સાંભળ્યા હતાં અને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રયાસો કર્યા હતાં. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૬: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના સુશાસનના પાંચ વર્ષ પુર્ણ થયા હોઇ તે અંતર્ગત તા. ૧ થી ૯ સુધી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત શહેર પોલીસ દ્વારા આજે શહેરના રૈયા રોડ પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને વ્યાજંકવાદ, લેન્ડગ્રેબીંગના પ્રશ્નો અને કોઇપણ મંડળીઓ કે બીજી કોઇ સ્કીમોમાં નાણા રોકીને છેતરાયેલા હોય તેવા લોકોને સાંભળી બને તો સ્થળ પર જ પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરાયો હતો. સવારે સાડા દસથી શરૂ થયેલા આ લોકદરબારમાં ૯૫થી વધુ અરજદારો વ્યાજખોરી, લેન્ડગ્રેબીંગ અને સ્કીમો દ્વારા છેતરાયાની ફરિયાદો રજૂ કરી હતી. જેમાં સૌથી વધુ વ્યાજખોરીને લગતી ફરિયાદો હતી.

વ્યાજના ચક્કરમાં ફસાયેલા અમુક લોકોએ તો પોલીસ સામે પોક મુકી હતી અને પોતાને આ અજગરભરડામાંથી બહાર કાઢવા વિનંતી કરી હતી. સંર્પુણ કેસની વિગતો એસીપી-પીઆઇએ મેળવ્યા બાદ આગળની કાર્યવાહી કરવા સુચના આપી રજૂઆત કરનારાઓને ન્યાય મળે તે માટે પ્રયાસ કર્યા હતાં. લોકદરબારના પ્રારંભમાં પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ સહિતના અધિકારીઓએ દિપ પ્રાગટ્ય વિધી કરી હતી. એ પછી તેમણે જણાવ્યું હતું કે જન સુખાકારી દિવસની ઉજવણી અંતર્ગત પોલીસે આ લોક દરબારનું આયોજન કર્યુ છે. જેમાં કોઇપણ લોકો કે જેઓ સામાન્ય રીતે વ્યાજખોરી, છેતરપીંડી કે લેન્ડગ્રેબીંગના કેસમાં ફરિયાદ કરતાં ડરતાં હોય છે તેઓને સામે આવવા આહવાન અપાયું હતું અને તેમના પ્રશ્નો સીધા લોક દરબારમાં રજૂ કરવા કહેવાયું હતું. તે અંતર્ગત નેવુ જેટલા અરજદારો પોતાના અલગ અલગ પ્રશ્નો લઇને આવ્યા છે. તેમની ફરિયાદો એસીપીશ્રીના સુપરવિઝનમાં સાંભળીને તેનો તત્કાળ નિકાલ થાય તે પ્રકારની ન્યાયી કાર્યવાહી કરવા સુચનાઓ અપાઇ છે.

વ્યાજંકવાદ વિરોધી લોકદરબારનું આયોજન કરાયું હોઇ તેની સાથો સાથ  લેન્ડ ગ્રેબીંગના પ્રશ્નો તથા  અને રોકાણકારોને લલચાવી ઠગાઇ કરવાના કિસ્સાઓમાં જીપીઆઇડી એકટ (ગુજરાત પ્રોટેકશન ઓફ ઇન્સ્ટ્રેટ ઓફ ડિપોઝીટ એકટ) હેઠળના પ્રશ્નો પણ સાંભળવામાં આવ્યા છે.

આ લોકદરબાર સવારના ૧૦ થી ૨ સુધી ચાલ્યો હતો.  મનસુખભાઇ રાઠોડ નામના વ્યકિતએ ૨૦૧૪માં મંડળીમાં નાણા ગુમાવ્યાની અને આજ સુધી પોતાને ન્યાય નહિ મળ્યાની અરજ કરી હતી. કંચનબેન સોલંકી નામના મહિલા વ્યાજખોરીનો ભોગ બન્યા હોઇ રજૂઆત વખતે હિબકે ચડી ગયા હતાં. તેમણે  કિડનીની બિમારીની સારવાર માટે નાણા લીધા હોઇ વ્યાજખોરીમાં ફસાયાની ફરિયાદ કરી હતી. આ ઉપરાંત અમીનાબેન નામના વિધવા મહિલાએ પોતાની ખેતીની જમીનમાં કેટલાક લોકોએ ઘુસણખોરી કરી તોડફોડ કરી ઓરડી, એન્જીનને નુકસાન પહોંચાડ્યાની અરજી કરી હતી. આ મામલે પોતે અગાઉ પણ વારંવાર રજૂઆતો કરી ગયા હોવા છતાં કોઇ નિવેડો નહિ આવ્યાનો ઉકળાટ તેમણે ઠાલવ્યો હતો. તેણે અરજીમાં કોંગી કોર્પોરેટર સામે પણ આક્ષેપો કર્યા હતાં.

 પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, તમામ એસીપી પી. કે. દિયોરા, જે. એસ. ગેડમ, એચ. એલ. રાઠોડ, એસ. આર. ટંડેલ તથા તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્પેકટર તથા અન્ય સ્ટાફ લોકદરબારમાં જોડાયો હતો. ડીસીપી મનોહરસિંહ જાડેજા અને પ્રવિણકુમાર મિણાએ પણ  પ્રસંગોચિત પ્રવચન આપી શહેર પોલીસ સદાય પ્રજાજનોની મુશ્કેલીઓમાં સાથે રહેશે તેમ જણાવ્યું હતું અને તમામ અરજદારોને ઝડપથી ન્યાય મળશે તેવી ખાત્રી આપી હતી.  પીઆઇ જે. વી. ધોળાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંભાળ્યું હતું. 

  • જયેશ પંચાસરાની રાવમાં વ્યાજખોરીનો ગુનો નોંધવા તજવીજ

કોઠારીયા સોલવન્ટના જયેશ પંચાસરા નામના નોકરીયાત યુવાને ત્રણ વર્ષ પહેલા દિલીપસિંહ નામના કુવાડવા રોડ પર રહેતાં શખ્સ પાસેથી ૩ ટકે ૯૦ હજાર લીધા હતાં. તેની સામે ખુબ વ્યાજ ભર્યુ છેઅને પાંત્રીસ હજાર હજુ ભરવાના બાકી છે ત્યારે દિલીપસિંહના પુત્રએ માર મારી ૭૦ હજારનું નોટરી કરાવી લઇ ધમકી આપ્યાની અરજી પણ લોક દરબારમાં આવી હોઇ આ મામલે ગુનો દાખલ કરવા સુચના અપાઇ હતી

(3:22 pm IST)