Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

રાજકોટ શહેર - જિલ્લાની તમામ કોવીડ હોસ્પિટલો ફાયર અંગે ચેક કરવા કલેકટરના આદેશો : પ્રાયવેટ અંગે રીપોર્ટ મંગાવાયો

પ્લાઝમાં માટે ૪ બ્લડ બેંકમાં ૮ દિ'માં કલેકશન સેન્ટર શરૂ કરી દેવાશે

રાજકોટ તા. ૬ : અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં વહેલી સવારે આગ ભભૂકી ઉઠી અને કોરોનાના ૮ દર્દીના કરૂણ મોત થતાં હાહાકાર મચી ગયો છે.

આ ઘટના અંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ તપાસના આદેશો આપ્યા છે.

દરમિયાન અમદાવાદની આ ઘટના બાદ રાજકોટ જિલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને શહેર - જિલ્લાની તમામ સરકારી - પ્રાયવેટ હોસ્પિટલ કે જેમાં ફાયર સેફટી છે કે કેમ - દરેક વોર્ડમાં સલામતિ છે કે કેમ, આગની કોઇ ઘટના બને તો બહાર નીકળવાના રસ્તા, ફાયર સેફટીના સાધનો વિગેરે તપાસ બાબતો ચકાસવા આદેશો કર્યા છે, આ ઉપરાંત શહેરની પ્રાયવેટ હોસ્પિટલો કે જે કોવિડ-૧૯ હોસ્પિટલ અંગે કામ કરી રહી છે તે અંગે ખાસ રીપોર્ટ મંગાવાયો છે.

કલેકટરે 'અકિલા'ને આજે સવારે જણાવ્યું હતું કે, કોર્પોરેશન અને નગરપાલિકા વિસ્તારમાં કોવીડ-૧૯ની હોસ્પિટલો ફાયર સેફટી ચકાસવા અંગે આજે કાર્યવાહી કરી લેવાશે.

પ્લાઝમાં થેરાપી અંગે કલેકટરે જણાવ્યું હતું કે, રાજકોટની સિવિલ સહિત ૯ હોસ્પિટલોમાં ૮ દિ'માં પ્લાઝમાં કલેકશન સેન્ટર શરૂ થઇ જશે, જેમાં સૌરાષ્ટ્ર બ્લડ બેંક, રેડક્રોસ બ્લડ બેંક અને લાઇફ બ્લડ બેંકનો સમાવેશ થાય છે.

(11:25 am IST)