Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

લોકમેળાના ઉદ્ઘાટન માટે મુખ્યમંત્રીને આમંત્રણઃ યાંત્રિક રાઈડ માલીકોને ડીઝાઈન અંગે માર્ગદર્શન અપાયું

૨૨મીએ સવારે ૧૦ વાગ્યે ઉદ્ઘાટનઃ આઠમના તહેવાર અનુરૂપ સાંસ્કૃતિક કાર્યક્રમો : રાઈડ માલિકો હવે ૨ દિ'માં કહેશેઃ જો કે ડીઝાઈન-સ્ટ્રકચર-પ્રમાણપત્ર અંગે હાલ વિટંબણા

રાજકોટ, તા. ૬ :. આગામી તા. ૨૨થી રાજકોટમાં યોજાનાર 'મલ્હાર' લોકમેળાનું ઉદ્ઘાટન ૨૨મીના સવારે ૧૦ વાગ્યે થશે અને સાતમ-આઠમના તહેવાર અનુરૂપ ઉદ્ઘાટન સમારોહમાં રાસ-ગરબા, કૃષ્ણ ઉપર નૃત્ય વિગેરે કાર્યક્રમો યોજાશે.

કલેકટર દ્વારા મેળાના ઉદ્ઘાટન અંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને આમંત્રણ મોકલાવી દેવાયુ છે. લગભગ વિજયભાઈ ઉદ્ઘાટન કરે એ ફાઈનલ હોવાનું અધિકારી સૂત્રો જણાવી રહ્યા છે.

દરમિયાન મેળામાં જેનુ મુખ્ય આકર્ષણ હોય છે તે ૪૪ જેટલી મોટી રાઈડો અંગે હાલ ગુંચવાડો યથાવત છે. ગઈકાલે માર્ગ-મકાનના યાંત્રિક ડીપાર્ટમેન્ટના ઈજનેર શ્રી પટેલ તથા ડે. કલેકટર શ્રી ચૌહાણે રાઈડ માલિકોને બોલાવ્યા હતા અને પ્રમાણપત્ર કેમ મેળવવું, રાઈડની ડીઝાઈન, સ્ટ્રકચર વિગેરે કયાંથી મળશે ? તેનું ખાસ માર્ગદર્શન અપાયુ હતું.

રાઈડ માલિકો આ માર્ગદર્શન લઈ રાઈડો મુકવી કે નહીં, હરરાજીમાં ભાગ લેવો કે નહીં તે અંગે જવાબો આપશે, આથી હાલ મુખ્ય એવી ડીઝાઈન બાબતે વિટંબણા યથાવત રહી છે.

દરમિયાન અધિકારી સૂત્રો ઉમેરી રહ્યા છે કે, કલેકટર દ્વારા રાઈડો અંગે જે ટીમ બનાવાઈ છે તે ટીમ જ મંજુરી આપશે. રાઈડ માલિકોને આખુ લીસ્ટ અપાયું છે.

(4:05 pm IST)