Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

નવલનગરની હેતલ રોજાસરા પતિ, નણંદ, ભાણેજના ત્રાસથી મરવા મજબૂર થઇ હતી

આપઘાત કરનાર પરિણિતાના વડાળી રહેતાં પિતા કેશુભાઇ સોલંકીની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસે જયેશ, જયશ્રી અને વિશાલ સામે ગુનો નોંધ્યો : પતિ જમવા નહોતો દેતો, નણંદ અને તેનો દિકરો વારંવાર ત્રાસ ગુજારતા હોવાના આક્ષેપો

રાજકોટ તા. ૬: નવલનગરમાં રહેતી હેતલબેન જયેશ રોજાસરાએ ગઇકાલે ઝેર પી આપઘાત કરી લીધાના બનાવમાં પતિ, નણંદ અને નણંદના દિકરાનો ત્રાસ જવાબદાર હોવાની ફરિયાદ તેણીના પિતાએ કરતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. હેતલબેનને સાસરિયામાં જમવાનું નહિ આપી ત્રાસ ગુજારાતો હતો અને નણંદ તથા ભાણેજ પણ અવાર-નવાર ત્રાસ આપતા હોવાનો આરોપ ફરિયાદમાં મુકાયો છે.

આ બનાવમાં માલવીયાનગર પોલીસે રાજકોટના વડાળી ગામે રહેતાં આપઘાત કરનાર હેતલબેનના પિતા કેશુભાઇ તળશીભાઇ સોલંકી (ઉ.વ.૬૫)ની ફરિયાદ પરથી હેતલબેનના પતિ જયેશ પોપટભાઇ રોજાસરા, નણંદ જયશ્રીબેન અને નણંદના દિકરા વિશાલ સામે આઇપીસી ૩૦૬, ૩૨૩, ૫૦૪, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

કેશુભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું ખેતી કામ કરી ગુજરાન ચલાવું છું. મારે સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રીછ ે. જેમાં દિકરી હેતલના લગ્ન દસ વર્ષ પહેલા રાજકોટના જયેશ રોજાસરા સાથે થયા હતાં. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તા.૫/૭/૨૧ના રોજ હું મારા ઘરે હતો ત્યારે દિકરી હેતલે તેના સાસરામાં ઝેર પી લીધાની ખબર પડતાં અમે તુરત નવલનગર-૯ ખાતે તેણીના સાસરે પહોંચ્યા હતાં. ત્યાંથી તેણીને હોસ્પિટલે લઇ જવાયાની ખબર પડતાં હું હોસ્પિટલે પહોંચ્યો હતો.  પણ દિકરી મૃત્યુ પામી હોવાનું જણાવાયું હતું.

મારી દિકરીને તેના લગ્ન બાદ દસ વર્ષથી અવાર-નવાર ત્રાસ અપાતો હતો. દિકરી માવતરે આવતી ત્યારે કહેતી કે તેણીને પતિ ખાવાનું આપતો નથી., જે રાશન તમે મને મોકલો છો એ મારા નણંદ જયશ્રીને આપી દે છે. તે પણ માથાકુટ કરે છે અને ત્રાસ આપે છે. નણંદનો દિકરો વિશાલ પણ મને હેરાન કરે છે અને તું અહિ આવતી જ નહિ તેવું કહે છે. મારી દિકરીની આ ફરિયાદો સાંભળી હું તેને સમજાવતો હતો. જેથી એ ફરી સાસરે જતી રહેતી હતી.  દરમિયાન હવે તેણીથી ત્રાસ સહન ન થતાં તે મરી જવા મજબૂર થઇ હોઇ તેણીએ ઝેર પી આપઘાત કરી લીધો હતો. જેથી મેં તેણીના પતિ, નણંદ અને નણંદના દિકરા વિશરૂધ્ધફરિયાદ કરી છે. તેમ વધુમાં કેશુભાઇએ ફરિયાદમાં જણાવતાં પીઆઇ કે. એન. ભુકણની રાહબરીમાં પીએસઆઇ બી. બી. રાણાએ ગુનો દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરી છે. 

(3:13 pm IST)