Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

આજી ડેમ પાસેના ભીમરાવનગરના ચકચારી મોરારી હત્યા કેસના આરોપીની જામીન અરજીને ફગાવતી કોર્ટ

રાજકોટ તા. ૬: રાજકોટના આજીડેમ ચોકડી પાસે થયેલ ખુનના ગુન્હામાં પકડાયેલ આરોપીની જામીન અરજીને અદાલતે રદ કરી હતી.

રાજકોટમાં આજીડેમ ચોકડી પાસે ભીમરાવનગરમાં રહેતા નિર્મળાબેન ભરતભાઇ મકવાણાએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં તા. ર૩/૩/ર૦ર૦ના રોજ ફરીયાદ નોંધાવેલ કે ફરીયાદી નિર્મળાબેનના દીકરા ઇશ્વર મકવાણાને આરોપી ઇશ્વર કેશુભાઇ મકવાણાના ભાઇ મોરારી સાથે માથાકુટ થયેલ જેમાં મોરારીની હત્યા થયેલ હતી. જેમાં ફરીયાદીના દીકરા તથા અન્ય લોકોની ધરપકડ થયેલ અને જે હાલ જયુ. કસ્ટડીમાં જેલ હવાલે રહેલ છે.

આ અગાઉ થયેલ ખુનના ગુન્હાનો બદલો લેવા માટે આ કામના આરોપીઓએ ભરતભાઇ નાથાભાઇ મકવાણા જાતેઅ નુસુચીત જાતી, ઉ.વ.આ. ૩૯ ને છરીના ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડીમોત નીપજાવેલ જેમાં પોલીસ તંત્ર દ્વારા આઇ.પી.સી. કલમ ૩૦ર વિગેરે તથા એટ્રોસીટી એકટની કલમો મુજબનો ગુન્હો નોંધી એ.સી.એસ.ટી. સેલના મદદનીશ પોલીસ કમિશ્નર દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ હતી. જેમાં ઇશ્વર કેશુભાઇ મકવાણા, અનીલ લક્ષ્મણભાઇ પરમાર અને ભરત ઉર્ફે રોહીત ભુપતભાઇ બારૈયાની ધરપકડ કરેલ અને ત્યારબાદ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરેલ હતી જેમાં ભરત ઉર્ફે રોહીત ભુપતભાઇ બારૈયાએ રેગ્યુલર જામીન અરજી કરેલ હતી જે જામીન અરજી અદાલત દ્વારા રદ કરવામાં આવેલ હતી.

સદરહું કામમાં સરકારપક્ષ તથા ફરીયાદપક્ષે રજુઆત કરવામાં આવેલ કે હાલના આરોપીનો બનાવમાં મુખ્ય રોલ રહેલો છે. ફરીયાદમાં નામ આપવામાં આવેલ છે નજરે જોનાર સાહેદોએ આરોપીને છરી લઇને ભાગતા જોયેલા છે અને પથ્થરના ઘા મારતા પણ જોયેલા છે ઉપરાંત ફરીયાદ પક્ષ અને આરોપી પક્ષ એકજ વિસ્તારમાં રહેતા હોવાથી ફરીવાર માથાકુટો થવાની સંભાવના રહેલી છે અને સાક્ષી, પુરાવાઓ સાથે ચેડા થવાની શકયતાઓ રહેલી છે.

અદાલત દ્વારા સરકારપક્ષ તથા પોલીસ તપાસના કાગળો અને ફરીયાદપક્ષની રજુઆતોને ધ્યાનમાં રાખી અરજદાર/આરોપી ભરત ભુપતભાઇ બારૈયાની જામીન અરજી નામંજુર કરવામાં આવેલ હતી.

આ કામમાં સરકારી વકીલશ્રી પ્રશાંતભાઇ પટેલ તથા મુળ ફરીયાદી તરફે રાજકોટના યુવા ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, હેમાંશુ પારેખ, કિરીટ નકુમ, જયવિર બારૈયા, મીલન જોષી, દીપ વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, ખોડુભા સાકરીયા, કુલદીપભાઇ ચૌહાણ, નયન મણીયાર એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

(2:57 pm IST)