Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે જૈન એકેડેમી દ્વારા જૈન સોળ સતીઓની મહાસતગાથા ઓનલાઇન વ્યાખ્યાન માળાનો પ્રારંભ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ડીઝીટલ મોડથી પ્રારંભ કરાવ્યોઃ કુલપતિ ડો.બળવંત જાનીનું વ્યાખ્યાન

રાજકોટ, તા., ૬: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી  ખાતે શ્રીમતી રૂક્ષ્મણીબેન દીપચંદભાઇ ગાર્ડી જૈન એકેડેમી એજયુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરના ઉપક્રમે જૈન સોળ સતીઓની મહાસતગાથા શીર્ષક હેઠળ ગઇકાલે તા. પ ઓગષ્ટના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ડીઝીટલ મોડથી થયો. જૈન એકેડમીના માનદ નિયામક તથા સૌરાષ્ટ્ર યુનિ.ના સેવા નિવૃત પ્રાદ્યાપક તેમજ હરીસિંહ ગૌર સેન્ટ્રલ   યુનિ. મધ્યપ્રદેશના હાલના ચાન્સેલર ડો.બળવંત જાની આ વ્યાખ્યાનમાળામાં જૈન સોળ સતીઓ વિશે દરરોજ સાંજે ૮ થી ૮.૪પ સુધી પોતાનું વકતવ્ય આપવાના છે.

આ શ્રેણી ફેસબુક અને યુટયુબના માધ્યમથી ઓનલાઇન યોજાઇ રહેલી છે. આ અંતર્ગતનું આદ્ય મહાસતી બ્રાહ્મી વિશેનું પ્રથમ વ્યાખ્યાન ગઇકાલે રાત્રે ૮ વાગ્યે મુખ્યમંત્રી શ્રી દ્વારા ઉદઘાટન-વકતવ્ય બાદ યોજાયું હતું. કાર્યક્રમનું સંચાલન ગુજરાતી ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રાદ્યાપક ડો.જે.એમ.ચંદ્રવાડીયાએ સંભાળ્યું હતું. આરંભે તેમણે આ વ્યાખ્યાનમાળા તથા યુનિ. ખાતે સ્થપાયેલી જૈન એકેડેમીની પ્રવૃતિઓ વિશેની વિગતો રજુ કરી હતી.

ત્યાર બાદ મુખ્યમંત્રીશ્રીએ પોતાનું ઉદઘાટન વકતવ્ય આપ્યું. જેમાં તેઓએ જૈન  ચાતુર્માસ અને પર્યુષણપર્વથી આરંભીને સવંતસરીની પુર્વ સંધ્યા આયોજીત કરેલી આ વ્યાખ્યાન માટે સૌરાષ્ટ્ર યુનિ.ને અભિનંદન આપ્યા હતા. તેઓએ આ આયોજનને ઘેર ેબઠા પુણ્યકાર્ય ગણાવીને જણાવ્યું હતું કે જૈન ધર્મમાં નારીશકિતનો મહિમા આદ્ય તીર્થકર ઋષભદેવથી શરૂ થયો છે. સોળ મહાસતીઓ સ્ત્રીસશકિતકરણનું તેજસ્વી ઉદાહરણ છે અને તેમનાં ચારિત્ર્ય-સદાચાર સમાજના શ્રેય અને હિત માટે દીવાદાંડી રૂપ છે એમ નોંધીને તેઓએ કહયું કે આ વ્યાખ્યાનમાળા દ્વારા દરરોજ એક એક સતીઓ વિશે નિયમીત સળંગ સુત્રરૂપ જ્ઞાનલાભ થશે. તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો કે જૈન મુલ્યો, વિશ્વ બંધુત્વ અને અહિંસાનું વિચારભાથુ સમગ્ર વિશ્વમાં આવી વ્યાખ્યાનમાળા દ્વારા પ્રસરી શકશે. તેઓએ ગુજરાત સરકાર તરફથી આ વ્યાખ્યાનમાળાને સફળતા મળે એવી શુભકામના પાઠવી હતી.

કાર્યક્રમમાં ત્યાર બાદ જહોનીભાઇ-અર્ચનાબહેન શાહ દ્વારા સોળ સતીના શ્લોકનું સુંદર ગાન થયું અને એ પછી વ્યાખ્યાન શ્રેણીના જ્ઞાનલાભપ્રદાતા-વ્યાખ્યાતા ડો.બળવંત જાની દ્વારા પ્રથમ દિવસના વ્યાખ્યાનનો આરંભ થયો હતો. આ પ્રથમ દિવસનું વ્યાખ્યાન આદ્ય મહાસતી બ્રાહ્મી વિશેનું હતું.

વ્યાખ્યાનના આરંભે ડો.જાનીએ જણાવ્યું હતુ કે જૈન સંપ્રદાયની સાથે અનુબંધ ધરાવતા સોળ નારી ચરીત્રો સતી તરીકે પરંપરામાં સહસ્ત્રાધિક વર્ષોથી પ્રચલીત છે. છતાં અમેના ચરિત્ર અને સંયમની મહાસતગાથાને આજ સુધી કાળનો કાટ નથી ચડયો. તેમણે પોતાના સ્વાધ્યાપ કાર્યની માહીતી આપતા કહયું કે આ સતીઓ વિશેની વિગતો જુદા જુદા ગ્રંથોમાં વેરવિખેર પડી હતી. આથી જૈન એકેડેમી અંતર્ગત આ વિગતોને વ્યવસ્થિત રીતે એકત્રીત કરીને તેઓએ તેના વિશેનું અભ્યાસ-લેખન કાર્ય આરંભ્યું. આદ્ય મહાસતી બ્રાહ્મીના ચરિત્ર વિશે તેમણે કહયું કે પ્રાચીન ગ્રંથોમાં મુદ્રિત રૂપે એમની વિગતો મળે છે. પરંતુ એ એટલી પ્રચલીત થઇ નથી.

(4:34 pm IST)