Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

જલજીત સોસાયટીમાં બાઇક રીપેરીંગના પૈસા બાબતે પાર્થરાજસિંહ પર ગેરેજ સંચાલકનો હુમલો

પાંચ દિવસ પહેલા રીપેરીંગના રૂ. ૭૦૦ પ્રશ્ને બંને વચ્ચે ડખ્ખો થયોઃ બંને પક્ષની સામસામી ફરિયાદ

રાજકોટ તા.૬ : ગોકુલધામ મેઇન રોડ પર જલજીત સોસાયટીમાં મોટર સાયકલ રીપેરીંગના પૈસા બાબતે બાઇક માલીક અને ગેરેજ સંચાલક વચ્ચે મારામારી થતા સામસામી ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ દોઢસોફુટ રીંગ રોડ પર ઉમીયા ચોકમાં જલજીત સોસાયટી શેરી નં.પમાં રહેતા પાર્થરાજસિંહ કરણસિંહ ઝાલા (ઉ.રર) એ માલવીયાનગર પોલીસ મથકમાં યોગેશ નિમાવત સામે ફરીયાદ નોંધાવી છે તેેણે ફરીયાદમાં જણાવ્યા મુજબ પોતે ગ્રેસ કોલેજમાં બી.કોમ.ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. ગત તા.ર ના રોજ પોતે પોતાના ઘર પાસે ગોકુલધામ મેઇન રોડ પર આવેલા મહાકાળી ગેરેજમાં પોતાનું જી.જે.૩ જેએસ. ૧૩૯૪ નંબરનું બાઇક રીપેરીંગ કરાવવા માટે ગયો હતો. ગેરેજવાળા યોગેશ નિમાવતે રીપેરીંગના રૂ. ૭૦૦ ની વાત કરતા પોતે તેને રીપેરીંગના ભાવ વધારે છે. તેમ કહેતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. બાદ પોતે ત્યાંથી જતો રહ્યો હતો. બાદ બપોરે પોતે પોતાનું બાઇક લઇ તેના ગેરેજ પાસે હતો ત્યારે આ યોગેશ નિમાવતે આવી ફરી પોતાની સાથે માથાકુટ કરી ગાળો આપતા બન્ને વચ્ચે ઝપાઝપી થઇ હતી. અને તેણે ઉશ્કેરાઇને લોખંડનો પાઇપ પોતાના માથામાં મારી દીધો હતો દેકારો બોલતા આસપાસના લોકોએકઠા થતા યોગેશ ત્યાંથી જતો રહ્યો હતો બાદ નજીક રહેતા સગા કુલદીપસિંહ જાડેજા ત્યાં આવી જતા પોતાને સારવાર માટે મધુરમ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બાદ બંને વચ્ચે સમાધાનની વાતચીત ચાલતી હતી, પરંતુ સમાધાન ન થતા પોતે માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

જયારે સામાપક્ષે બાબરાના પીર ખીજડીયાના હાલ રાજકોટ દોઢસોફુટ રોડ પર ઉમીયા ચોક પાસે વિષ્ણુનગર શેરી નં.રરમાં જીતુભાઇ વાણીયાના મકાનમાં ભાડે રહેતા અને ગોકુલધામ મેઇન રોડ પર મહાકાળી ઓટોગેરેજ ધરાવતા યોગેશભાઇ અનુભાઇ નીમાવત (ઉ.૩૪ એ પાર્થરાજસિંહ ઝાલા સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, પાંચ દીવસ પહેલા પોતાના ગેરેજ સામે રહેતા પાર્થરાજસિંહ ઝાલા તેનુ મોટરસાયકલ રીપેરીંગ કરાવવા માટે આવેલ જેથી પોતે તેને રીપેરીંગના રૂ.૭૦૦ ની વાત કરી હતી અને પોતે અગાઉના બાકી રૂપીયા આપવાનું જણાવતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. બાદ બપોરે પોતે ગેરેજે હતા ત્યારે પાર્થરાજસિંહ ગેરેજે આવી ગેરેજમાંથી રીંગ પાનુ લઇને પોતાને જમણા હાથમાં મારમારી હાથની ટચલી આંગળીમાં ફ્રેકચર જેવી ઇજા કરી હતી.બાદ બંને વચ્ચે સમાધાન ન થતા પોતે માલવીયાનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા હેડકોન્સ એ.જે.કાનગડે તપાસ હાથ ધરી છે.

(3:09 pm IST)