Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

કોરોના મુકત દર્દી-ર૮ દિવસ પછી પ્લાઝમાં ડોનેટ કરી શકે છે : લોકોને આગળ આવવા રેમ્યા મોહનની અપીલ

સરકારે રેડક્રોસ-સૌરાષ્ટ્ર તથા લાઇફ એમ ત્રણ બ્લડ બેન્કોને પ્લાઝમાં કલેકશન અંગે મંજુરી આપી : કન્ટેમેન્ટ ઝોનમાં રહેતા લોકોની ફરીયાદો : પોલીસ ખોટી રીતે પકડે છે : કલેકટરનો નિર્દેશ પોતે આ અંગે તમામ તંત્રોને સુચના આપશે : લોકો ઇમરજન્સી સિવાય બહાર ન નીકળે

રાજકોટ, તા. ૬ :  જીલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહને આજે પત્રકારોને જણાવ્યું હતું કે સરકારે રાજકોટની ત્રણ બ્લડ બેંક  લાઇફ- સૌરાષ્ટ્ર બ્લડ બેન્ક અને રેસક્રોસ બ્લડ બેન્કને પ્લાઝમાં કલેકશન સેન્ટર અંગે મંજુરી આપી છે. જેમાંથી લાઇફ અને સૌરાષ્ટ્ર બ્લડ બેન્ક ૮ દિ'માં શરૂ થઇ જશે, જયારે રેસકોર્ષમાં ઇકવીપમેન્ટ સંદર્ભે થોડી વાર લાગશે.

કલેકટરે અપીલ કરી હતી કે જે લોકોને કોરોના થયો હતો. અને સાજા થયાને ર૮ દિવસ થયા છે. તેવા લોકો પ્લાજમાં ડોનેટ માટે આગળ આવે, તો ગંભીર દર્દીઓને ઘણો ફાયદો થઇ શકશે, તેમણે ઉમેર્યુ હતું કે પ્લાઝમા ડોનેટ માટે જે તે વ્યકિતની તમામ બાબતો ચકાસાય છે. અંદાજે ૧૦ જેટલી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે અને સંપૂર્ણ યોગ્ય લાગે તે વ્યકિતનો જ પ્લાઝમાં ડોનેટ લેવાય છે, પણ લોકો આગળ આવે તેવી અપીલ છે, એમાં ગભરાવાની કોઇ જરૂરત નથી.

ગંભીર દર્દીઓની સંખ્યા અંગે તેમણે જણાવ્યું હતું કે હાલ એવો કોઇ પરફેકટ ડેટા નથી, પરંતુ આઇસીસીએસ -વેન્ટીલેટર ઉપર દર્દીઓને રખાયા હોય તેવા અમુક દર્દીઓ છે, પ્રાયવેટ હોસ્પિટલમાં સરકારી કરતા ગંભીર દર્દીઓની સંખ્યા વધુ હોય શકે છે.

કન્ટેમેન્ટ ઝોનમાં રખડતા લોકો જીવનજરૂરી ચીજવસ્તુઓ લેવા બહાર નીકળે તો પોલીસ તુર્ત જ પગલા લે છે. ગુન્હો નોંધે છે, તે અંગે કલેકટરે જણાવ્યું હતું કે હજુ એવી કોઇ ફરીયાદ આવી નથી પરંતુ આવુ ન બને તે માટે પોતે કોર્પોરેશન પોલીસ કમિશનર ડીએસપી સાથે ચર્ચા કરી લેશે, લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓ મળી રહે તે પ્રકારે વ્યવસ્થા પણ જે તે કન્ટેનમેન્ટ ઝોન માટે ગોઠવાશે. કલેકટરે નિર્દેશ આપ્યો હતો કે કન્ટેમેન્ટ ઝોનમાંથી બહાર નીકળવાની મનાઇ જ છે, ઇમરજન્સી સિવાય લોકો બહાર ન નીકળે તે જરૂરી બની ગયું છે.

(4:28 pm IST)