Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

શ્રાવણ માસમાં શહેરના તમામ શિવાલયો-મંદિરો ચોખ્ખા ચંણાક કરો : કોંગ્રેસ

દેવસ્થાન આસપાસના વિસ્તારમાં સાફ-સફાઇ, ગંદા પાણીનો નિકાલ અને દવા છંટકાવ કરવા વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી દ્વારા મ્યુ.કમિશ્નરને રજુઆત

રાજકોટ,તા. ૬ : પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન શહેરની હદમાં સમાવિષ્ટ તમામ વિસ્તારોમાં આવેલ શિવાલયો-દેવસ્થાનો-મંદિરોમાં અને આસપાસના વિસ્તારમાં સાફ-સફાઈ, ડ્રેનેજ અને મેલેથિયોનનો છંટકાવ તેમજ કોવિડ-૧૯ની પરિસ્થિતિના તકેદારી સહિતના પગલા લેવા અને સઘન કામગીરી કરવા વિપક્ષીનેતા ભાનુબેન સોરાણીઅને કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટ દ્વારા મ્યુ.કમિશ્નરને રજુઆત કરી છે.

આ અંગે વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી અને કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટે મ્યુનીસીપલ કમિશ્નરશ્રીને લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે આગામી તા.૦૯ સોમવાર, શ્રાવણ સુદ-૧ થી પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થઇ રહ્યો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના ૧ થી ૧૮ વોર્ડમાં તેમજ મનપાની હદમાં નવા ભળેલા તમામ વિસ્તારોમાં આવેલા શિવાલયો-દેવસ્થાનો-મંદિરો તેમજ પ્રાંગણમાં પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન સાફસફાઈ, ગંદકી, મચ્છર-જીવજંતુ અને ડ્રેનેજની લાઈનો ઉભરાવી વગેરે પ્રશ્ને તકેદારી રાખવા માટે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા તમામ પવિત્ર સ્થળે સાફ-સફાઈ, ડ્રેનેજ શાખા દ્વારા ડ્રેનેજ લાઈન કલીયરન્સ, તમામ મેઈન હોલની સફાઈ તેમજ મેલેથિયોનનો છંટકાવ કરાવવા તેમજ મંદિરના પરિસરમાં જે સ્થળોએ પાણી ભરાતું હોય અથવા ગારા-કીચકાણ થતો હોય ત્યાં બાંધકામ શાખા દ્વારા મોરમ નાખવાની કામગીરી કરાવવા, અને મચ્છર-જીવજંતુની ફરિયાદો હોય ત્યાં મેલેથીયોનનો છંટકાવ અને ફોગીંગ કરાવવા સહિતના પગલાઓ ભરવા અને કોવિડ-૧૯ની પરિસ્થિતિના તકેદારી સહિતના પગલાઓ લેવડાવવા દૈનિક કામગીરી કરવા તેમજ આ કામગીરી પરત્વે ગંભીરતાપૂર્વક મહાનગરપાલિકાનું તંત્ર કાર્ય કરે અને એક માસની આ કામગીરીને રૂટીન કામગીરી કરવાની તમામને જવાબદારી સોપવામાં આવે તેવી માંગ ભાનુબેન સોરાણી અને શ્રી વિરલ ભટ્ટે કરી છે. 

(3:19 pm IST)