Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

આપણી પાસે જે છે એમાં જ સંતોષ માનીએઃ પૂ. અપૂર્વમુની સ્વામી

સમસ્ત વાળંદ સમાજના સભ્યો માટે પ્રેરણા સમારોહ યોજાયોઃ વૈદીક શાંતિ પાઠનું ગાન

રાજકોટઃ. પૂ. પ્રમુખસ્વામી મહારાજનો ૯૮મો જન્મ જયંતિ મહોત્સવ રાજકોટ ખાતે દિવ્યતાપૂર્વક ઉજવાશે. શહેરમાં વિવિધ સામાજીક અને આધ્યાત્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત વિવિધ સામાજીક-આધ્યાત્મિક કાર્યક્રમોના ભાગરૂપે સમસ્ત વાળંદ સમાજ પ્રેરણા સમારોહ મહાનગરપાલિકા કોમ્યુનિટી હોલ ખાતે 'સુખનું સાચુ સરનામું' વિષય પર યોજાયો હતો. ૨૦૦૦થી વધુ વાળંદ સમાજના સભ્યોએ ઉપસ્થિત રહી સુખી જીવન જીવવા માટેનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યુ હતું. મંદિરના સંત નિર્દેશક પૂ. અપૂર્વમુનિ સ્વામીએ 'સુખનું સાચુ સરનામુ' વિષય પર પ્રેરક વકતવ્યનો લાભ આપ્યો હતો. તેઓએ શારીરિક, આર્થિક, પારિવારીક, માનસિક અને આધ્યાત્મિક રીતે સુખી કઈ રીતે થવાય તે વિષયક માર્ગદર્શન આપ્યું હતું. દરેકમાં શકિતઓ તો રહેલી છે પણ એક સ્પાર્ક કે સદ્વિચારની જરૂર હોય છે. તંદુરસ્ત જીવન જીવીએ અને વ્યસનમુકત વ્યકિતત્વ બનાવીએ. આપણી પાસે જે એનાથી દુઃખી નથી, બીજા પાસે વધુ છે એનાથી દુઃખી થઈએ છીએ. આપણે જ્યાં છીએ ત્યાંથી શ્રેષ્ઠ બનવાનો પ્રયત્ન કરીએ, બીજાની ઈર્ષા ન કરીએ તો સુખી થઈશું તેમ પૂ. અપૂર્વમુનિ સ્વામીએ જણાવેલ. યુવકો દ્વારા વૈદિક શાંતિપાઠનું ગાન કરાયુ હતું, ત્યાર બાદ બીએપીએસ સંસ્થા પરિચય વિડીયો તથા આદર્શ પથદર્શક પ્રમુખ સ્વામી મહારાજ વિડીયો દ્વારા ઉપસ્થિત સૌ અભિભૂત થયા હતા. સમારોહમાં વાળંદ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા (૨-૧૭)

(4:10 pm IST)