Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

હત્યાનો ભોગ બનનાર કોણ? હત્યા કયાં થઇ? કોણે કરી?...કોણ દાટી ગયું?...રહસ્ય ઉકેલવા મથામણ

ખોખડદળ નદી પાસે પ્રવિણભાઇ ડોડીયાના ખેતરના શેઢેથી શનિવારે લાશ મળી'તીઃ મૃતકની ઉમર ૩૦ થી ૪૦ વર્ષ, હાથની કલાઇ પર દિલની અંદર અંગ્રેજીમાં 'એ'તથા 'તીર' ત્રોફાવેલાઃ સિંહના મોહરાવાળી પીળી ધાતુની વીંટી અને સફેદ ધાતુની કાચબાની આકારની વિંટી પહેરેલા છેઃ મૃતક વિશે માહિતી હોય તો આજીડેમ પોલીસનો સંપર્ક કરવો

રાજકોટઃ કોઠારીયા ચોકડીથી મુરલીધર વે બ્રીજ તરફ સર્વિસ રોડ તરફ પ્રવિણભાઇ ડોડીયાની વાડીના શેઢેથી જમીનમાં દાટેલી અજાણ્યા આશરે ૩૦ થી ૪૦ વર્ષના પુરૂષની લાશ મળી હતી. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ થતાં માથામાં બોથડ પદાર્થ ફટકારીને હત્યા કરાયાનું સ્પષ્ટ થતાં આજીડેમના પી.આઇ. પી.એન. વાઘેલાએ ફરિયાદી બની આઇપીસી ૩૦૨, ૨૦૧, ૧૩૫ મુજબ યુવાનની કોઇપણ સ્થળે કોઇપણ કારણોસર હત્યા કરી મોત નિપજાવી પુરાવાનો નાશ કરવા સબબ ગુનો નોંધ્યો હતો. આ યુવાનની ઉંચાઇ આશરે ૫ ફુટ ૨ ઇંટ (૧૫૮ સે.મી.) છે, તેની ચામડીનો રંગ ઘંઉવર્ણો જણાય છે. જમણા હાથની કલાઇ પર દિલનું નિશાન છે અને અંદર અંગ્રેજીમાં 'એ' તથા તીર ત્રોફાવેલા છે. જમણા હાથની એક આંગળીમાં પીળા ધાતુની સિંહના મોહરાવાળી વિંટી તથા સફેદ ધાતુની કાચબાની છાપવાળી વિંટી પહેરેલી છે. શરીરે મહેંદી કલરનો કાળાશ પડતો આંખી બાંહનો શર્ટ અને સફેદ જીન્સનું પેન્ટ પહેર્યુ છે. કમર બેટલ્ટ આછા પીળકા કલરનો મેટલના બક્કલવાળો છે, જેમાં અંગ્રેજીમાં રીચ બર્ડ લખેલું છે. તસ્વીરમાં દેખાતા મૃતક વિશે કોઇને પણ કંઇપણ માહિતી હોય તો આજીડેમ પી.આઇ. પી.એન. વાઘેલાનો ફોન ૯૬૮૭૦ ૭૦૬૦૧ અથવા પીએસઆઇ કે. જી. સિસોદીયા ફો ૯૪૦૮૨ ૮૩૫૨૧ અથવા આજીડેમ પોલીસ મથક ખાતે ફોન ૭૪૩૩૮ ૧૪૮૦૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. હત્યાનો ભોગ બનનાર કોણ? હત્યા કોણે અને શા માટે કરી? કયા સ્થળે થઇ? લાશ કોણ દાટી ગયું? આ સહિતના સવાલોના જવાબ મેળવવા પોલીસ મથામણ કરી રહી છે. તસ્વીરમાં ઘટના સ્થળે લાશ જે રીતે હતી તે દ્રશ્ય, મૃતકના ચહેરાની તસ્વીરો, તથા કમર બેલ્ટ અને વીંટીઓ જોઇ શકાય છે.

(12:06 pm IST)