Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

ઘંટેશ્વરની કિંમતી જમીનનો બોગસ દસ્તાવેજ બનાવવાના ગુનામાં આગોતરા જામીન મંજુર

રાજકોટ તા. ૬: ઘંટેશ્વરની કિંમતી આશરે ૬૦૦ વારના પ્લોટના બોગસ દસ્તાવેજ બનાવી વહેંચી નાખવાના ગુન્હાના કામે આરોપીના આગોતરા જામીન મંજુર થયેલ છે.

આ ગુન્હા અંગેની એફ.આઇ.આર. તથા પોલીસની તપાસ મુજબ બનાવની હકીકત એવી છે કે ઘંટેશ્વર ગામના રેવન્યુ સર્વે નં. ૩૩ ના પ્લોટ નં. પ૯ ની જમીન ચો.વા.આ. પ૮પ-૦૦ આનંદીબેન કંચનલાલ પટેલના નામે આવેલ છે જેઓનું મૃત્યુ તા. ર૯/૧૦/૧૯૯૮ ના રોજ થયેલ અને તેઓના પતિ કંચનલાલ પટેલનું અવસાન સને ર૦૧૭માં થયેલ. તેથી સદરહું પ્લોટનું વારસા સર્ટીફીકેટ ફરીયાદી યોગેન્દ્રભાઇ કંચનભાઇ પટેલનાઓએ મેળવેલ અને તે વારસા સર્ટીફીકેટના આધારે ફરીયાદી યોગેન્દ્રભાઇ કંચનભાઇ પટેલ રેવન્યુ રેકર્ડમાં એન્ટ્રી પડાવવા જતા તેઓને માલુમ પડયું કે સદરહું મિલ્કત અંગે બોગસ દસ્તાવેજ થઇ ગયેલ.

સદરહું કામે ગાંધીગ્રામ-ર (યુનિ. પો. સ્ટેશન) ના અધિકારીએ આઇ.પી.સી.ની કલમ-૪૦૬, ૪ર૦, ૪૬પ, ૪૬૭, ૪૬૮, ૧ર૦ (બી) મુજબનો ગુન્હો નોંધી તપાસ આદરતા તપાસમાં એવું ખુલેલ કે આરોપી રસિકભાઇ બેચરભાઇ બોડાએ સદરહું બોગસ દસ્તાવેજમાં સાક્ષી તરીકે સહી કરનાર વ્યકિતની વ્યવસ્થા કરી આપેલ છે અને સદરહું બોગસ દસ્તાવેજ તેઓની હાજરીમાં જ થયેલ છે અને મૃતક આનંદીબેન કંચનલાલ પટેલના નામે રજુ કરવામાં આવેલ બોગસ સ્ત્રીને પણ હાલના આરોપી રસિકભાઇ બેચરભાઇ બોડા ઓળખતા હોય, આરોપી રસિકભાઇ બેચરભાઇ બોડાની ધરપકડ કરવા તજવીજ કરતા આરોપી રસિકભાઇ બેચરભાઇ બોડાએ ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી ગુજારેલ જે જામીન અરજીના અનુસંધાને કરવામાં આવેલ દલીલ તથા દલીલ સાથે રજુ કરવામાં આવેલ સુપ્રિમ કોર્ટના જુદા-જુદા જજમેન્ટસ ધ્યાને લઇ ગુજરાત હાઇકોર્ટે આરોપી રસિકભાઇ બેચરભાઇ બોડાને આગોતરા જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ છે.

આ કામે આરોપી રસિકભાઇ બેચરભાઇ બોડા વતી ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદના એડવોકેટશ્રી સંદિપ આર. લીંબાણી તથા રાજકોટના એડવોકેટ શ્રી નિલેશ સી. ગણાત્રા રોકાયેલા હતા.

(2:53 pm IST)