Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

તેરી મીટ્ટી મેં મીલ જાના...વતનનો સાદ સાંભળી વિદેશ સ્થાયી થવાની ઇચ્છાને દફનાવી રાજકોટ સિવિલમાં બજાવી રહ્યા છે ફરજ

ફિલિપાઈન્સ, રશિયા અને યુક્રેન ખાતે અભ્યાસ કર્યા બાદ કોરોનાની લડાઈમાં સિવિલને સહકારરૂપ બનતા યુવા તબીબો : ૧૮ યુવા તબિબોની ટીમમાં ફિલિપાઈન્સથી અભ્યાસ કરેલ ડો. મિતલ સંઘાણી, ડો. જલ્પા ડોડીયા અને ડો. હિતેશ પારેખ, જયારે ડો.આશિષ મોઢા, ડો.પ્રતિક ગણાત્રાએ રશિયા અને ડો. ધર્મિષ્ઠા વાઢેરએ યુક્રેનમાં તબિબી અભ્યાસ કર્યો છેઃ ભારતમાં અભ્યાસ કરનારા યુવા તબીબો ડો. આયુષ ગઢવી, ડો. સંતોક મુસાર, ડો. મૈત્રી ડઢાણીયા, ડો.મીના મકવાણા, ડો.પ્રતિક્ષા પ્રજાપતિ, ડો. મહેશ ડાભી, ડો. ઋષિત પટેલ, ડો. નિકુંજ પટેલ અને ડો.પુષ્પલતા ઉમરની ટીમ સતત કાર્યરત

રાજકોટ તા. ૬:  કોઈપણ કપરા સમયમાં માતૃભુમિના સાદને સાંભળી યુવાઓ દેશસેવા માટે હરહંમેશ તત્પર હોય જ છે. ભારતની પૂણ્યભુમિના સંસ્કાર એ આપણી આગવી ધરોહર છે. પછી તે આઝાદી કાળ હોય કે રાષ્ટ્ર પર આવેલી કુદરતી આફત. કંઇક આવુ જ યુવા તબિબોએ કર્યુ છે. ફિલિપાઇન્સ, રશિયા અને યુક્રેન સહિતના દેશોમાં તબિબી શિક્ષણ પુરૂ કરી ત્યાં જ સ્થાયી થવાની ઇચ્છા ધરાવતાં આ તબિબોએ તેમની આ ઇચ્છાને દેશસેવા કાજે દફનાવી દીધી છે અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોના હોસ્પિટલમાં સેવા આપવા પહોંચી ગયા છે.

સામાન્ય રીતે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ યુવાઓની ઈચ્છા વિદેશમાં જ સ્થાયી થઈને સારી કારકિર્દી ઘડવાની અને આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરવાની હોય છે. પરંતુ હાલના કોરોનાના કપરા કાળમાં વિદેશમાં અભ્યાસ કરેલા ભારતીય યુવા તબીબો માતૃભુમિ અને લોકોના સ્વાસ્થ્ય સેવા કાજે સ્વેચ્છાએ આગળ આવ્યા છે. ફિલિપાઈન્સથી અભ્યાસ કરીને રાજકોટ સિવિલમાં સેવા આપતા ૨૪ વર્ષીય ડો. દ્રષ્ટિ સેતા લોકોના પ્રાણને જોખમમાં મુકતા કોરોના વાયરસ સામે ઝિંદાદિલી અને બુલંદ હોંસલા સાથે કોવીડ-૧૯ વોર્ડમાં રહીને જંગ લડી રહ્યા છે. જે દર્શાવે છે કે રાષ્ટ્રની યુવાશકિત સદભાવ સાથે લોકકલ્યાણ અર્થે પોતાની યૌવનકાળની આહુતિ આપવા સદૈવ તત્પર જ હોય છે.

કોઈ પણ કાર્યક્ષેત્રમાં પાયારૂપી નાની કામગીરી જ મહત્વપૂર્ણ મોટા કાર્યને સફળ બનાવતી હોય છે. તેવી જ રીતે કોરોના સામે લોકોનું જીવન બચાવવામાં મદદરૂપ થવા રાજકોટ કોવીડ-૧૯ હોસ્પિટલમાં ડો. દ્રષ્ટિ સેતા ટીમ લીડરના રૂપમાં આધાર સ્તંભ બનીને તેની ઈન્ટર્સ ટીમ સાથે કામ કરી રહ્યા છે.

ફિલિપાઈન્સમાં અભ્યાસ કરીને સ્વદેશ પરત ફરેલા અને કોરોનાની મહામારીમાં રાજકોટ સિવિલમાં લોકોની સેવાનો નિર્ણય લેનાર ડો. દ્રષ્ટિ સેતાએ પોતાની ભુમિકા સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, કોરોના દર્દી દાખલ થાય અને સ્વસ્થ બનીને ઘર પરત ફરે ત્યાં સુધીના દરેક પાસાઓ પર હોસ્પિટલમાં અનેક મહત્વના કામ કરવાના હોય છે. ત્યારે આવું જ કામ હું અને મારી ટીમના ૧૮ ઈન્ટર્સ ડોકટરો કરી રહ્યા છીએ. જેમાં દર્દીનું લોહી લેવું, કેસ લેવા, કેસની નોંધ કરવી, રીપોર્ટ તૈયાર કરવા, લોહીના સેમ્પલ લેબોરેટરીમાં સમયસર પહોંચાડવા સહિતની કામગીરીનો સમાવેશ થાય છે.

કોરોનાના નામથી જ લોકોના મનમાં અજ્ઞાત ભય પેદા થતો હોય છે ત્યારે કોવીડ વોર્ડમાં જ રહીને સકારાત્મક અભિગમ કેળવીને હસ્તા ચહેરે હું અને મારી ટીમ પુરી સાવચેતી અને સંકલન સાથે તબીબ તરીકેની ફરજ નિભાવી રહ્યા છીએ. કોવીડ વોર્ડમાં રહીને જ કામ કરતા હોવાથી માતા-પિતાને અમારી ચિંતા થતી હોય છે. ત્યારે હું એટલું કહું છું કે, અત્યારે દેશ અને દેશવાસીઓને મારી જરૂર છે. 'અભી નહીં તો કભી નહીં'ના સંકલ્પ સાથે મનોબળ મજબુત રાખીને સીનિયર ડોકટર્સ અને મેડીકલ સ્ટાફને સહકાર આપી રહ્યા છીએ. આ ઉપરાંત અમારી મનોસ્થિતિને સ્વસ્થ રાખવા માટે મનોચિકિત્સક વિભાગના હેડ ડો.મુકેશ પટેલ દ્વારા અમારું કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે, તેમ ડો. સેતાએ જણાવ્યું હતું.

ઈન્ટર્સ ડોકટરોની ટીમના હેડ તરીકે પોતાના સહકર્મીઓના સકારાત્મક અભિગમ વિશે વાતચીત કરતાં ડો. દ્રષ્ટિએ જણાવ્યું હતું કે, ૧૮ વ્યકિતઓની ટીમમાં ફિલિપાઈન્સથી અભ્યાસ કરેલ ડો. મિતલ સંઘાણી, ડો. જલ્પા ડોડીયા અને ડો. હિતેશ પારેખ, જયારે ડો.આશિષ મોઢા, ડો.પ્રતિક ગણાત્રાએ રશિયા અને ડો. ધર્મિષ્ઠા વાઢેરએ યુક્રેનથી તબીબ તરીકેનો અભ્યાસ કર્યો છે. આ સાથે ભારતમાં જ અભ્યાસ કરેલા યુવા તબીબ એવા ડો. આયુષ ગઢવી, ડો. સંતોક મુસાર, ડો. મૈત્રી ડઢાણીયા, ડો.મીના મકવાણા, ડો.પ્રતિક્ષા પ્રજાપતિ, ડો. મહેશ ડાભી, ડો. ઋષિત પટેલ, ડો. નિકુંજ પટેલ અને ડો.પુષ્પલતા ઉમર સહિત અમે સૌ એક ટીમવર્કથી લોકોની સેવા કરી રહ્યા છીએ.

(4:24 pm IST)