Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

રવિવારે પંડિત અજય ચક્રવર્તીના શિષ્ય બ્રજેશ્વર મુખર્જી શાસ્ત્રીય કંઠય સંગીત પિરસશે

સપ્તસંગીતીનો પ્રિમીયમ શો ફેસબુક, યુટયુબ અને ઇન્સ્ટાગ્રામમાં પ્રસારીત થશેઃ બ્રજેશ્વર મુખર્જી સાથે ગૌરબ ચેટરજી હાર્મોનિયમ અને તબલા સંગતમાં ઇન્દ્રનિલ ભાદુરી સાથ આપશે

રાજકોટઃ ભારતની ગૌરવપૂર્ણ શાસ્ત્રીય સંગીતની ધરોહરને ટકાવીને આજની યુવા પેઢીના કલાકારો સંગીતના વારસાને પોતાની કારકીર્દિ તરીકે અપનાવી રહ્યા છે. આ નવોદિત કલાકારોને પ્રોત્સાહિત કરીને સમગ્ર વિશ્વ સમક્ષ ઓનલાઈન માધ્યમથી મંચ પુરુ પાડવાનો નિઓ રાજકોટ ફાઉન્ડેશનનો  પ્રયાસ છે. સપ્ત સંગીતિ ૨૦૨૧ના આગામી પાંચમા પ્રિમિયર શોમાં તા. ૮ ઓગષ્ટ, રવિવારના રોજ રાત્રે ૯ કલાકે મૂળ કલકત્તાના અને પં. અજય ચક્રવર્તીના શિષ્ય યુવા કલાકાર શ્રી બ્રજેશ્વર મુખર્જી  હિંદુસ્તાની શાસ્ત્રીય કંઠય સંગીત રજુ કરવા જઈ રહ્યા છે. રાજકોટની કલારસીક જનતાને ૨૦૧૯ની સાલમાં સપ્ત સંગીતિના માધ્યમથી પં. અજય ચક્રવર્તીજીનું શાસ્ત્રીય સંગીત માણવાનો લાહવો પ્રાપ્ત થઈ ચુકયો છે.

શ્રી બ્રજેશ્વર મુખર્જી એ પટિયાલા ઘરાનાના જાણીતા ખ્યાતનામ કલાકાર પંડિત અજય ચક્રવર્તીના શિષ્ય છે. તેઓ શાસ્ત્રીય સાથે અર્ધ શાસ્ત્રીય કંઠય સગીત ઉપર પણ પ્રભુત્વ ધરાવે છે. શ્રી બ્રજેશ્વરજી હાલમાં કલકત્તાની ITC સંગીત રીસર્ચ એકેડમીમાં સંગીત શિક્ષક તરીકે કાર્યરત છે. તેમણે ભારતમાં અનેક પ્રતિષ્ઠીત સંગીત સમારોહમાં ભાગ લીધો છે જેમાં સ્વામિ ગંધર્વ, ભિમસેન મહોત્સવ, શંકર દરબાર ફેસ્ટીવલ, ITC સંગીત સંમેલન, સ્વરમંગેશ ફેસ્ટીવલ વગેરે નામો શામેલ છે. વિદેશોમાં ન્યુયોર્ક ખાતે નોર્થ અમેરીકન બેંગાલી કોન્ફરન્સ, લંડન ખાતે નહેરુ સેન્ટર, મિડલ ઈસ્ટ, બાંગલાદેશ, ગ્રીસ અને કેનેડામાં તેમની કલા પ્રદર્શીત કરી છે. આ ઉપરાંત તેમને બિસમીલ્લા ખાન યુવા પુરસ્કાર, ગાનવર્ધન એવોર્ડ. ધનંજય ભટ્ટાચાર્ય એવોર્ડ અને શ્રુતીનંદન પુરસ્કાર જેવા અનેક સન્માનો પ્રાપ્ત થયા છે. શ્રી બ્રજેશ્વર મુખર્જી સાથે શ્રી ગૌરબ ચેટરજી હાર્મોનિયમ પર સંગત કરશે. શ્રી ગૌરબજી હાર્મોનિયમ વાદન સાથે હિદુસ્તાની કંઠય સંગીત પણ જાણે છે. તેમણે પં અરુણ ભાદુરી, પં. અજય ચક્રબર્તી, ઉસ્તાદ રાશીદ ખાન, પં કુમાર બોસ જેવા ખ્યાતનામ કલાકારો સાથે દેશ-વિદેશમાં હાર્મોનિયમ વાદન કર્યુ છે. શ્રી બ્રજેશ્વરજી સાથે તબલા સંગતમાં શ્રી ઈન્દ્રનિલ ભાદુરી સાથ આપશે. શ્રી ઈન્દ્રનિલજી બનારસ ઘરાનાના સ્વ. સત્ય નારાયણ સાહાના શિષ્ય છે અને હાલમાં તેઓ ફારુખાબાદ ઘરાનાના પં. સંજય મુખર્જી પાસે તબલાવાદનની તાલિમ લઈ રહ્યા છે.

 આ સપ્ત સંગીતિ ૨૦૨૧ની વર્ચ્યૂઅલ્ કોન્સર્ટ સીરિઝ હજુ આગામી પાંચ મહિનાઓ સુધી ચાલશે, જેમાં દર મહિને દેશના ખ્યાતિ પ્રાપ્ત બે કલાકારોના ગાયન-વાદનના કાર્યક્રમોના પ્રિમિયર શો પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે. આ સઘળા આયોજનમાં સપ્ત સંગીતિની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. 

(3:17 pm IST)