Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

કોંગ્રેસનું બેરોજગારી હટાવો અભિયાન : રાજયમાં ૯પ% બેરોજગારી : ગાયત્રીબા

સરકારના રોજગારી દિવસ ઉજવણીના તાયફા સામે... : સાંજે ૬ વાગ્યે શિક્ષીત બેરોજગારો સાથે આશ્ચર્યજનક કાર્યક્રમ અપાશે

રાજકોટ, તા. ૬ :  રાજય સરકાર દ્વારા ઉજવવામાં આવી રહેલા સુશાસન સપ્તાહની ઉજવણી થઇ રહે છે જે અંતર્ગત આજે રોજગાર દિવસ ઉજવાઇ રહ્યો છે તેને રાજકીય તાયફા સમાન ગણાવી. શહેર કોંગ્રેસ દ્વારા આજે ''બેરોજગારી હટાવો અભિયાન''નાં કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં શિક્ષીત બેરોજગારોને સાથે રાખી આશ્ચર્યજનક કાર્યક્રમ અપાશે.

આ બાબતે પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ એક નિવેદનમાં આક્ષેપો કરતા જણાવ્યું છે કે રાજયની ભાજપની રૂપાણી સરકારની પાંચ વર્ષની ઉજવણીના તાયફાઓ કરી ભાજપની સરકાર અને તેના નેતાઓ કોરોના કાળમા જે નિષ્ફળતાઓ છે તેને છુપાવી પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સમગ્ર દેશની જનતા મોંઘવારી મહામારી મંદી, અને બેરોજગારી સામે જુજી રહિ છે ત્યારે ઉત્સવ પ્રિય સરકાર લોકોને રાહત આપવાના બદલે કરોડો રૂપિયાના ખર્ચે પોતાની વાહી.. વાહી... કરી રહ્યા છે અને રાજયના સમગ્ર વહીવટી તંત્ર ને અન્ય લોક ઉપયોગી કામો બાજુ પર મુકી સરકારની ખોટી પ્રસિધ્ધીના કાર્યમાં જોતરી દીધુ છે.

સરકાર આજે રોજગાર દિવસની ઉજવણીની વાતો કરે છે પરંતુ રાજયમાં રોજગારીનું ચિત્ર જુદુ છે ત્યારે ભાજપના આ જુઠાણાનો પર્દાફાશ કરતા  ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલા જણાવે છે કે રાજય સરકારના મોટા  પ્રમાણમાં સરકારી ભરતી કરવાના દાવા પોકળ સાબીત થયા છે. બે વર્ષમાં માત્ર ૧૭૭૭ બેરોજગારોને જ સરકારી નોકરીઓ આપવામાં આવી અને તેમાં પણ છેલ્લા બે વર્ષમાં ૧પ જીલ્લાના યુવાનોને સરકારી નોકરી જ નથી મળી સમગ્ર રાજયમાં કુલ બેરોજગારોમાંથી શિક્ષિત બેરોજગારોનું પ્રમાણ ૯પ.૦૧% ટકા જયારે ૪.૯૯% ટકા લોકો અર્ધશિક્ષિત બેરોજગાર છે ગુજરાતમાં છેલ્લા ૪ વર્ષમાં ૧૦૯પ લોકો બેકારીથી કંટાળી આત્મહત્યાઓ કરી છે.

ત્યારે ગુજરાતમાં બેરોજગારી કેમ વધી રહી છે રોજગારીની તકો કેમ ઘટી રહી છે બેરોજગારીના કારણે આત્મહત્યાઓ કેમ વધી રહી છે પહેલા સરકાર આનો જવાબ આપે પછી ઉત્સવો ઉજવે. તેમ અંતમાં ગાયત્રીબાએ જણાવ્યું છે.

(3:12 pm IST)