Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

બે મિત્રોનું અપહરણ કરી ખંડણી માંગવાના ગુનામાં ઝડપાયેલા ૪ શખ્સો રિમાન્ડ પરઃ આકરી પુછતાછ

પ્ર.નગર પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ કે. ડી. પટેલ અને ટીમે વસીમ, ઇમરાન, આબીદ અને રમીઝને પકડ્યાઃ અમે શાહરૂખ ઉર્ફ રાજા સાથે ન જોડાય તો એ અમને પણ મારે...ચારેયનું રટણ

રાજકોટ તા. ૬: પરસાણાનગરમાંથી આહિર યુવાન અને તેના મિત્રનું અપહરણ કરી ૧ લાખની ખંડણી માંગવાના ગુનામાં પ્ર.નગર પોલીસે ૪ આરોપીને પકડી લઇ કોર્ટમાં રજૂ કરતાં એક દિવસના રિમાન્ડ મંજુર થયા છે. ચારેયએ એવી કબુલાત આપી છે કે સુત્રધાર શાહરૂખ ઉર્ફ રાજાના ડરથી પોતે તેની સાથે આ ગુનામાં સામેલ થયા હતાં. ન જોડાય તો શાહરૂખ પોતાને પણ મારકુટ કરી લે તેવો ભય હોવાનું ચારેયએ રટણ કર્યુ હતું.

આ બનાવમાં પ્ર.નગર પોલીસે જામનગર રોડ ભોમેશ્વર ફાટક પાસે હંસરાજનગર-૪/૧ના ખુણે મહાદેવ મંદિર પાસે રહેતાં અને અયોધ્યા ચોક પાસે જય મુરલીધર ટ્રાન્સપોર્ટમાં મહેતાજી તરીકે નોકરી કરતાં સૂરજ રાજેશભાઇ અવાડીયા નામના આહિર યુવાનની ફરિયાદ પરથી શાહરૂખ ઉર્ફ રાજા, વસીમ, આબીદ, સદામ, રમીઝ અને ઇમરાન સામે આઇપીસી ૩૬૫, ૩૬૪ (ક), ૩૪૨, ૩૪૭, ૩૪૮, ૩૫૭, ૪૨૦ (બી), ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો હતો.  જે અંતર્ગત વસીમ જુસબભાઇ દલવાણી (ઉ.વ.૨૫-રહે. ભીસ્તીવાડ, ગાયકવાડી ૮નો ખુણો), ઇમરાન દાઉદભાઇ દલવાણી (ઉ.૩૭-રહે. ભીસ્તીવાડ-૧૧, ફાતેમા મંઝીલ), આબીદ નુરમહમદ જૂણેજા (ઉ.૨૪-રહે. પરસાણાનગર-૭) તથા રમીઝ વાસીમભાઇ જૂણેજા (ઉ.વ.૨૦-રહે. સ્લમ કવાર્ટર નં. ૪૨, જામનગર રોડ)ને પકડી લીધા છે. આ ચારેયના કોવિડ ટેસ્ટ નેગેટિવ આવતાં ધરપકડ કરી રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાતાં એક દિવસના રિમાન્ડ મળ્યા છે. ચારેયએ એવું રટણ કર્યુ છે કે શાહરૂખ ઉર્ફ રાજાની ધાકધમકીથી પોતે તેની સાથે સામેલ થયા હતાં. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ કે. ડી. પટેલ, એએસઆઇ એસ.આર. જોગરાણા, સંજયભાઇ દવે, હેડકોન્સ. દેવશીભાઇ ખાંભલા, જનકભાઇ કુગશીયા, યુવરાજસિંહ જાડેજા, ધર્મરાજસિંહ ઝાલા, અશોકભાઇ હુંબલ અને હરેશભાઇ કુકડીયા વધુ તપાસ કરે છે. સુત્રધાર શાહરૂખ ઉર્ફ રાજા સહિતની શોધખોળ થઇ રહી છે.

(4:18 pm IST)