Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

ઉદય કાનગડનું સ્ટીંગ

લીમડા ચોકના ઇમ્પીરિયા હાઇટસમાં ગેરકાયદે ઓટલા હોવાનો ધડાકો

કમિશ્નર પાની સાથે સ્થળ મુલાકાત લેતા સ્ટેન્ડી કમીટીના ચેરમેન :ટી.પી.ઓએ નોટીસ આપી છતાં બેફામ બાંધકામ ચાલતુ હોવાનું નિહાળી મ્યુ. કમિશનર ચોંકી ઉઠયા : સમગ્ર રોડ પર માર્જીનના દબાણો હટાવવા સુચના : '૦' લેવલ પાર્કીંગનો અમલ કરાવવા તંત્ર કટિબદ્ધ

શાસ્ત્રી મેદાન સામે આવેલ ઈમ્પીરીયા હાઈટસ બિલ્ડીંગમાં ગેરકાયદે ઓટલાનું સ્થળ નિરીક્ષણ કરી અને બિલ્ડરને આ ઓટલો દૂર કરવા સૂચના અપાઈ તે વખતની તસ્વીરમાં સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદયભાઈ કાનગડ તથા મ્યુ. કમિશ્નર બંછાનિધી પાની, ડે. કમિશ્નર ચેતનભાઈ નંદાણી અને ટીપીઓ શ્રી સાગઠિયા નજરે પડે છે.

રાજકોટ, તા. ૬ :. મ્યુ. કોર્પોરેશન દ્વારા છેલ્લા બે દિવસથી શહેરમાં માર્જિન પાર્કિંગમાંથી દબાણો દૂર કરવાની ઝુંબેશ જોરશોરથી ચાલી રહી છે. જે અંતર્ગત ગઈકાલે જ્યુબેલી રોડ, પેલેસ રોડ, ગુંદાવાડી સહિતના વિસ્તારોમાં વેપારીઓના છાપરા-ઓટલા તોડી પાડયા હતા. દરમિયાન આજે શહેરના લીમડા ચોકમાં આવેલ ઈમ્પીરીયા હાઈટસ નામના હાઈરાઈઝ બિલ્ડીંગના માર્જિનમાં ઓટલાનુ દબાણ બેફામ રીતે થઈ રહ્યાનો ધડાકો સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદયભાઈ કાનગડે કર્યો હતો અને મ્યુ. કમિશ્નર બંછાનિધી પાની સાથે સ્થળ મુલાકાત લઈ આ ગેરકાયદે ઓટલા દૂર કરવા ૪૮ કલાકની મુદત બિલ્ડર આપતા આ બાબતે ખળભળાટ મચી ગયો છે.

આ અંગેની વિગતો મુજબ આજે સવારે ૧૧ વાગ્યે ઉઘડતી કચેરીએ સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદયભાઈ કાનગડે ડે. કમિશ્નર ચેતનભાઈ નંદાણીને સાથે રાખી અને લીમડા ચોક શાસ્ત્રીમેદાન સામે નવુ બની રહેલ ઈમ્પીરીયા હાઈટસ બિલ્ડીંગની સ્થળ મુલાકાત લેતા આ બિલ્ડીંગના માર્જિનમાં ગેરકાયદે ઓટલાનું ચણતર બેફામ રીતે ચાલી રહ્યાનું જોવા મળતા શ્રી કાનગડે સ્થળ પર મ્યુ. કમિશ્નર બંછાનિધી પાની અને ટી.પી.ઓ. શ્રી સાગઠિયાને સ્થળ પર બોલાવ્યા હતા.

મ્યુ. કમિશ્નર શ્રી પાનીએ સ્થળ પર પહોંચી અને દબાણનું નિરીક્ષણ કરતા તેઓ ચોંકી ઉઠયા હતા અને આ રોડ પર આવેલા અન્ય તમામ બિલ્ડીંગોના માર્જિનમાંથી દબાણો દૂર કરવા ટી.પી.ઓ.ને સૂચના આપી હતી. આ દરમિયાન ટીપીઓ શ્રી સાગઠિયાએ સ્પષ્ટતા કરી હતી કે બિલ્ડરને આ ઓટલાનું ગેરકાયદે બાંધકામ દૂર કરવા નોટીસ અપાયેલ છે અને હવે આજે ૪૮ કલાકમાં આ દબાણ દૂર કરવા બિલ્ડર શ્રી સોનવાણીને તાકીદ કરાય છે. જો તેઓ જાતે દબાણ દૂર નહી કરે તો કોર્પોરેશન બુલડોઝર ફેરવી દેશે તેમ તેઓએ જણાવ્યુ હતું. આમ આજે ઉદયભાઈ કાનગડે ગેરકાયદે બાંધકામ બાબતે સીધુ સ્ટીંગ ઓપરેશન કરતા ખળભળાટ મચી ગયો હતો.

દબાણ હટાવ ઝુંબેશમાં કોઈને છોડાશે નહિઃ વેપારીઓ-દુકાનદારોને એક ફૂટના

ઓટલાની છૂટ અપાશેઃ ઉદય કાનગડ

રાજકોટઃ. આજે લીમડા ચોકમાં ઈમ્પીરીયા હાઈટસ નામના હાઈરાઈઝ બિલ્ડીંગમાં ઓટલાના દબાણ સામે સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદયભાઈ કાનગડે સ્ટીંગ ઓપરેશન કરી અને અધિકારીઓને સ્પષ્ટપણે સંદેશ આપ્યો હતો કે માર્જિન-પાર્કિંગના દબાણો દૂર કરવા કોઈ વ્હાલા-દવલાની નીતિ અપનાવવી નહિં તમામ લોકોના દબાણો દૂર થશે અને દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રાખવી તેમજ વેપારીઓ તથા દુકાનદારોને પણ માત્ર એક ફુટના ઓટલાની છૂટ આપી એક ફુટથી વધારેનુ દબાણ હોય તો તે તોડી પડાશે તેમ તેઓએ સ્પષ્ટ કર્યુ હતું

(3:29 pm IST)