Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

કાલાવડ રોડ પર કારની ઠોકરે મેટોડાના ૧૩ વર્ષના સુરેશનું મોતઃ એકને ઇજા

૧૦૮ની રાહ જોયા વગર મહિલા પીએસઆઇ કડછાએ ઇજાગ્રસ્તોને ખસેડયાઃ મૃતક સુરેશ વાળ કપાવવા આવતો'તો

રાજકોટ તા.૬: કાલાવડ રોડ પર હરેરામ હરે ક્રિષ્ના મંદિર પાસે ડબલ સવારી જઇ રહેલા બાઇકને ફોરવ્હીલે ઠોકર મારતા ૧૩ વર્ષના આદિવાસી કિશોરનું મોત નિપજયું હતું.

મળતી વિગતો મુજબ કોઠારીયા રોડ પર સહકાર સોસાયટીમાં રહેતા અને મેટોડામાં કારખાનામાં કામ કરતા બાબુરામભાઇ પ્રસાદીભાઇ સગના (ઉ.૪૨) ગઇકાલે પોતાનુ બાઇક લઇને રાજકોટ આવતા હતા ત્યારે મેટોડા પાસે મેટોડા કારખાનામાં મજૂરી કામ કરતો સુરેશ લવજીભાઇ ભમ્મર (ઉ.વ.૧૩) મેટોડા જીઆઇડીસીના ગેઇટ પાસે ઉભો હતો. અને બાબુરામ ત્યાંથી પસાર થતા ત્યારે સુરેશે તેને રોકી લીફટ માંગી હતી અને કે.કે.વી. હોલ સુધી લઇ જવાનું કહેતા બાબુરામે તેને બાઇકમાં બેસાડી બંને રાજકોટ આવતા હતા ત્યારે હરેરામ હરેકૃષ્ણના મંદિર પાસે કોઇ ફોરવ્હીલના ચાલકે બાઇકને ઉલાળતા બંને ફંગોળાઇ ગયા હતા, અકસ્માત સર્જાતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા, અને થોડીવાર માટે ટ્રાફીક જામ થઇ ગયો હતો. આ બનાવની જાણ થતાં જ ટ્રાફીક પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફીક કલીયર કરાવ્યો હતો. અને ૧૦૮ પહોંચે તે પહેલા ટ્રાફીક પોલીસના પીએસઆઇ કડછા સહિતના સ્ટાફે બંને ઇજાગ્રસ્તોને જીપમાં લઇને સિવિલ હોસ્પિટલે પહોંચાડયા હતાં ત્યાં તપાસનીસ તબીબે જોઇ તપાસી સુરેશ ભમ્મરનું મોત નિપજયું હોવાનું જાહેર કર્યુ હતું. મૃતક સુરેશ રાજકોટ કે.કે.વી. હોલ પાસે વાળ કપાવવા માટે આવતો હતો. આ અંગે તાલુકા પોલીસ મથકના પીએસઆઇ જી.એસ. ગઢવીએ તપાસ હાથ ધરી છે.

(3:45 pm IST)