Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

રાજકોટમાં ગઇરાત્રે મીની વાવાઝોડુ ૬૦થી વધુ વૃક્ષોનો સોથ : વાહનો દબાયા

માસ્તર સોસાયટીના બગીચામાં ૧૦ ઝાડ ધરાશાયી : રેસકોર્ષ રીંગ રોડ, વોર્ડ નં. ૧૩, જાગનાથ, પેડક રોડ, એરપોર્ટ ફાટક, સોરઠીયાવાડી, કોઠારિયા કોલોની, ટાગોર રોડ, હુકડો સહિતના વિસ્તારોમાં રસ્તાઓ બંધ : ફાયરબ્રિગેડ ગાર્ડનની ટીમોએ રાતભર દોડાદોડી કરી છતાં સવારે પણ અનેક સ્થળોએ ઝાડ ધરાશાયી હાલતમાં : તંત્ર હાંફી ગયુ

ભારે ખાના - ખરાબી : શહેરમાં ગઇકાલે ત્રાટકેલા મીની વાવાઝોડાએ ભારે ખાના-ખરાબી સર્જી હતી. જેની જીવંત તસ્વીરોમાં થાંભલા, છાપરા, રિક્ષા, મોટરકાર, બગીચો વગેરેનો ઝાડ પડવાને કારણે થયેલ ખાના-ખરાબી દર્શાય છે. (તસ્વીરો : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૬ : શહેરમાં ગઇરાત્રે ૮ વાગ્યે એકાએક મીની વાવાઝોડું ત્રાટકયું હતું. સતત ૩૦ મીનીટ સુધી તોફાની પવન સાથે વાવાઝોડાએ તાંડવ મચાવ્યું હતું. જેના કારણે શહેરમાં ૬૦થી વધુ વૃક્ષોનો સોથ વળી ગયો હતો. રાત સુધી ફાયરબ્રિગેડ - ગાર્ડન વિભાગની ટીમોએ દોડધામ કરી છતાં સવાર સુધી વૃક્ષોના મલબો યથાવત હોઇ, લોકરોષ જોવા મળી રહ્યો હતો.

ફાયરબ્રિગેડના કંટ્રોલ રૂમમાં નોંધાયા મુજબ ગઇરાત્રે ૮ વાગ્યે તોફાની પવન અને વરસાદ સાથે મીની વાવાઝોડું અચાનક ત્રાટકયું હતું. જેને સતત ૩૦ મીનીટ સુધી શહેરને ધમરોળ્યું હતું. જેના કારણે રેસકોર્ષ રીંગ રોડ, માસ્તર સોસાયટીનો બગીચો, સોરઠીયાવાડી સર્કલ, જયરાજ પ્લોટ રામમઢી, રામનાથપરા શાળા નં. ૧૧, એરપોર્ટ ફાટક, અક્ષર માર્ગ, કોઠારીયા કોલોની, ગરબી ચોક, પારેવડી ચોક, સુગર મીલમાં, રૈયાનાકા ટાવર, હુડકો ચોકી, પેડક રોડ, માસુમ વિદ્યાલય, કોઠારીયા દીપમનગર, કુંભારવાડા, ધરમ સિનેમા, પીડબલ્યુડી કચેરી, ટાગોર રોડ, વાણીયા વાડી ૪/૬, ૮૦ ફુટ રોડ, માયાણી ચોક, સોરઠીયાવાડી સર્કલ, પુનિતનગર સોસાયટી, કિશાનપરા ચોક, મ્યુનિસિપલ સોસાયટી, આજી ડેમ ગેઇટ પાસે, લક્ષ્મીવાડી ૩/૬, યોગીનગર (રૈયા રોડ), કિરણ સોસાયટી, પારડી રોડ સહિતના સ્થળોએ ૬૦થી વધુ વૃક્ષોનો સોથ વળી ગયો હતો.

આ ઝાડ પડવાથી બગીચામાં બાલક્રીડાંગણો રોડ ઉપર વીજ થાંભલાઓ, ઝાડ નીચે પાર્ક કરાયેલ મોટરકાર, રીક્ષા, ટુવ્હીલરો, નાની ડેરી (મંદિરો) વગેરેને મોટું નુકસાન થયું હતું અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર આજે પણ ઝાડ પડેલા હતા.

અચાનક ત્રાટકેલા વાવાઝોડાએ તંત્રની અગ્નિપરીક્ષા લીધી હતી અને આટલી મોટી સંખ્યામાં એકીસાથે માત્ર અર્ધો કલાકમાં જ વૃક્ષો પડી જતાં તંત્ર ટુંકુ પડયું હતું. જોકે સદ્નશીબે કોઇ જાનહાની થઇ નહતી.

(1:03 pm IST)