Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

પીડીયુ મેડિકલ કોલેજમાં બોન્ડેડ તબિબો સાથે ૪૦૦ રેસીડેન્ટ-ઇન્ટર્ન તબિબો જોડાયાઃ ઓપીડી-ઇમર્જન્સીમાં દર્દીઓ રામભરોસે

આજે દર્દીઓના લાભાર્થે રકતદાન કેમ્પ યોજ્યોઃ બોન્ડના પ્રશ્નનો નિવેડો ન આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનો નિર્ણય : દર્દીઓને હાલાકી ન પડે માટે હોસ્પિટલ સત્તાધીશોએ બીજી વ્યવસ્થાના ભાગ રૂપે કલાસ-૨ અને કન્સલટન્ટ તબિબોને સેવામાં લીધા

રાજકોટ તા. ૬: પીડીયુ મેડિકલ કોલેજના ચોથા વર્ષના ૪૮ બોન્ડેડ સ્પેશિયાલિસ્ટ તબિબીને બોન્ડ મામલે અન્યાય થતાં હડતાલ શરૂ થઇ છે. તે અંતર્ગત આ તબિબો તમામ ઓપીડી સેવાથી અલિપ્ત થઇ ગયા છે. આજે તેમના ટેકામાં પ્રથમ ત્રણ વર્ષના તબિબી છાત્રો તથા રેસિડેન્ટ ડોકટર્સ પણ જોડાયા જતાં તમામ ઓપીડી અને ઇમર્જન્સી સેવા ઠપ્પ થઇ ગઇ હતી. આ વિભાગોમાં કલાસ-૨ અને કન્સલ્ટન્ટ તબિબોને મુકવાની વ્યવસ્થા હોસ્પિટલના સત્તાધીશોએ કરવી પડી છે.  ૪૮ બોન્ડેડ તબિબો સાથે ૨૫૦ રેસિડેન્ટ ડોકટર્સ અને ૧૫૦ ઇન્ટર્ની ડોકટર્સ પણ હડતાલમાં જોડાઇ ગયા છે. આ બધાએ આજે સિવિલના દર્દીઓના લાભાર્થે રકતદાન કેમ્પનું આયોજન કર્યુ હતું. સજ્યાં સુધી પ્રશ્નનો નિવેડો નહિ આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. બીજી તરફ આરોગ્ય વિભાગે જો ૧૦મી સુધીમાં હડતાલ પુરી કરીને તબિબો નિમણુંકના સ્થળે હાજર નહિ થાય તો તમામ સામે એપેડેમિક એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તેવો આદેશ આપ્યો છે. 

પીડીયુ મેડિકલ કોલેજના ૪૮ તબિબો કે જેણે છેલ્લા વર્ષનો અભ્યાસ પુરો કરી લીધો છે તેઓ બોન્ડ મામલે અન્યાય થયાની લાગણી સાથે હડતાલ પર ઉતર્યા છે. તેમણે અભ્યાસ પુરો કર્યો એ વખતે જ કોરોનાની બીજી લહેર આવી હતી. તે વખતે સરકારે જાહેર કર્યુ હતું કે આ તબિબો સરકારી હોસ્પિટલમાં જ નિમણુંક મેળવશે તો તેમનો જે બોન્ડ છે તેની ફરજનો કાળ ૧:૨ એટલે કે એક મહિનો કામ કરે તો બે મહિના ગણાશે. આ રીતે અગિયાર મહિનાના કરાર પર નિમણુંક થઇ હતી. પરંતુ ગત ૧૨ એપ્રિલના આ પરિપત્ર બાદ ૩૧મી જુલાઇએ નવો પરિપત્ર આવી ગયો હતો. જેમાં આ તમામ તબિબોની બદલી અલગ અલગ ગામડાઓમાં કરી નાંખવામાં આવી હતી. તેમજ બોન્ડનો સમય પણ ૧:૧ જ ગણી નાંખ્યો હતો. આ અન્યાય સામે શરૂ થયેલી હડતાલ આજે ત્રીજા દિવસમાં પહોંચતા ઓપીડી, ઇમર્જન્સીમાં તબિબો રામભરોસે થઇ ગયા છે. સરકાર ઝડપથી આ સમસ્યાનો નિવેડો લાવે તે જરૂરી છે. (૧૪.૭)

૧૦મી સુધીમાં બોન્ડેડ તબિબો નિમણુકના સ્થળે હાજર નહિ થાય તો એપેડેમિક એકટ હેઠળ કાર્યવાહી

.આરોગ્ય કમિશનરશ્રીએ આદેશ બહાર પાડ્યો છે કે બોન્ડેડ તજજ્ઞ તબિબો ૧૦/૮ સુધીમાં નિમણુંક સ્થળે હાજર નહિ થાય તો તેમના વિરૂધ્ધ એપેડેમિક એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આવો પરિપત્ર આરોગ્ય કમિશનરશ્રીએ કલેકટર, ડીન સહિતને મોકલ્યાનું જાણવા મળે છે. (૧૪.૭)

એપેડેમિક એકટ હેઠળ પગલા લેવાની નિતીનભાઇની ચિમકી અયોગ્યઃ તબિબો

નિતીનભાઇ પટેલે કહ્યું કે અમારી હડતાલ ગેરકાયદેસર છે અને અમે સરકારી ફીથી ભણીએ છીએ. ત્યારે અમારે આ વાતની સ્પષ્ટતા કરવી છે કે અમે દર વર્ષે સાઇઠ સાઇઠ હજાર ફી ભરી જ છે. આ ઉપરાંત કોવિડમાં પણ સેવા આપી જ છે. અમે અમારા પૈસા પણ ખર્ચ્યા છે. હાલમાં એપિડેમિક નથી તેવું શ્રી નિતીનભાઇ પટેલ કહી રહ્યા છે. બીજી તરફ જો અમે ફરજમાં ફરીથી જોડાઇશું નહિ તો અમારી સામે એપિડેમિક એકટ હેઠળ કાર્યવાહી કરવા ચીમકી અપાઇ રહી છે. અમે ન્યાય માટે લડત ચાલુ કરી છે. નક્કી થયા મુજબના બોન્ડ મુજબ જ અમારી નોકરી લેવામાં આવે તેવી માંગણી સંતોષાય તે જરૂરી છે. તેમ તબિબોએ કહ્યું હતું.

(12:07 pm IST)