Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

ગાંધીગ્રામના જીમ સંચાલક યુવાન મનિષ ભીલને ત્રણ શખ્સોએ ગાળો દઇ ધમકી આપીઃ ધરપકડ

ધર્મેશે ફોન કરી તું કેમ મારા મિત્ર નિતીશને તે જીમમાં આવે ત્યારે ગાળો દે છે? તેમ કહી માથાકુટ કરીઃ બાદમાં ત્રણેયે ઘરે આવી ડખ્ખો કર્યો

રાજકોટ તા. ૬: ગાંધીગ્રામ રવિ રાંદલ પાર્ક સોસાયટી યશ કોમ્પલેક્ષ પાછળ 'આઇશ્રી ખોડિયાર' નામના મકાનમાં રહેતાં અને સાધુ વાસવાણી રોડ પર જે. બી. ફિટનેસ નામનું જીમ ચલાવતાં મનિષ  જસવંતભાઇ ભીલ (ઉ.૨૬)ને ત્રણ શખ્સોએ ફોન પર ગાળો દઇ બાદમાં ઘર પાસે આવી બહાર બોલાવી ફરીથી ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપતાં પોલીસે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી છે.

પોલીસે મનિષભાઇની ફરિયાદ પરથી નિતીશરંજન મિથીલેશ મિશ્રા (ઉ.૩૦-રહે. દિવ્યજ્યોત એપાર્ટમેન્ટ ફલેટ-૫, મુળ ખુસરપુર જી. પટના બિહાર), હિતેષ જગદીશભાઇ સોલંકી (ઉ.૨૨-રહે. ઓમ વિશ્વકર્મા સોસાયટી-૩, સાધુ વાસવાણી રોડ) તથા ધર્મેશ સુરેશભાઇ રત્નેશ્વર (ઉ.૩૨-રહે. ગોકુલનગર-૨, બ્લોક નં. ૧૨)ની સામે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી છે.  મનિષભાઇના કહેવા મુજબ પોતે જીમ ચલાવે છે. રવિવારે રાત્રે સાડા અગિયારેક વાગ્યે પોતે ઘરે હતો ત્યારે ફોન આવ્યો હતો અને નિતિશરંજનનો મિત્ર ધર્મેશ બોલુ છું, નિતિશ તારા જીમમાં આવે ત્યારે તું શું કામ ગાળો બોલે છે? તેમ કહેતાં મનિષભાઇએ કહેલ કે નિતીન ત્રણ મહિનાથી તો જીમ પર આવતો પણ નથી, હું કયાં ગાળો આપુ છું? તેમ જણાવતાં તેણે વધુ ગાળો આપી હતી. એ પછી ધર્મેશ, નિતિશ અનેહિતેષે ઘરે આવી બહાર બોલાવી ફરીથી ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપી હતી તેમજ ઢીકા-પાટુનો માર માર્યો હતો. દેકારો થતાં ઘરના સભ્યો આવી જતાં ત્રણેય ભાગી ગયા હતાં. ગાંધીગ્રામના એએસઆઇ મહેશભાઇ લુવાએ ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

(3:45 pm IST)